આઝાદ ગઝલ : શ્યામ સાધુ
Thursday, May 28th, 2009
- (source : web)
ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.
દોસ્ત મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે.
પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે.
આવ મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !
ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
- શ્યામ સાધુ
સુધીર અંકલની આઝાદ ગઝલ આપણે માણી જેમાં દરેક મિસરામાં એક આવર્તન ઉમેરાતું જાય છે, જ્યારે શ્યામ સાધુની આ ગઝલમાં દરેક મિસરામાં સાનીમિસરાને અનુલક્ષીને ક્રમશ: આવર્તનની વધઘટ થાય છે. તો સુધીર અંકલે જેમ મિસરામાં એક એક આવર્તન ઉમેર્યું તેમ એક એક આવર્તન ક્રમશ: બાદ પણ કરી શકાય. ( ઉલ્ટો પિરામિડ ?!!) એટલે કે, મિસરાના સ્તંભમાં વધઘટ થઈ શકે એમાં કોઈ બંધન નથી. મઝહર ઈમામે તેને આઝાદ ગઝલ નામ આપ્યું જેમાં આવર્તન કેટલાં રાખવા તેની આઝાદી રચયિતાને મળે છે, જેથી ગઝલ વધુ રુચિકર બને. ૧૯૬૨માં મઝહર ઈમામે પોતાના પ્રથમ સંગ્રહમાં આઝાદ ગઝલ મૂકેલી. ( સંદભૅ : હનીફ સાહિલ, ગઝલ વિશ્વ )
જોકે, ગઝલ નામે લાગણીની હવેલી ખડી કરવા માટે હ્રદયને સ્તંભની ક્યાં જરુર ?!! બસ, પંખીના ગીત જેવી એક ટળવળતી ઈચ્છા જોઈએ… !!
.
