Posts Tagged ‘shravan ho’

શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી

Tuesday, July 20th, 2010

shravan panihari

શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા ! અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં, હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

આછાં  છાયલ અંગનાં,  જોજે  ના  ભીંજાય,
કાચા  રંગનો  કંચવો,  રખે  ને  રેલ્યો  જાય.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર ;
તું વરસીને રહી જશે, એનો બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

- ઉમાશંકર જોશી

શ્રાવણી સવારે, માથે હેલ લઇ પાણી ભરવા નાયિકા ચાલી, પણ, ગગનમાં  વાદળો  છવાયેલાં જોઇ તે શ્રાવણને નહીં વરસવા વિનંતી કરે છે.  શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !  તારે તો સરવડાં એટલે કે, તું તો, થોડુંક વરસીને રહી જઇશ, પણ મારું તો  હૈયું ભીંજાઇ જશે.  વળી, ભીંજાયેલું હૈયું , પિયુને સાંભરશે ત્યારે મારા નયનોમાંથી અવિરત આંસુની ધારા બારેમાસ વહેશે તેનું શું ?

શબ્દાર્થ : છાયલ -  ( સંસ્કૃત – છાયાવત્‌ ) છાપેલી સાડી.   કંચવો – ( સંસ્કૃત – કંચુક ) કમખો, કાપડું, બ્લાઉઝ.   સરવડાં – ઝાપટું, થોડુંક વરસીને રહી જવું.

વિશેષ : કવિ શ્રી ઉમાશંકર જોશીનાં જન્મશતાબ્દીપર્વ (૨૧ જુલાઇ, ૨૦૧૦) નાં ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૮ વાગ્યે તેમનાં નિવાસસ્થાનેથી સાહિત્ય પરિષદ સુધી યાત્રા કર્યા બાદ ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી પરિસંવાદ યોજવામાં આવેલ છે. ત્યાર બાદ, સાંજે ૬:૦૦ થી ૮:૩૦ તેમણે રચેલ કાવ્યગાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સ્થળ : ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME