Posts Tagged ‘varsad’

વરસાદમાં : ડૉ. દિલીપ મોદી

Sunday, July 19th, 2009

 

આંખ શાને દડદડે વરસાદમાં ?
યાદનાં ફોરાં પડે વરસાદમાં.

રોમરોમે હું શ્વસું માદક ક્ષણો,
ભીતરે મસ્તી ચડે વરસાદમાં.

ઓઢીને છત્રી નીકળતો હોઉં ને,
આ પવન કાયમ લડે વરસાદમાં.

રાતભર પડખાં હું ફેરવતો રહ્યો,
જાગવાનું આવડે વરસાદમાં.

માની લે, નહિ માનવા જેવી કથા,
ટેરવાં સૂકાં અડે વરસાદમાં.

જિંદગી- ક્યાં જિંદગી છે જિંદગી ?
‘ હોવું ‘ મારું ખુદ રડે વરસાદમાં.

હરપળે શોધ્યા કરું છું હું ‘ દિલીપ ‘
વહાલનો ચહેરો જડે વરસાદમાં.
                      

 – ડૉ. દિલીપ મોદી

 

“I always like to walk in the rain as no one can see me crying.” : Charlie Chaplin  વરસાદ જેમ વરસેને એમ તરસ કેમ વધતી જાય ?  અંતરની કોરપ વરસાદે કેમેય ના ભીંજાય ? વહાલનો ચહેરો મળે ત્યારે જ ભીંજાય ? અને એટલે જ યાદનાં ફોરાં સમેત આંખ દડદડે વરસાદમાં… !!

 

 

વરસાદ પડે છે : મૂકેશ જોશી

Saturday, July 18th, 2009

 

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

- મૂકેશ જોશી

 

વરસતાં વરસાદની વાત ભજિયાં વિના તો અધૂરી જ ગણાયને .. ? જેમ કે, છત્રીમાં પેસીને ભીંજાતા બે જણ  ( વરસાદથી નહીં, જાલિમ જમાનાથી બચવા ) એમની વાત  મમ્મી પપ્પા માની જાય તો જ પૂરી ગણાય … !!   મૂકેશ જોશીનું એક હળવું  ગઝલનુમા ગીત.

 

 

.

વરસાદ હોવો જોઇએ : દિલીપ જોશી

Tuesday, July 14th, 2009

 

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્વાર પર વરસાદ હોવો જોઇએ.

વક્ત હો હિલ્લોળતો, પંખી સમો નીડે – નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.

ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.

ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર ?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.

સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.

કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં,
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.

- દિલીપ જોશી

 

 ચોમાસામાં- જે હવે તો બેમાસું જ થઈ ગયું છે તેમાં બારમાસી કોરપને કેમ ભીંજવવી ? કવિ પણ એવું જ કંઈક અનુભવે છે અને કહે છે, પાનખરથી પાનખર વરસાદ હોવો જોઈએ … પ્રવિણઅંકલ તો હડતાળ પાડવા પણ તૈયાર થઈ ગયાં.   સાસુ, આંસુ અને ચોમાસું – ત્રણેય નો ભરોસો નહીં,  હરખે તો ય વરસે અને …… ?!! પણ વૅબમહેફિલમાં તો ચોક્કસ ધોધમાર વરસાદ પડશે .. તો ક્યારેક બિન બાદલ પણ વરસાદનું ટાણું લઈ આવીશ. બસ,  એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ … !!

 

 

.

ચોમાસું ક્યાંક આસપાસ છે : તુષાર શુક્લ

Wednesday, June 24th, 2009

 

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલ ઉપર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

- તુષાર શુક્લ

 

બે-ત્રણ દિવસથી વાદળાં અવનવાં રંગોથી આકાશને રંગી અદ્.ભૂત દ્ર્શ્યો સર્જીને અમદાવાદને વરસાદ માટે લલચાવી રહ્યાં છે , તો આંખોને પણ ચાતક નજરે પહેલા વરસાદનું સમણું જોવા મજબૂર કરે છે. અને ત્યારે તુષારભાઈનું આ ગીત જ યાદ આવેને …. ?!! વરસાદી વાર્તાઓ વાંચીને મન ન ભીજાય તો લીલુંછમ ચોમાસું ન આવે ત્યાં સુધી આ ગીત આરતી મુન્શી અને પરાગી પરમાર નાં સ્વરમાં સાંભળીને મન મનાવીએ … ?!!

 

 

.

  • Page 2 of 2
  • <
  • 1
  • 2
This text will be replaced by the flash music player.
Powered By Indic IME