એક બનાવટ છે : રશીદ મીર
Friday, June 18th, 2010
કોરો કોરો છે ને લખાવટ છે,
પત્ર પોતે જ એક બનાવટ છે.
સૂનાં છે દૂર સુધી રસ્તાઓ,
મારી આંખોમાં યે થકાવટ છે.
બારીને ધીમો સાદ આપે છે,
કેવા રસ્તાઓ પણ નપાવટ છે.
કૈં નથી ને બધું જ છે એમાં,
ખાલી ખાલી છે ને સજાવટ છે.
પહેરણ તારતાર થઈ ચાલ્યું,
આપ કહો છો કે એ રખાવટ છે.
જોઈ લઈશું અમે ગમે ત્યારે,
જોઈ લેવાની અમને ફાવટ છે.
અંતે અવધૂત ‘મીર’ થઈ બેઠાં,
એક પલાંઠીની બસ જમાવટ છે.
- રશીદ મીર
ગઝલિયતથી ભરપૂર એક ગઝલ, જેનો એક-એક શેર એક ગઝલ બરાબર છે. એને પ્રસ્તાવનાની કોઇ જરુર છે ખરી ?!!
.
