શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી
Tuesday, July 20th, 2010

શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા ! અરધી વાટે તું રેલીશ મા !
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં, હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !
આછાં છાયલ અંગનાં, જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો, રખે ને રેલ્યો જાય.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર ;
તું વરસીને રહી જશે, એનો બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !
- ઉમાશંકર જોશી
શ્રાવણી સવારે, માથે હેલ લઇ પાણી ભરવા નાયિકા ચાલી, પણ, ગગનમાં વાદળો છવાયેલાં જોઇ તે શ્રાવણને નહીં વરસવા વિનંતી કરે છે. શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા ! તારે તો સરવડાં એટલે કે, તું તો, થોડુંક વરસીને રહી જઇશ, પણ મારું તો હૈયું ભીંજાઇ જશે. વળી, ભીંજાયેલું હૈયું , પિયુને સાંભરશે ત્યારે મારા નયનોમાંથી અવિરત આંસુની ધારા બારેમાસ વહેશે તેનું શું ?
શબ્દાર્થ : છાયલ - ( સંસ્કૃત – છાયાવત્ ) છાપેલી સાડી. કંચવો – ( સંસ્કૃત – કંચુક ) કમખો, કાપડું, બ્લાઉઝ. સરવડાં – ઝાપટું, થોડુંક વરસીને રહી જવું.
વિશેષ : કવિ શ્રી ઉમાશંકર જોશીનાં જન્મશતાબ્દીપર્વ (૨૧ જુલાઇ, ૨૦૧૦) નાં ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૮ વાગ્યે તેમનાં નિવાસસ્થાનેથી સાહિત્ય પરિષદ સુધી યાત્રા કર્યા બાદ ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી પરિસંવાદ યોજવામાં આવેલ છે. ત્યાર બાદ, સાંજે ૬:૦૦ થી ૮:૩૦ તેમણે રચેલ કાવ્યગાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સ્થળ : ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ
.

