Posts Tagged ‘shabda’

શબ્દો જ માળા : સંદીપ ભાટિયા

Friday, June 4th, 2010

 

શબ્દો જ મંતર, શબ્દો જ માળા,
ભગવા ધરી કાફિયા થ્યા રુપાળા.

તને પત્રમાં મોકલું રોજ વર્ષા,
ભલે રોજનીશીને પાને ઉનાળા.

ફરસ પર જડી, આભનો એક ટુકડો,
પસવારી લઉં એને બેચાર દહાડા.

હજી લાગણીનું છે ઘર બાંધવાનું,
એ પહેલાં ખરીદો કાં કૂંચી ને તાળાં ?

નથી કાંઈ ત્રીજું કવિતાના દેશે,
રહો બસ ખુશીથી ભરો કાં ઉચાળા.

- સંદીપ ભાટિયા

 

કવિતાનાં દેશમાં વાત ભલે દર્દની હોય અંતે તો –  વાત ખુશી આપનારી હોય છે.  જોકે,  આભનાં એક ટુકડાને ફરસ પર જડીને પસવારીએ તેટલી જ ખુશી…  પણ  ભર ઉનાળે વર્ષા કોને ન ગમે ?!! 

 

 

.

શબ્દ : ઉમાશંકર જોશી

Thursday, September 24th, 2009

 

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

- ઉમાશંકર જોશી

 

” શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે. “
     – ધૂની માંડલિયા

મિત્રો, બે દિવસ પહેલાં જ આપણે આ ગઝલ માણી.  વિવેકભાઈએ પ્રતિભાવમાં એક મજાની વાત કરી કે, જો એક શબ્દ પણ સાચા અર્થમાં સમજણો થાય તો ગંગા નાહ્યા. !!  અને વળી, વિચારોનાં વનમાં મન અટવાયું, કે શબ્દ સાચા અર્થમાં સમજણો ક્યારે કહેવાય ?  વિચારોના એ વનમાં અટવાતાં આખરે એની એ જ – એક કેડી મળી આવી અને તે -

શબ્દથી ધ્વનિને પામો,
ધ્વનિમાં અર્થ વિસ્તરો;
અર્થમાં પ્રગટો જ્યોતિ,
જ્યોતિ આનંદમાં ઠરો. – મકરંદ દવે

સંજોગ અને પરિસ્થિતિ મુજબ તો વળી અંગત ક્ષમતા મુજબ વ્યક્તિ શબ્દને સમજતો હોય છે ( કે સમજવા પ્રયત્ન કરતો હોય છે ) ?!  અને આપણે પ્રતિક્રિયા પણ તે જ સાચું એમ માનીને જ આપીએ !! પણ ખરેખર તો, શબ્દ ત્યારે જ સમજણો કહી શકીએ કે નકારાત્મક પરિસ્થિતિમાં પણ હકારાત્મક વલણ રાખી તેવું કર્મ કરીએ, આચરણ કરીએ. અને મને યાદ આવી ઉમાશંકરની આ પંક્તિઓ…. !!

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ. 

લયસ્તરો પર આ કાવ્ય મૂકાયેલું ત્યારે જે સમજાયેલું તે જ ફરીથી પ્રતિભાવમાં મૂકું છું !!

ખરે જ, શબ્દ તો મૌન બરાબર જ છે, જ્યાં સુધી શબ્દનો ધ્વનિ શબ્દશઃ અર્થમાં ના વિસ્તરે, અને અર્થ પ્રકાશપુંજ બની જાય છે, જ્યારે એ પથદર્શક, અવિચલ માર્ગદર્શક બની સમગ્ર અસ્તિત્વને સત્યના માર્ગ પર લઈ જઈ આચરણમાં મૂકાય છે…..!!

શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક ! ધવલભાઈનું કાવ્યની અંતિમ પંક્તિ માટે યોગ્ય જ વિવેચન છે………!! પણ મને લાગે છે કે, આખું કાવ્ય તો ‘શબ્દ’ કરતાં ‘શબ્દાર્થ’ને વધુ મહત્વ આપે છે.  સાંઈકવિશ્રી મકરંદ દવે પણ આ મુક્તકમાં શબ્દાર્થની મહત્તા વર્ણવે છે,  આથી મને તે યાદ આવ્યું …. આભાર પંચમભાઈ……..!!

“શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.”

શબ્દ તો ભેદી શકાય નહિ એમ બેઠો છે અને અર્થનો ઝાંખો પ્રકાશ એની આરપાર જઈ શકતો નથી. અદ્.ભૂતતા… આ જ ! નહિ તો પ્રકાશ તો કશાની પણ આરપાર જઈ જ શકે ! પણ એ જ કમજોરી ને કવિ કહે છે કે, એ આભા-વલય બહુઅર્થના શબ્દને ફરતા જે છે તેનાથી જ તો
વધુ રસાસ્વાદ કરવાની તક મળે છે. – ‘Juxtaposition’

“શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.” – શબ્દોના અર્થ પામીને પણ શું ?!  કારણ શબ્દના મૂળમાં-ગર્ભમાં તો કર્મ એટલે કે આચરણ છે. જો સમજીને પણ આચરણ ના કરીએ તો શું અર્થ આ બોલાયેલા શબ્દોનો….!!

અંતિમ પંક્તિમાં વળી, ‘શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ’ કહે છે જે શબ્દને મહત્વ આપે પણ કાવ્યપૂર્તિ અથવા એમની વિચારપૂર્તિ હોઈ શકે,
જે એમના મનનું સમાધાન મળે છે તે જ દર્શાવે છે…. નહિ તો હું પણ એવું માનું કે, જે તમારું મૌન ના સમજી શકે એ તમારા શબ્દો શું સમજી શકવાના, પણ જે શબ્દો જ ના સમજી શક્યા એ મૌન તો કોઇ કાળે ના જ સમજી શકે……!!

એટલે કે ,  શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે ?!!!  :)  

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME