Posts Tagged ‘ramesh parekh’

હું મરી ગયો…..: રમેશ પારેખ

Sunday, May 17th, 2009

 

હું મરી ગયો.

અંતરિયાળ.

તે શબનું કોણ ?

તે તો રઝળવા લાગ્યું.

કૂતરું હાથ ચાવી ગયું.

તો સમડી આંતરડાનો લચકો ખેંચી ગઈ.

કાગડો મજેથી આંખો ઠોલે.

કાન સોંસરી કીડી આવે-જાય.

સાલું, સાવ રામરાજ ચાલે….

પવન દુર્ગંધથી ત્રાસીને છૂ,

તે વાળ પણ ન ફરકે,

-ને આ બાજુ સાંજ પડું પડું થાય.

ઘેર તો જવાનું હતું નહીં.

આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

હું સારો માણસ હતો.

નખમાંય રોગ નહીં ને મરી ગયો.

કવિતા લખતો…

ચશ્માં પહેરતો…

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભા છે.

પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

અને એમ સહુ રાબેતાભેર,

ખરો પ્રેમ માખીનો,

જે હજી મને છોડતી નથી.

હું બિનવારસી,

ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

પણ કાકો ફરી અવતરશે,

ને માણસગીરી કરશે, હી હી હી….

- આમ વિચારવેડા કરતો હતો,

તેવામાં

બરોબર છાતી પર જ

ના, ના ઘડીક તો લાગ્યું અડપલું કિરણ હશે.

પણ નહોતું.

છાતી પર પતંગિયું બેઠું’તું

પતંગિયું…

આલ્લે…

સડસડાટ રુંવાટા ઊભાં….

લોહી ધડધડાટ વહેવા માંડ્યું,

ઓચિંતી ચીસ નીકળી ગઈ કે,

હું મરી ગયો નથી…

સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઈશ ?

- રમેશ પારેખ

 

૧૭ મે, ૨૦૦૬ના રોજ એક ‘છ અક્ષરનું નામ’ દૈહિક વિશ્વમાંથી ભૂંસાઈ ગયું. એ નામ કે જેનું અસ્તિત્વ નહીં હોવાના કારણે ” ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં છે ” કારણ હવે કોઈ કહેનાર નથી કે – ” પાન પીળું થયું તો પાનમાંથી શું ગયું કોને ખબર ? ”    અંતરિયાળ મોત પછી પણ  ર.પા. ફરી અવતરશે અને કવિગીરી કરશે……!!  

 ૨૨ મે, ૨૦૦૯ના રોજ તેમના પુત્ર નીરજ પારેખ ર.પા.ને ડિજિટલ સ્વરુપે આપણી સમક્ષ લઈ આવે છે, તો ” કાળ સાચવે પગલાં” નીતિન વડગામા સંપાદિત ર.પા.ની અગ્રંથસ્થ રચનાઓ અને સંજય વૈદ્ય સંપાદિત ર.પા.ની રચનાઓનું પુસ્તક “e-મોશન્સ” ની લોકાર્પણ વિધિ મોરારીબાપુનાં હસ્તે રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

 

 

.

પુસ્તકોની છાજલી : રમેશ પારેખ

Thursday, April 23rd, 2009

 

છાજલી પર પુસ્તકો
અ થી જ્ઞ સુધીનાં………
દુનિયાના નકશા જેવો
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં.

‘છાજલી પર પુસ્તકો‘ – એમ કહું કહું ત્યાં
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે : ‘ આ તો ફરિશ્તાઓની વસ્તી છે ! ’
ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે…

અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે
-એમ બબડતું કોઈ પુસ્તક.
મારા બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ.
- એવું જાહેર કરે કોઈ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :
‘ અલ્યા અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
ગીત – ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
ગીત – ખૂણે બેસી આંસુ પાડતી નવવિધવાનાં,
ગીત – યુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,
ગીત – ભૂખથી વલવલતાં શિશુઓનાં,
ગીત – હોસ્પિટલોમાં કણસતા રુગ્ણોનાં,
ગીત – માનવ્યનાં,
ગીત – માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં,
ગીત – નિ:શ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં.’

‘અહીં ફિલસૂફોએ ઉકેલી નાંખ્યો છે
કાળનો કોયડો….’ એમ ધીમેશથી કહે કોઈ જર્જરિત ચોપડી.

‘આ બધા ગ્રંથો છે સમાજની યાદદાસ્ત’
- એમ કહી ટપ્પ્ કરતું નીચે પડે કોઈ પુસ્તક.

મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
અહીં અક્ષર છે, ધર્મ -
જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ.
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે
કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઈને છૂરો.
અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી
તો બકરી યે કરે નહિં બેં,
એવું રામરાજ્ય છે !
અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.
અહીંથી જ ઊગે છે સૂર્ય
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ…….

 ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
ડોકિયું કરી પૂછે: ‘ તું કોણ ? ’
તો  હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન ! ’

મીરાં, કબીર, તુલસી, નાનક
પૂછે તારું કયું થાનક.
જ્યાં તું ટેકવે તારું મસ્તક,
ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ?
તો હું ચીંધું મારાં પુસ્તકની છાજલી…..

 ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ચીંધે દિશા,
પુસ્તકમાં જાય – આવે મારા વિચાર લિસ્સા !

મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા
ગોપી બનીને રાસ રમે
મારું અંતર એમાં ફેરફુદરડી ભમે…

ધર્મનો ધ
બે પૂઠાં વચ્ચેથી નીકળીને
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો…

તો ઉપદેશકો, હોશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર,
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર…

તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને ન અભડાવે
બિભત્સતા મારા ખંડનાં બારણાં ન અભડાવે
તો બસ.

આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગ્યા છે -
મારાં પુસ્તકોની છાજલી.
મારો અભ્યાસખંડ તીર્થ છે, મારા માંહ્યલાનું,
તમે આવો તો તમારું ય !

-  રમેશ પારેખ
( ૧૮.૧૦.૧૯૮૯)

 

મનોજ ખંડેરિયા કહે છે, ” રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખાં, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા” - તો જેને શબ્દો વરેલાં છે તેવાં રમેશ પારેખને કોઈ ધર્મની ‘ કંઠીકંઠા’ નથી જોઈતા તેઓ તો શબ્દનું જ ટીલું કરે છે ને પુસ્તકોની છાજલી જ તેમના માટે ચારધામની જાતરા છે.  આજે વિશ્વપુસ્તકદિન નિમિત્તે ર.પા.ની આ દીર્ઘ રચનામાંથી થોડી થોડી  પંક્તિઓ મૂકી છે. ૨૩ એપ્રિલ, ૧૫૬૪નાં રોજ વિલિયમ શેક્સપિયરનો જન્મ થયેલો અને તે મહાન સાહિત્યકારનાં જન્મદિનને વિશ્વપુસ્તકદિન તરીકે મનાવવામાં આવે છે.  કવિ ઉશનસે પણ કિતાબોમાં ગઝલમાં પુસ્તકમહિમાનું સુંદર રીતે વર્ણન કર્યું છે. વિશ્વ પુસ્તક દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત પ્રકાશક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમની વધુ માહિતી આપને મહેફિલ-એ-ખાસમાં મળી શકશે.

 

 

.

પ્રણયોત્સવ : મારી આંખમાં તું : રમેશ પારેખ

Tuesday, February 17th, 2009

 

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે ? 

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?

- રમેશ પારેખ

 

બે પ્રેમીઓનું મિલન એટલે કે જાણે આકાશ ને ધરતીનું મિલન ….. અને એમાં પણ જ્યારે લાં…બા વિરહ બાદ પ્રેમીજન મળતાં હોય ત્યારે ?રમેશ પારેખ જ આ ઘટનાને શબ્દોમાં આટલી અદ્…ભૂત રીતે રજૂ કરી શકે.  પ્રિયજનને જોતાં જ વહેલી સવાર સમી તાજગી દિલમાં છવાઈ જાય પણ એનો કેફ એવો ચઢે કે વળી આંખોમાં તો રાત ઘેરાય જાય. જ્યારે પહેલો અંતરો તો અદ્……ભૂત !!  બે પ્રેમીઓ એકમેકને જુએ છે અને આંખમાંથી આંસુનો ધોધમાર વરસાદ એટલો વરસે છે કે લોહી થીજી જાય…..આજ વાત કવિએ કેવી કાવ્યાત્મક રીતે રજૂ કરી છે  !! ખરબચડું લોહી રુંવાટીદાર બની જાય ને ચોમાસું ચાર ચાર નેણનું …. તો આગળ કહે છે, ધોધમાર પીંછાનો પડતો વરસાદ ……. હવે આ પંક્તિ તો તેથી પણ વધુ અદ્….ભૂત !!  ધોધમાર પીંછાનો વરસાદ  એ વળી શું ? એકમેકના આલિંગનમાં એવાં ખોવાઈ જાય છે કે શબ્દોનું આખું…ય ગામ તેમાં તણાય જાય છે.  પીંછું એ સ્પર્શનું પ્રતિક લઈ કવિએ કાવ્યત્વને ખૂબ નિખાર્યું છે.

તો બીજા અંતરામાં લોચનની ભાષામાં તો બસ એક ઘટના લાગે પણ ખરેખર તો જીવતરની ભાષામાં યાતના  !! ખૂબ મજાનું પ્રણયોર્મિસભર આ ગીત ઊર્મિનાં બ્લૉગ પરની ઑડિયો પણ આ સાથે

 

 

.

