વારતા : સુનિલ શાહ
Friday, April 3rd, 2009કોણે માંડી’તી સમયની વારતા..?
અંતમાં, જે થઈ પ્રલયની વારતા.
શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
તો વ્યથા થઈ જાય લયની વારતા.
એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
કે, લખાશે એક ઉદયની વારતા.
આપણામાં કૈંક ખૂટે છે હજી,
એટલે ના થઈ વિલયની વારતા.
ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,
ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.
- સુનિલ શાહ
વૈજ્ઞાનિકો બ્રહ્માંડ, પરગ્રહવાસી અને અન્ય કેટલીય શોધખોળોમાં રચ્યાપચ્યા છે અને હજુ તેનો તાગ નથી મેળવી શક્યાં ત્યાં સુનિલભાઈ તો સમયની પેલે પાર જઈ સમયની વારતાનાં પગરણ શોધે છે. મૂળ વિજ્ઞાનનો જીવ ખરોને. …..!! નેટજગતમાં ગુજરાતી સાહિત્યને રજૂ કરવાના આપણાં સકારાત્મક અભિગમ સિવાય નેટજગત પર અને તેની બહાર પણ તેનાં સકારાત્મક અને નકારાત્મક પરિણામો અંગે ચર્ચા થતી હોય છે. વધુ વાદ-વિવાદોમાં પડ્યા સિવાય નકારાત્મકની સાથે તટસ્થતાપૂર્વક સકારાત્મક પરિણામ અંગે જોવાય તો ઊર્મિ અને સુનિલભાઈ નેટજગતનાં સબળા અને ઉજળાં પાસાં છે. જો કે તેનો શ્રેય વિવેકભાઇને જશે. નેટજગત પર સતત નજર રાખી તેમણે નેટજગતને તો સમૃદ્ધ તો રાખ્યું જ પણ અન્ય ગુનાખોરી પણ અટકી. તો છંદની સતત ટકોરને કારણે આજે ઊર્મિ અને સુનિલભાