Posts Tagged ‘sher’

સંકલિત : બરકત વિરાણી ‘બેફામ’

Tuesday, November 25th, 2008

 

યનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે….
જરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે…..
થાય સરખામણી તો ઊતરતા છીએ……
હૃદય ! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને…….

હા… ગુજરાતી ગઝલને સૂરીલી બનાવી લોકહૃદય સુધી પહોંચનાર આ અને અન્ય ઘણી ગઝલોના રચયિતા છે બરકત વિરાણી ‘બેફામ’…..!! આજે તેમનાં જન્મદિને તેમનાં ગમતીલાં અશઆર….

સમયની જેમ એને પણ તમે પકડી નથી શકતા,
કરો જો બંધ મુઠ્ઠી તોય સરતી હોય છે રેતી.

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

પથ્થરોને   જે   ઘડે  એ   હો   કલાકારો  ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,
ડૂબી ગયો છું હું મારી જ નાવમાં.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.

જીવતાં હશું તો લોક શૂળી પર ચઢાવશે,
ને જો મરી જશું તો ભીંતો પર લગાડશે.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

એ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મારી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

જીવન એવું ’બેફામ’ સારું જીવ્યો છું,કે મારે જ રડવું છે મારા મરણ પર,
જગતને સદા સાલશે ખોટ મારી,જમાનાને મારી જરૂરત રહેશે.

- બરકત વિરાણી ‘બેફામ’

તેમની કલમની જમાનાને ખોટ સાલે જ છે, પણ માનવું જ રહ્યું કે, બંધ મુઠ્ઠીમાંથી સરતી રેતીને કોઈ નથી રોકી શકતું – સમય પણ નહીં…. !!

 

 

મહેફિલ : ચિનુ મોદી

Tuesday, September 30th, 2008

 

ગઝલને થયું : છે આ ‘ઈર્શાદ’ તો,
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

ગઝલ સહજ રીતે જ્યાં ઠરીઠામ થઈ ગઈ છે તેવા આપણા કવિશ્રી ચિનુ મોદીનો આજે જન્મદિન છે. આજે માણીશું તેમના કેટલાંક શેર….. (કોઈ એક જ ગઝલ પસંદ કરતાં મુશ્કેલી પડી તો આજે મનભાવન શેરની મહેફિલ )

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાની જીદ ઝાકળ ના કરે

તો ઝાંઝવાં પર તડકાનો સિતમ કેવો ?-

ધોમ તડકાના સિતમ પર છે સિતમ,
ઝાંઝવાની જોઈ લે તું અવદશા.

તીવ્ર વેદના વચ્ચે પણ કવિનું ખુમારીસભર આવેદન-

ઠાઠ ભપકા એ જ છે ‘ઈર્શાદ’ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

આંસુના પટને આમ શબ્દમાં કોણ બાંધી શકે ?!!

આમ તો પર્યાપ્ત છે બે  આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો !

તો પોતાનું સરનામું જણાવતાં કહે છે,

નામ-સરનામાં હવે ‘ઈર્શાદ’નાં શાં પૂછવાં ?
સાત સૂકાં પાંદડાં પર આંસુઓની છાપ છે.

મનનાં વિચારોનું દ્રઢીકરણ ઈચ્છામાં પરિવર્તિત થાયને
પછી તો એને હાથ-પગ પણ આવી જાય …!!

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો,
નખ વગરના શું કરું હું આંગળાં ?

અને હવે તો -
तेन त्यकतेन भूंजिथा: ની પેલે પાર

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો.

શબ્દોના સાગરમાં ડૂબકી લગાવી આપણને અણમોલ મુક્તકો આપનાર કવિશ્રીને જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વૅબમહેફિલ અને તેના સૌ વાંચકો તરફથી……..

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME