ગઝલ : સુનિલ શાહ
Saturday, October 4th, 2008
તૂટેલા પાત્રથી હું જામ છલકાવી નથી શકતો,
*સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો.
દીવાને રાખવાનાં સૌ પ્રયત્ન છે જ મારાં પણ,
હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો.
નથી સમજાતું આંસુ છે કે છે કોઈ પથ્થર ?
હું મારી પાંપણોનો બોજ ઊઠાવી નથી શકતો.
જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.
ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.
જશે ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?
- સુનિલ શાહ
મિત્રો , ગઈકાલે આપણે ગનીચાચા જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલ તરહી મુશાયરામાં રજૂ થયેલ ગૌરાંગભાઈની ગઝલ માણી. એ જ કાર્યક્રમમાં આપણા નેટજગતના મિત્ર સુનિલભાઈ શાહને પણ આ કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ મળેલું. અને ખરે જ આપણા સૌ માટે આનંદ અને ગર્વની વાત છે કે, આટલા નામાંકિત કવિઓ વચ્ચે તેઓએ પોતાની આ રચના રજૂ કરી. છંદ ના આવડતા હોય તે સૌ માટે આજે તેઓ પ્રેરણારૂપ બની શક્યાં છે બસ જરૂર છે ધગશની…. !!
હવાને અટકાવી નહીં શકવાની કે પંખીને જેમ નહીં ઊડી શકવાની વાત કરી માનવીની લાચારી કે કુદરતની મહાનતાની વાત કેટલી સહજતાપૂર્વક કરી છે. ભલે મનુષ્ય ચાંદ પર પહોંચ્યો પ્રયોગશાળામાં ચાંદ બનાવી તો નહીં જ શકે અને આ વાત એણે સ્વીકારવી જ રહી. લોહીઝાણ કલમે જ આ ગઝલ લખાય અને તો ય આ શાહી કે લોહીની ભીતરનો ભેદ શબ્દોમાં સ્પષ્ટ કરી શકાય છે ? તો – દુ:ખ અને દર્દ તો સમંદરની લહર સમાન છે એ તો કિનારાને ભીંજવશે જ પણ તો શું સ્મિત ભૂલી જવું યોગ્ય છે ?!!
* (તરહી પંક્તિ)
