કૈં જ દેખાતું નથી : ચિનુ મોદી
Wednesday, September 30th, 2009

માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર, તો કૈં જ બોલાતું નથી.
રોજ મારા નામ, જોગી ચિઠ્ઠી મોકલતા તમે,
રોજ આંખો તાણતો, પણ કૈં જ વંચાતું નથી.
રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલ, પાંદડાં,
કૈંક ખામી છે કે, બુલબુલ એ છતાં ગાતું નથી.
ખૂબ સગવડ છે છતાં પણ શું કરું આ સ્વર્ગને ?
મારી સાથેનું અહીં તો કોઈ દેખાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક છે, ‘ઇર્શાદ’ પકડાતું નથી.
- ચિનુ મોદી
શનિસભામાં તેમના આગવા અંદાજમાં માણેલી એક ગઝલ…. ચિનુકાકાનાં જન્મદિને મબલખ શુભેચ્છાઓ સહ !!
.
