Posts Tagged ‘varsaad’

તડકાછાંયા ભીંજવી ગયું : રમેશ પારેખ

Saturday, July 11th, 2009

 

ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .

ઊંબરે વાછટ આવતાં રેલો થઈને ચાલી રજ, ને નેવાં ક્યાંય સુધી કલબલતાં રહ્યાં,
નળિયામાંથી જળની સાથે આભચૂયું તે, ઓરડે મારે કેટલા સૂરજ તરતા રહ્યાં,
તડકાથી તરબોળ ભીનીછમ વાસની પવનપાતળી જાજમ ફળિયે મારે પાથરી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .

વરસી મારી આંખમાં એની સોનહિમાળુ ઝાંય, ને સામે બળતાં ખાલી ખેતરાં ઠર્યાં,
લીંબડો સૂકો ખખડે તોયે, ઘરને મોભે આટલાં બધાં કેમ લીલાંછમ પાંદડાં ખર્યાં,
આંખ મળીને ઊઘડી ત્યાં તો, વાદળાંમાં ઘનઘોર ગ્હેકીને વન આખુંયે વરસી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .

- રમેશ પારેખ

 

વરસાદી ગીતો ઝરમર ઝરમર વરસતાં હોય ત્યારે ર.પા.નાં ગીતોની તો હેલી જ વરસે.  બપોરે સ્હેજ આંખ મળીને, જાગીએ ત્યારે જો માવઠું વરસ્યું હોય ત્યારે આવી જ કંઈ અનુભૂતિમાં જરુર ભીંજાયા હશો. નળિયામાંથી પાણી ચૂવે ત્યારે વાડકા-તપેલી યાદ કરવાને બદલે તરતા સૂરજ ર.પા. સિવાય કોણ માણે ?!! 

 

 

.

ચોમાસું : મનોજ ખંડેરિયા

Friday, July 10th, 2009

 

ખાઈ વાદળની ઠેસ ચોમાસું,
લ્યો કરે શ્રીગણેશ ચોમાસું.

આપણે નિત ભીનાભીના લથપથ,
આપણો પ્હેરવેશ ચોમાસું.

બાથમાં લઈ લે જઈને ખેતર તું,
બેઠું છે તારે દેશ ચોમાસું.

જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ,
હું કરું કોને પેશ ચોમાસું.

ખોલીને મેઘ-દૂત વાંચ્યા કર,
હાથવગું છે હંમેશ ચોમાસું.

લ્યો ગયાં વીજ-વાયુ-છાલક સહુ,
રહી ગયું આંખે શેષ ચોમાસું.

મન મૂકીને ગઝલમાં વરસ્યો છું,
ક્યાં દીધું ઓછું લેશ ચોમાસું.

- મનોજ ખંડેરિયા

 

વાદળની ઠેસ ખાઈ, ચોમાસુનાં શ્રીગણેશ થઈ ગયાં છે, ત્યારે જાતને છત્રીથી ના ઢાંકો.  આકાશનાં નેવાં મન મૂકીને ના વરસે, તો મનોજભાઈ તો મન મૂકીને ગઝલમાં વરસ્યાં છે જો જો કોરાં ના રહી જતાં…. !! કારણ, અંકિત ત્રિવેદી કહે છે એમ, ” લે હવે ચોમાસું બારેમાસ છે, કો’ક એવું આપણામાં ખાસ છે. ” અને જો એ ‘ ખાસ ‘  આજે નહીં ભીંજાય તો માંડ માંડ ‘બેમાસું’ ફરી આવશે ત્યાં સુધી કોરાંકટ્ટાક રહેવું પડશે.

 

 

.

તારો મોબાઈલ નથી રેન્જમાં : ગૌરાંગ ઠાકર

Friday, July 3rd, 2009

 

img

( સૂરજને ….. રાજી કરવામાં ભૂલી ગયો ? ) 

કાળિયા વરસાદ તને પરણાવી ધરતીને, દીધો છે સેલફોન દહેજમાં,
અષાઢી મેઘ મૂવા ક્યાં તું ભરાણો, આજ તારો મોબાઈલ નથી રેન્જમાં.

આઠ આઠ માસે પણ પૂરી ન થાય, તારી નોકરીમાં કેવી છે પાળી,
સૂરજને ચંદાને રાજી કરવામાં, આજ ભૂલી ગયો તું ઘરવાળી.
કી પેઈડ દડબડતા આંસુડા દાબે, એને જાતા ન આવડે મેસેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …

લાગણીનું પ્રીપેઈડ ખાલી કરીને, હવે મિસકોલ કરતી મીસીસ છે,
ફુરસદમાં સહેજ હવે વરસીને વાંચ, એની આંખોમાં ચાર પાંચ થીસીસ છે,
બેટરીની જેમ એનું બી.પી. થાય લો, તારો આવે મોબાઈલ એન્ગેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …

- ગૌરાંગ ઠાકર

જુલાઈ મહિનો શરુ થઈ ગયો, પણ હજુયે અમદાવાદમાં વરસાદને ફોન લાગ્યો નથી, અને ત્યારે આકળ-વિકળ આંખ-કાનને આ ગીત જરુર રાહત આપી ગયું. આશા રાખીએ કે, આ મેસેજ તો એ કા..ળિયા મેઘને મળે.   મેઘ અને ધરાની પ્રીતને શ્રુંગાર રસમાં માણીએ છીએ, પણ – પરણ્યા પછી બધેય એવું … !! મીસીસની થીસીસ વાંચવાનો ટાઈમ આમ પણ કોને હોય, તો એને મળે ? પણ હવે, પ્રીપેઈડ લાગણીઓને સમજે તો સારું . વઢકણી સાસુની જેમ કવિએ કાળિયા મેઘને ખખડાવ્યો છે ( દીકરીના બાપ ખરાંને ! )  આશા રાખીએ કે હવે તો ફોન એન્ગેજ ના આવે. ગૌરાંગભાઈ કહે છે એમ, Let’s dial to Rain ……  :)  

 

 

.

લીલુંછમ ચોમાસું : વિપિનકુમાર કિકાણી

Wednesday, June 24th, 2009

 

મારા મનનું ગીત એટલે લીલુંછમ ચોમાસું,
પહેલી પહેલી પ્રીત એટલે લીલુંછમ ચોમાસું !

બીજું બધું હું કાંઈ ન જાણું હું તો એટલું જાણું ;
બે હોઠોનું સ્મિત એટલે લીલુંછમ ચોમાસું !

સપને પણ જે ના દીઠેલો, સંગ શું તેનો કરવો ?
માનેલો મનમીત એટલે લીલુંછમ ચોમાસું !

સાચવનારો સાવ ગુમાવે, વાપરનારો પામે ;
પ્રેમની આવી રીત એટલે લીલુંછમ ચોમાસું !

હાર એટલે તો બળબળતા ઉનાળાના દહાડા !
મારે મન તો જીત એટલે લીલુંછમ ચોમાસું !

ઝરણાં ઝાંઝર, પવન વાંસળી, ઈન્દ્રધનુષી સરગમ ;
કુદરતનું સંગીત એટલે લીલુંછમ ચોમાસું !

બળબળતા બપોરે પણ મનમોરને એવું લાગે ;
હોય ગઝલ કે ગીત એટલે લીલુંછમ ચોમાસું !

- વિપિનકુમાર કિકાણી

 

ઉનાળાની બળબળતી બપ્પોરે આપણે તડકીલું ગીત માણ્યું’તું….. તો રોજેરોજ વરસાદને સાદ દેતાં વાદળાંને જોઈને મનને લીલાંછમ ચોમાસામાં આમ જ  ભીંજવવું પડેને ?!!  આંખોમાં બેઠેલાં ચાતક પણ હવે તો કહે છે કે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME