સોરાબજીના સોજ્જા સત્તા ! : નિર્મિશ ઠાકર
Monday, June 14th, 2010
બગરેલું અંગ ( શિષ્ય અંગ )
‘ભનુંચ’ કેવચને ચાલેંચ અધ્ધર
ક્લાસમાં બેસેંચ ને મારેંચ મચ્છર
માસ્તર સામ્ભે આંખ તીખી કરેંચ
અક્કડ રેવચ ને ચાલેંચ ત્રાંસું
ભેજામાં તારા સું ભરીઉંચ ભૂંસું ?
ફ્યુચરમાં કોન જાને ઉકાલસે સું સું ?
* * * * * * *
‘ભનતર’ કેવચને ભમતો ફરેંચ
ભેજાગેપ ભમ્મરડો તું તો લાગેંચ
જાલ જ્ઞાનની તને અરસે જરી
ઝતપત વાંકી તું કરસે ધરી
ચક્કર ખાસે ને તું જાસે પરી
ઊછલીને થોરું તું જાસે થરી !
ભનસે સું ઉપ્પરવાલો હરિ ?
* * * * * * *
ગમ્મતમાં બી લામ્બી બોલેંચ ગાળ
છોકરી દેખેંચ તો પારેંચ લાળ
ફાંફાં મારેંચ ને સોધેંચ મેતર
લખેંચ ઊન્ધા ને સીધ્ધા લવલેતર
બતરીસ લક્સન તારાં હું તો દેખુંચ
ભનતરમાં ગનતરની પારેંચ ગૂંચ !
આંય હસેંચ સું, હું ઘાસ કાપુંચ ?
* * * * * * *
ચક્કરબત્તી જેવો થૈ ગ્યોંચ બાઘો
પાછો આવેંચ ને જાયેંચ આઘો
લખેંચ એન્ની બી પેલ્લાં ભૂસેંચ
ભનેંચ એન્ની બી પેલ્લાં ભૂલેંચ
એક્ઝામમાં મારેંચ તું ગોલ ગોલ ગપ્પાં
મેથ્સમાં બી ઠોકે તું અખાના છપ્પા !
ઠેકાને લાવસે તને સોરાબના સત્તા !
- નિર્મિશ ઠાકર
લામ્બાઆ…. વેકેશન પછી શાળા, કોલેજો લગભગ ચાલુ થઇ ગઇ છે ત્યારે નિર્મિશ નજરે આજકાલનાં શિષ્યો ! ક્રિકેટની સિક્સરો વિશે જાણી અખાએ છપ્પા એટલે કે, છ પંક્તિઓમાં સમાજને ચાબખા માર્યાં હશે, તો નિર્મિશભાઇ પણ સોરાબજીની બાનીમાં સોજ્જા ( સરસ ) સત્તા એટલે કે સાત પંક્તિઓમાં ચાબખા મારે છે. ટૂંકમાં, નિર્મિશભાઇ છગ્ગો નહીં સત્તો મારે છે.
.

