Posts Tagged ‘sahitya’

રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

Saturday, July 10th, 2010

rasto

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

- અમૃત ‘ઘાયલ’

અમૃત ‘ઘાયલ’ની એક ખુમારીસભર  ગઝલ.  કોઇ પણ મુશ્કેલીનો રસ્તો આત્મબળનાં સહારે જ મળે છે.  અને કદાચ રસ્તો ન મળે તો, દીપકની જેમ આંધીઓમાં બુઝાઇ નથી જવાનું.  જો ઇશ્વર ખુદ પથદર્શક હોય તો કાળનું પણ શું ગજું ???  ઈશ્વરની કૃપાથી,  સ્વયં પ્રકાશિત બનીએ તો, ગનીચાચા કહે છે એમ, દિશાઓ પણ ફરી જાય છે.  ” શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશા ફરી ગઇ.”  – ‘ગની’ દહીંવાલા

.

આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા

Tuesday, June 1st, 2010

 

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

- હિતેન આનંદપરા

 

સમી સાંજે દરિયા કિનારે, પ્રકૃતિનો ખોળો ખૂંદવાને બદલે,  આજનો માણસ પીઠ ફેરવી ગાડીઓ ગણ્યા કરે છે.   લક્ષ્મી ગણીને થાકતો નથી તો લાગણીઓ ગણવાનું શરુ કરી દે છે.  હિતેનભાઇ કહે છે એમ,  આજના માણસમાં  આખો ને આખો શકુનિ ઝરે છે, ખબર નહીં તે ક્યારે ‘ ખરે’  ?!!

 

.

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા

Monday, May 31st, 2010

 

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’ થી ‘સદી’ની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવંત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર, ખીણ, ધુમ્મસ, સૂરજ  કે કશું નૈં ?
‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું,
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.

 - ભગવતીકુમાર શર્મા

 

ભગવતીદાદાનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી અને માનીતી ગઝલ.  જેમ આંધીમાં તણખલું વંટોળે ચઢે એમ આપણે પણ દુન્યવી  વંટોળે ચઢીએ તો છીએ પણ પછી તણખલાંની જેમ પવનની સંગ લહેરાતા નથી આવડતું  અને આવી કંઇક વારસાગત સમસ્યાઓ લઈને જન્મ લેનારાં આપણે આપણને પણ મળી શકતાં નથી.  સડક પર ઝિબ્રા ક્રોસિંગ આવે ને જાય …  એમ સદીઓ વીતી જાય છતાંય માણસ જાતની ‘કદી’ એ પળ આવતી જ નથી કે  ‘ ટુ બી ઓર નૉટ ટુ બી’ માં અટવાયા વિના ખુદને મળી શકે.  ( ઑડિયો : નયનેશ જાની )

 

 

.

કે હું નથી : હરીન્દ્ર દવે

Wednesday, December 16th, 2009

 

આથી વધુ શું હોય ખુલાસો કે હું નથી,
ચાલો શરૂ કરી દો તમાશો કે હું નથી.
 
એ તો ફક્ત છે મારા વિચારો કે હું નથી,
થોડી વધારો મારી વ્યથાઓ કે હું નથી.
 
બેચેનીઓ તમારી ન જીરવી શકું હવે,
છોડો વિવેક કે મુજને જવા દો કે હું નથી.
 
થોડું ઉદાસ મન હતું એ તો હવે ગયું,
શબ્દોમાં ગોઠવો ના દિલાસો કે હું નથી.
 
આ મારી આવ-જાનો ન મહિમા કરો તમે,
કહી દો કે જઇ રહ્યો છે જનાજો કે હું નથી.
 
જે હતી મિલનની વ્યથાઓ સહી લીધી,
ચાલો હવે વિરહને સમજાવો કે હું નથી.
 
ખંખેરી નાંખો એક હતું આવરણ ગયું,
મિત્રો શરૂ કરી દો પ્રવાસો કે હું નથી.
 
સળગી જવા દો જેથી સ્વજન ઘેર જઇ શકે.
મારી ચિતાને થોડી હવા દો કે હું નથી.
 
શબ્દો તો આ હવામાં રહ્યા છે રહી જશે,
મારો અવાજ બંધ થવા દો કે હું નથી.

- હરીન્દ્ર દવે

 

 કે હું નથી – જેવી રદીફ પ્રયોજીને કવિ સ્થિતપ્રજ્ઞત્વને સુંદર રીતે ઉજાગર કરે છે !!

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME