Posts Tagged ‘manoj khanderiya’

હસ્તપ્રત : મનોજ ખંડેરિયા

Monday, August 9th, 2010

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

- મનોજ ખંડેરિયા

એક માત્ર ગઝલની જ જેને મમત હતી તેવાં કવિની કલમે એક સર્વાંગ સુંદર ગઝલ… !

.

એક પળ નીકળે : મનોજ ખંડેરિયા

Monday, May 24th, 2010

 

khobo1 

ન ધારેલ હો એવું જળ નીકળે,
ભરો ખોબો એમાં વમળ નીકળે.

હટાવો જૂના કાટમાળો બધાં !
નીચે જીવતી એક પળ નીકળે.

ગડીબંધ પ્‍હેરણ ત્વરિત પહેરી લે !
વખત જાતાં એમાંય સળ નીકળે.

વહી ચૂક્યા પાણીનું પરબીડિયું -
હું ખોલું તો નમણું કમળ નીકળે.

ધરા શબ્દની, માંગ્યું આપી રહે,
તમે તીર મારો ને જળ નીકળે.

- મનોજ ખંડેરિયા

 

જિંદગીમાં ન ધારેલું તો ઘણું બધું થતું હોય છે.  જોકે, જૂનો કાટમાળ  હટાવતાં એક જીવતી પળ પણ મળી શકે.  એટલેકે, પસ્તી વચ્ચે મળી આવેલી કોઈ ‘યાદ’ જ નહીં – આપણાં પૂર્વગ્રહોનો કાટમાળ જરાક આઘો કરીએ તો – જીવતી પળ પણ મળી જ આવે.   જળનાં વમળની જેમ જ ઊંડે લઇ જતી ગઝલ વળી આપણને કિનારે લાવીને મૂકી દે છે અને કહે છે,  શબદની ધરા – તો માંગ્યું આપી દે બસ તીર મારો અને જળ નીકળે.  એટલે કે,  The Secret – Movie માં દર્શાવ્યું છે એવું પણ શક્ય છે જ .

 

 

.

ચોમાસું : મનોજ ખંડેરિયા

Friday, July 10th, 2009

 

ખાઈ વાદળની ઠેસ ચોમાસું,
લ્યો કરે શ્રીગણેશ ચોમાસું.

આપણે નિત ભીનાભીના લથપથ,
આપણો પ્હેરવેશ ચોમાસું.

બાથમાં લઈ લે જઈને ખેતર તું,
બેઠું છે તારે દેશ ચોમાસું.

જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ,
હું કરું કોને પેશ ચોમાસું.

ખોલીને મેઘ-દૂત વાંચ્યા કર,
હાથવગું છે હંમેશ ચોમાસું.

લ્યો ગયાં વીજ-વાયુ-છાલક સહુ,
રહી ગયું આંખે શેષ ચોમાસું.

મન મૂકીને ગઝલમાં વરસ્યો છું,
ક્યાં દીધું ઓછું લેશ ચોમાસું.

- મનોજ ખંડેરિયા

 

વાદળની ઠેસ ખાઈ, ચોમાસુનાં શ્રીગણેશ થઈ ગયાં છે, ત્યારે જાતને છત્રીથી ના ઢાંકો.  આકાશનાં નેવાં મન મૂકીને ના વરસે, તો મનોજભાઈ તો મન મૂકીને ગઝલમાં વરસ્યાં છે જો જો કોરાં ના રહી જતાં…. !! કારણ, અંકિત ત્રિવેદી કહે છે એમ, ” લે હવે ચોમાસું બારેમાસ છે, કો’ક એવું આપણામાં ખાસ છે. ” અને જો એ ‘ ખાસ ‘  આજે નહીં ભીંજાય તો માંડ માંડ ‘બેમાસું’ ફરી આવશે ત્યાં સુધી કોરાંકટ્ટાક રહેવું પડશે.

 

 

.

જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા

Monday, July 6th, 2009

 

ક્યાંક

વચ્ચેથી અચાનક

વાતનું અનુસંધાન તૂટી જાય

ને મન તો ખોવાઈ જાય

કોઈ અગોચર ગલીમાં

અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

ઝાંખાપાંખા લખેલા નંબરમાં

મને વંચાય છે મારી જન્મ-તારીખ.

 

તારીખ સાથેના

સંબંધો તો તૂટી ગયા છે ક્યારનાય

છતાં તારીખનાં પાનાં

હજી એવાંને એવાં છે અકબંધ.

કોઈ પણ પાનું હજી ફાડ્યું નથી

…………….

આજ સુધી

તારીખનાં પાનાં તેથી જ અકબંધ છે

ક્યારેક એમ લાગે કે હાથ અંધ છે

અગર હાથને તારીખ સાથે હશે અણબનાવ

પણ એવું નથી

………..

હાથ તો અટકી ગયો છે

ક્યારનોય તારીખનાં પાનાનાં રસ્તે

અને

ક્યારેય પ્હોંચશે કે કેમ

એવી કોઈ ઘટનાનું બીજ ઊગશે કે કેમ

એ પ્રશ્ન લઈને ઊભો છું

અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

અને વાંચું છું

મકાનના નંબરમાંથી મારી જન્મ-તારીખ.

- મનોજ ખંડેરિયા

 

મનોજ ખંડેરિયાનાં જન્મદિને માણીએ તેમની કલમે તેમના દીર્ઘ અછાંદસ ‘જન્મ-દિવસે’ નાં અમુક અંશો.  અગોચર મકાન પર ઝાંખાપાંખા લખેલા નંબરમાં જન્મ-તારીખ વાંચતાં વાંચતાં, આપણે ક્યારે મકાનને આપણું બનાવી દઈએ છીએ તેનો ખ્યાલ પણ નથી રહેતો. .

ક્યાંક વાંચેલું, જો તમે ઈશ્વર સાથે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરતાં હો, તે જરુર મનમાં મલકાતો હશે.  બસ, એવું જ …. કંઈક !  આજે તેમનાં જન્મ-દિવસે તેમની વૅબસાઈટ પણ લૉન્ચ કરવામાં આવી છે.

 

 

.

શું ખબર : મનોજ ખંડેરિયા

Thursday, April 9th, 2009

 

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.

આયનો ફૂટ્યાથી શું વળ્યું,
પથ્થરો ભોંઠા પડી ગયાં.

કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.

દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.

શું ખબર એ શ્હેર ક્યાં હતું,
મીણના નકશા ગળી ગયાં.

લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

- મનોજ ખંડેરિયા

 

પ્રતિબિંબ જોઈ અરીસો તોડવાથી, તેના એક એક ટુકડામાં આપણું પ્રતિબિંબ પડશે અને ત્યારે પથ્થરો શું ભોંઠા નહિં પડે ? ટૂંકી બહેરની આ ગઝલમાં ઉત્તમોત્તમ કલ્પનો મનોજભાઈએ પ્રયોજ્યાં છે.

 

 

.

વાસંતી વધામણાં : પગલાં વસંતનાં : મનોજ ખંડેરિયા

Friday, January 23rd, 2009

 

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

 

ભરપાનખરે પણ હૈયે વસંતનાં છાંટા અને આંખમાં આંબા મ્હોરે આ વાસંતી ગઝલ વાંચીને તો….. !! શબ્દે શબ્દે વસંતનો સ્પર્શ….. !!

 

.

  • Page 1 of 2
  • 1
  • 2
  • >
This text will be replaced by the flash music player.
Powered By Indic IME