Posts Tagged ‘prem’

શબ્દ : ધૂની માંડલિયા

Tuesday, September 22nd, 2009

 

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ;
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તું ય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ  નમણો થાય છે.

- ધૂની માંડલિયા

 

નમણું રુપ,  નજાકત અને તેવી જ નાજુક ગઝલ…. !!  શબ્દ સમજણો બને તો અર્થને કંકુવર્ણો થતાં કેટલી વાર ?!!   જો શબ્દને વ્યાપક સ્વરુપે સ્વીકારીએ તો પણ અને ગઝલના સંદર્ભમાં પણ…!

 

 

.

અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા

Tuesday, August 25th, 2009

 

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

- ભગવતીકુમાર શર્મા

 

કબીરે ગાયું કે,  ” પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયો ના કોઈ, ઢાઈ આખર પ્રેમકા, પઢે સો પંડિત હોય.”   ભગવતીદાદા કહે છે, અઢી અક્ષરના પ્રેમનું ચોમાસું હોય તો એમાં બે અક્ષરનાં ‘અમે’  એ જ ધોધમાર વરસવું પડે અને તો અડધા અક્ષરની ખોટ તો સજન પૂરી કરે જ. આ રચનામાં દાદાએ શબ્દોનાં અક્ષર ગણતરીમાં લઈ એક સુંદર લયબદ્ધ ગીત રચ્યું છે.  તો રાસબિહારી દેસાઈએ તેનું સ્વરાંકન પણ સુંદર રીતે કર્યું છે. ( ઑડિયો )

 

શબ્દાર્થ :  વ્રેહ – વિરહ.

 

.

એટલું કાફી નથી : કિરણ ચૌહાણ

Wednesday, April 8th, 2009

 

ધડ ને માથું એટલું કાફી નથી,
માત્ર હોવું એટલું કાફી નથી.

મુક્તિ માટે કંઈ ખુલાસા જોઈએ,
પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.

કૈંક સોંસરવું ઊતરવું જોઈએ,
માત્ર લખવું એટલું કાફી નથી.

ફક્ત તારે માટે જીવ્યે જાઉં છું,
બોલને, શું એટલું કાફી નથી ?

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
હું અને તું એટલું કાફી નથી !!

- કિરણ ચૌહાણ

 

અઢી અક્ષરનાં પ્રેમની ટૂંકીટચક વ્યાખ્યા….. શું કાફી નથી ?

 

 

.

પ્રણયોત્સવ : એટલે શું ? : જયા મહેતા

Friday, February 20th, 2009

આકાશને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને આકાશ છવાઈ ગયું.

જળને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને જળ વહેવા લાગ્યું.

વૃક્ષને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને વૃક્ષ છાયા થઈને પથરાઈ ગયું.

માણસને પૂછ્યું : પ્રેમ એટલે શું ?

માણસે આકાશ તરફ જોયું ન જોયું
જળ તરફ જોયું ન જોયું
વૃક્ષ તરફ જોયું ન જોયું

ને પીઠ ફેરવી ચાલવા માંડ્યું.

- જયા મહેતા

.

મિત્રો, આજે પ્રણયોત્સવનાં છેલ્લા દિને જયા મહેતાનું એક બેનમૂન શબ્દશિલ્પ….. !!  પ્રેમ એટલે શું ? શું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય ?  ના…… એ તો બસ એક અહેસાસ છે તેને માત્ર અનુભવી શકાય. બસ ‘નૅચર’ની જેમ ‘નૅચરલ’ રહેવાની વાત છે.  જો આકાશ છવાયેલું ના હોત તો ? જો જળ વહેતું ના હોત તો ? અને જો વૃક્ષ છાંયો આપવાનું છોડી દે તો ?  પણ ના પ્રકૃતિ પોતાનો ગુણ નથી મૂકતી. હૃદયમાં અવિરત વહેતાં પ્રેમઝરણને સૂકાવા નહીં દેતા કારણ તે જ તો મનુષ્યનો ગુણ છે. મનુષ્યનું હોવાપણું છે. મનુષ્ય હોવાનું સાર્થકપણું છે.

.

પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી

Thursday, February 19th, 2009

 

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

- જવાહર બક્ષી

 

મિત્રો, પ્રણયોત્સવ તો આપણે સૌ ઉજવી રહ્યાં જ છીએ પણ આજે એક નવો રંગ …… લાલ ગુલાબ આપી તો દીધું પણ જો સામેથી રીજેક્ટ થાય તો ?  જવાહર અંકલે કહ્યું એમ, ધાર્યા મુજબનાં સંબંધ ના પણ ઊગે ?!!  આજે તેમનાં જન્મદિને ધાર્યા મુજબનું બધું જ ઈશ્વર તેમને આપે તેવી શુભેચ્છાઓ સાથે …… 

સંબંધનો સૂરજ, ભીના સ્મરણનાં શુકન કે તસતસતા મૌનને શબ્દો મળે અને જીવનમાં સતત નિષ્ક્રિયતા વચ્ચે પણ બે ઘડીની નિરાંત નહીં ?!! અદ્…ભૂત કલ્પનો સાથે મનભાવન ગઝલ …….!!

 

 

.

પ્રણયોત્સવ : તો આવ્યાં કને : ચંદ્રકાંત શેઠ

Wednesday, February 18th, 2009
શોધતો  હતો  ફૂલને  ફોરમ  શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
                   એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
           પોયણા જેવી રાત ;

શોધતો રહ્યો  ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ   મીંચું   ત્યાં
                       જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
               વ્યોમની   કિરણ-ઝૂલ.

શોધતો  જેની  પગલી  એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

- ચંદ્રકાંત શેઠ

 

પ્રેમીપંખીડા એકબીજાંને શોધતાં શોધતાં દૂર ચાલ્યાં જાય છે એટલે કે એકબીજાને પામવા જતાં દૂર થઈ જાય છે પણ જેવાં એકબીજાંથી દૂર થાય છે …..મનથી તો ખૂબ નિકટ આવી જાય છે. પ્રકૃતિનાં અલગ અલગ રૂપને પ્રેમનાં પ્રતિક રૂપે લઈ જાણે કે પ્રણયનાં રંગે પ્રકૃતિ રંગી દીધી છે.  આ ગીત પણ ઑડિયો સાથે …. ખાસ કરીને જ્યારે ક્ષેમુદાદાને મોરારિબાપુનાં હસ્તે ગઈ મધરાતે જ ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિત કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો.

 

.

  • Page 1 of 2
  • 1
  • 2
  • >
This text will be replaced by the flash music player.
Powered By Indic IME