બતાવ્યાં છે : રમેશ પારેખ

Friday, February 13th, 2009

 

મને તેં ઝાંઝવાં, તૃષા ને રણ બતાવ્યાં છે,
તને મેં છાંયો, નદી ને હરણ બતાવ્યાં છે.

ફૂલો દઈને મારા પ્રેમને તેં સત્કાર્યો,
તો કાંટા દઈને મારા વાંક પણ બતાવ્યાં છે.

બાગમાં મારા બુઢાપાથી થૈ જઉં હું ઉદાસ,
તો સામે તેં જ હસતાં બાળપણ બતાવ્યાં છે.

દર્દ, નિષ્ઠા, સમજ ને લાગણી-પરાયણતા,
ષંઢ શબ્દોને આ વાજિકરણ બતાવ્યાં છે.

કરું છું હે ખુદા ! ઇન્કાર તારી રહેમતનો,
મને તેં કેટલાં નિર્દય મરણ બતાવ્યાં છે !

પ્રેમ ઉપચાર કરશે, રાખ તું ભરોસો, રમેશ,
તેં એને ઝખ્મી થયેલાં ચરણ બતાવ્યાં છે.

- રમેશ પારેખ

 

 

હું કઈ તારીખનું પાનું : રમેશ પારેખ

Thursday, November 27th, 2008

 

હું કઈ તારીખનું પાનું હતો,
અર્થ કૅલેન્ડર હતો કયા વર્ષનું.

ભીંત પર ડાળી અને ઘર ઊગતાં,
નામ પણ બદલી જતું ફર્શનું.

સાવ રણ કહેવાય એવુંયે નથી,
વાદળું વરસી ગયું’તું સ્પર્શનું.

ઠોકરો વાગે નહીં ખંડેરને,
એટલું કારણ રહ્યું છે હર્ષનું.

હાથમાં છે ભાગ્યરેખાનો ઝૂડો,
ઊઘડે તાળું ફક્ત સંઘર્ષનું.

- રમેશ પારેખ

ર૭મી નવેમ્બર, ૧૯૪૦ – કૅલેન્ડરમાં ‘રમેશ પારેખ’ નામનું આ પાનું ગુજરાતી સાહિત્ય માટે વિધાતાએ સાચવીને રાખેલું અને આજે તેમના જન્મદિને તેમની એક ઠાવકી ગઝલ. કારણ મારા માટે તો ર.પા. એટલે વરસાદ, આલાખાચર, શમણાંનો અવસર જેની રચનાઓ વાંચી લોહી રુંવાટીદાર બની જાય કે સૂરજ વિનાના અને છાંયડા વિનાના તડકા મધરાતે પણ વાગે.  ત્યારે આ ઠાવકી ગઝલ મનને અજાણતાં જ સ્પર્શી ગયેલી.

 

 

ઝળઝળિયાં : રમેશ પારેખ

Wednesday, November 5th, 2008

 

નાનપણમાં બોર વીણવા જતાં,
ખિસ્સામાંથી બોરની ઢગલીઓ કરી અમે ભાગ પાડતાં.
આ ભાગ દીપુનો, આ ભાગ ટીકુનો, આ ભાગ -
ભનિયાનો, આ ભાગ ધનિયાનો.
અને પછી એક વધારાની ઢગલી કરી અમે કહેતાં;
આ ભાગ ભગવાનનો.
અને ભગવાનની ઢગલી રાખીને,
બાકીનો ભાગ અમે અમારા ખિસ્સામાં ભરતા
અને રમવા ચાલી જતાં.
ભગવાન રાત્રે છાનામાના આવી
પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે માનતાં.

પછી અમે મોટા થયાં.
બે હાથે ખૂબ ભેગું કર્યું.
ભાગ પડ્યાં – ઘરનાં, ઘરવખરીનાં.
ને ભગવાનનો ભાગ પાડ્યો
ઓચિંતા ગઈકાલે અચાનક ભગવાન આવ્યાં.
કહે : લાવ, મારો ભાગ….
પાનખરની બે ડાળી જેવા મેં મારા હાથ જોયાં – ઉજ્જડ.
એક સૂકું તરણું પણ નહીં,
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં તે
અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને !

- રમેશ પારેખ

બચપણમાં ભગવાનનો ભાગ પાડતાં પણ મોટાં થઈ ભાગલા પાડવામાં ભગવાનનો ભાગ પાડવાનો જ ભૂલી જઈએ, પણ એ થોડો ભૂલે ? છેલ્લે આવીને ઊભો જ રહ્યો, આપણાં ઝળઝળિયાંમાં ભાગ પડાવવા…?!!

 

 

  • Page 2 of 2
  • <
  • 1
  • 2
This text will be replaced by the flash music player.
Powered By Indic IME