સાંજ ઢળતી જાય છે : નીતિન વડગામા
Wednesday, September 10th, 2008
વાત કયાં ક્યારેય પૂરી થાય છે ?
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દ્રશ્ય આછું-પાતળું ઝીલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
- નીતિન વડગામા
કાલે અમદાવાદમાં ઢળી’તી એક ખુશનુમા સાંજ…… પણ હજુ એનાં આછા ગુલાબી-નારંગી રંગો આંખમાંથી આથમ્યા નથી અને યાદ આવી ગઈ નીતિનભાઈની આ ગઝલ ! સાચે જ જીવનમાં પણ અચાનક એવું થઈ જાય અને આપણને લાગે કે, - ને અચાનક સાંજ ઢળતી જાય છે.
