Posts Tagged ‘manas’

આપણે : પન્ના નાયક

Thursday, June 10th, 2010

 

આપણે

આટલાં નજીક

છતાં ય

જિંદગીભર

એકબીજાને જોયા કર્યાં છે એ રીતે

જાણે

હું સ્ટેશન પર

ને

તું

પસાર થતી ટ્રેનનો મુસાફર.

- પન્ના નાયક

 

ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં.  તેવી જ રીતે, એક જ છત નીચે, એક  ’માણસ’  બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?

 

.

ગઝલ : દિનેશ કાનાણી

Wednesday, May 6th, 2009

 

બોલવામાં ચાલવામાં ફેર છે,
એટલે તો આટલું અંધેર છે.

માત્ર બસ થોડાઘણા મતભેદ છે,
લોક કહે કે એની વચ્ચે વેર છે.

ટહુકો છે કે ચીસ, એ નક્કી કરો,
સાવ આ તાજો જ મારો શેર છે.

એક બે જો હોય, તો કહી પણ દઉં,
દુર્દશાનાં કારણો સિત્તેર છે.

હું અહીં તો આપનો મહેમાન છું,
મારો અસલી ચહેરો મારે ઘેર છે.

એક વ્યક્તિ કાંકરીચાળો કરે
ત્યાં જ ડામાડોળ આખું શ્હેર છે !

- દિનેશ કાનાણી

 

સાચે જ, કલિયુગ આવી ગયો, માણસ ‘ માણસ ‘ રહ્યો જ નથી …!! આવી ચીસો રોજ આપણા કાને પડે છે, પણ માણસ એટલે કોણ હું ને તમે જ ને …… અને ત્યારે ‘માણસ’ નો આ ટહુકો કોઇનાં કાને પડશે ?!!   ” બોલવામાં ચાલવામાં ફેર છે, એટલે તો આટલું અંધેર છે. ” માણસની દુર્દશાનાં સિત્તેર કારણોમાંથી થોડાંક દિનેશભાઈની કલમે …….!!

 

 

 

eમાણસ છું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Monday, March 23rd, 2009

 

હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મૂકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધાં,
જીવું છું ઝાંખુંપાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સૂકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રીસાઈ ગયેલો માણસ છું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

ઘણીવાર આપણે કોઈ અગત્યની વસ્તુ વધુ યોગ્ય જગ્યાએ મૂકવાના પ્રયત્નમાં તેને ક્યાં મૂકી તે જ ભૂલી જતાં હોઈએ છીએ. રાજેશભાઈ પણ આ ગઝલમાં ડાબા હાથે મૂકાઈ ગયેલાં ‘માણસ’ને શોધવાનો પ્રયત્ન કરતાં હોય તેવું નથી લાગતું ?!!  અને તે પણ આપણે જાતે જ ખોઈ નાંખેલો.  થોડી નિષ્ફળતા, થોડી નિરાશા, થોડી વિષમ પરિસ્થિતિથી જિંદગી પ્રત્યે નકારાત્મક અભિગમ અપનાવી લઇએ તો શું પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે ?  ના….  તો તો દુનિયા રાજેશભાઈ કહે છે એમ, પાન ચાવીને થૂંકતાં હોય તેમ તમને થૂંકી દેશે. ઝાંખુંપાંખું જીવતા માણસને દુનિયા પૂરો મરવા પણ નથી દેતી. 

ખરેખર તો આપણે મક્તાના શેરમાં કહે છે એમ, આપણા ખુદથી જ રિસાઈ ગયેલા માણસ છીએ.  આપણે ખુદથી જ હારી ગયા છીએ. ગોખી ગોખીને યાદ કરેલાં ગીતાનાં શ્લોક પણ આવી પરિસ્થિતિમાં યાદ સુદ્ધાં નથી આવતાં અને ત્યારે ‘માણસ’ ખુદ પોતાના જ ડાબા હાથે ક્યાંક મૂકાઈ જાય છે.  પણ આ સંજોગોમાં પોતાનાથી કે પરિસ્થિતિથી રિસાયા વિના – નિરાશ થયા વિના કર્મયુદ્ધ કરતાં રહીશું તો કદાચ જીતી જઈશું જિંદગીનો આ જંગ..!!

 

 

.

આપણી વાત : ડૉ. મહેશ રાવલ

Thursday, September 4th, 2008

 

રેતી, દરિયો, પથ્થર માણસ
તડકો, છાંયો, ઝરમર માણસ

રસ્તો, કેડી, ભેખડ, કોતર
માટી, સંગેમરમર માણસ

પર્ણો, ડાળી, કૂંપળ, કાંટા
લીલી-પીળી કળતર માણસ

પંખી, માળો, પીંછા, ટહુકો
ફડકો, ડૂમો, થરથર માણસ

શબ્દો, વાણી, ટીકા-ટિપ્પણ
બરછટ, લીસ્સો, અક્ષર માણસ

જીવન, સપનાં, ઈચ્છા, વળગણ
ધીમું ધીમું ગળતર માણસ

અફવા, કિસ્સો, ચર્ચા, ચણભણ
અડધો, આખો, ઉત્તર માણસ

ઢીલો, પોચો, અથરો, ધીરો
નફ્ફટ, નકટો, નક્કર માણસ

આઘો, ઓરો, ભીતર-બહારે
ઝાંખો, પાંખો, ઈશ્વર માણસ !

- ડૉ. મહેશ રાવલ

 

માણસને સમજવો કે માત્ર જાણવો તે પણ બ્રહ્મજ્ઞાન મેળવવા જેવું જ કપરું છે. પ્રકૃતિના સાંનિધ્યમાં પણ માણસગીરીમાં કોઈ ફર્ક નથી પડતો ને તેની સાથે જ અંતે ‘ઝાંખો, પાંખો, ઈશ્વર માણસ !’ કહીને સુપેરે તેની માણસાઈને પણ બિરદાવે છે અને .’આપણી વાત’ શીર્ષક યથાર્થ સાર્થક થાય છે.
દરેક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહેલો છે. પણ મહેશ અંકલ માટે હું કહીશ કે, સ્ત્રીનો હાથ નહીં પણ સ્ત્રીનો ‘કાન’ રહેલો છે. અંકલની ગઝલના પ્રથમ શ્રોતા હોય છે હર્ષાઆંટી તમે સમજી જ ગયા હશો હવે એમની ગઝલનો રાઝ ……? આજે મહેશઅંકલના જન્મદિને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ….

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME