Posts Tagged ‘manoj khanderiya’

નેવાં : મનોજ ખંડેરિયા

Monday, October 27th, 2008

 

“આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ;
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.”- મનોજ ખંડેરિયા.

અને સાચે જ,

“ગઝલના થડમાંથી
કોતરણી કરી હોય
એવા એક ચહેરાનો આદમી મનોજ.” (રમેશ પારેખ) ૨૭ ઑકટોબર,૨૦૦૩નાં રોજ કેન્સરના કારણે આ ફાની દુનિયા છોડીને ચાલી ગયાં. જો કે ‘ગઝલ તણી નસનસમાં’ હજુયે ધસમસતા વહી રહ્યા છે તેમના શબ્દો ‘કંકુ અને ચોખા’ બનીને અને ‘શ્રી સવા’ લખી ગુજરાતી ગઝલને શુકનવંતી બનાવી રહ્યા છે. એમણે કહેલું એમ ‘મારો અભાવ મોરની માફક ટહુકશે’ જ પણ બસ, ‘ક્યાંય પણ ગયો નથી’ કહી મન મનાવવું જ રહ્યું. આજે તેમની એક હાઈકુગઝલ…!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

- મનોજ ખંડેરિયા

 

હૃદય પણ ભીંજાઈને નેવાંની જેમ ચૂવે નહીં તો જ નવાઈ ? આકાશનાં નેવાંય મન મૂકી વરસે અને જ્યારે નેવાં સરકવાની વાત કરે છે ત્યારે આપણું મન પણ તેની સાથે સામે ઘેર પહોંચી જાય છે. ફરકવાની ઘટના આંખની પણ બીજું કોણ ‘ફરકી’ જાય છે નેવાં સાથે ? ને અષાઢી રાતના પ્રિયજનનો અભાવ કેવો સાલે કે એ જ નેવાં અંતે આંખમાં ખટકે અને પછી રાતનાં સન્નાટામાં ધબકતું મૌન. કારણ એ એકલતામાં બસ હોય છે તો વરસતો વરસાદ, ટપકતાં નેવાં ને એની સાથે તાલ મેળવતા હૃદયનાં ધબકાર ….!!

 

 

  • Page 2 of 2
  • <
  • 1
  • 2
This text will be replaced by the flash music player.
Powered By Indic IME