થોભ્યાનો થાક : સુરેશ દલાલ
Tuesday, February 10th, 2009
ભટકી ભટકીને મારા થાક્યા છે પાય,
હવે પંથ મારો ચાલે તો ચાલુ :
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર,
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું ;
વેદનાનું નામ ક્યાંય હોય નહિં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;
જંપ નહિં જીવનએ આ એનો અજંપો,
ને ચેનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મને,
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક;
આઘે જવાના કોઇ ઓરતા નહિં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.
આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સ્મિતને સંભાળું ?
- સુરેશ દલાલ
મનઃસ્થિતિને શબ્દોમાં રજૂ કરવી ઘણી મુશ્કેલ છે. પણ સુરેશદાદા મનને ઉકેલીને શબ્દોમાં રજૂ કરે છે ને મન પણ કેવું અજીબોગરીબ જિંદગી જેવું જ ……. ?!! જિંદગીથી નિરાશ આપણું મન આપણને જંપવા નથી દેતું ને ત્યારે આવી જ કઈક સ્થિતિ આપણી હોય છે . જો કે આપણને હોઠને હસતાં રાખતાં આવડી ગયું છે હવે તો બસ જરૂર છે મન મનાવવાની.
.
