Posts Tagged ‘poetry in gujarati’

બા-અદબ : ડૉ. મહેશ રાવલ

Saturday, June 19th, 2010

એક ઈચ્છા સળવળે છે, બા-અદબ,
ટેરવે દીવા બળે છે, બા-અદબ.

લોઢ ઊછળે લાગણીનાં ભીતરે,
જેમ દરિયો ખળભળે છે, બા-અદબ.

ભૂખ ઊઘડી સાત ભવની, આ ભવે
મર્મ સઘળાં ઓગળે છે, બા-અદબ.

સ્હેજ પણ અંતર હવે નહીં પાલવે,
સર્વ અંતર પીગળે છે, બા-અદબ.

શક્ય છે ઈતિહાસ આલેખે નવો,
સરફરોશી ઝળહળે છે, બા-અદબ.

થઈ જશે સાતેય કોઠા તરબતર,
જળ, કમળથી નીકળે છે બા-અદબ.

હોય શ્રધ્ધા તો પછી શું જોઇએ ?
એ જ સહુને સાંકળે છે, બા-અદબ.

- ડૉ. મહેશ રાવલ

એક  મુશ્કેલ રદીફને પૂર્ણ ન્યાય આપી, બા-અદબ દાદ મેળવી જતી  ગઝલ મહેશ અંકલની કલમે.  બા-અદબ સળવળતી એક ઈચ્છાને (કલમને) ,  ટેરવે દીવા પ્રગટાવીને, પ્રજ્વલિત કરવામાં આવી છે.  અને ત્યારે, લાગણીનો ખળભળતો દરિયો સાત ભવનાં અંતર કેમ ના ઓગાળે ?   બસ જો,  હોય શ્રદ્ધા તો પછી શું જોઇએ  ?  એ જ સહુને સાંકળે છે, બા-અદબ…. !!

.

એક બનાવટ છે : રશીદ મીર

Friday, June 18th, 2010

કોરો કોરો છે ને લખાવટ છે,
પત્ર પોતે જ એક બનાવટ છે.

સૂનાં છે દૂર સુધી રસ્તાઓ,
મારી આંખોમાં યે થકાવટ છે.

બારીને ધીમો સાદ આપે છે,
કેવા રસ્તાઓ પણ નપાવટ છે.

કૈં નથી ને બધું જ છે એમાં,
ખાલી ખાલી છે ને સજાવટ છે.

પહેરણ તારતાર થઈ ચાલ્યું,
આપ કહો છો કે એ રખાવટ છે.

જોઈ લઈશું અમે ગમે ત્યારે,
જોઈ લેવાની અમને ફાવટ છે.

અંતે અવધૂત ‘મીર’ થઈ બેઠાં,
એક પલાંઠીની બસ જમાવટ છે.

- રશીદ મીર

ગઝલિયતથી ભરપૂર એક ગઝલ, જેનો એક-એક શેર એક ગઝલ બરાબર છે.  એને પ્રસ્તાવનાની કોઇ જરુર છે ખરી ?!!

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME