Posts Tagged ‘ninu majumdar’

પ્રાતઃકુંવરીનું ગીત

Monday, September 8th, 2008

 

ઓલ્યા પહાડની પાછળ, પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો,
વસ્તર જાતાં રાતનું જાણે આભને ગાલે શર્મભર્યો શેરડો એક છવાયો.

રમતાં’તાં થોડાં તારલા, થોડી બાકી રહેલી રાત,
ભમતા’તા નભમોરલાં, થઈ વાદળિયાં પરભાતે,
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા.

એકદંડિયા મહેલથી પ્રાત:કુંવરીને છોડાવી,
હજાર હાથે લડે બાણાસુર કાળસેના તેડાવી,
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો. – ઓલ્યા.

કુદરતમાં નાહીને પશુપંખીએ મંત્ર જગાવ્યો,
ભૂલાઈ જાતા સામને, પાછો પંખીઓએ ગવરાવ્યો,
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો. – ઓલ્યા.

-નીનુ મજુમદાર

 

નીનુ મજુમદારે ‘પંખીઓએ કલશોર કર્યો’ ગીતમાં સંધ્યાની વિવિધ રંગોથી કલાત્મક રંગોળી કરી છે તો આ ગીતમાં પરોઢિયે સૂર્યનું પહેલું કિરણ ફૂટે, થોડા તારા પણ આંખમિચોલી કરતા હોય અને વાદળા નભમોરલા બની નૃત્ય કરતા હોય ત્યારે પંખીઓ જાણે ભૂલાઈ જાતા ‘સામવેદ’ને ગાવા માંડે છે ને સૂર્ય સાત અશ્વો પર સવાર થઈ પ્રાતઃકુંવરીને છોડાવી લાવે છે તેનું અદ્.ભૂત વર્ણન કર્યું છે. 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME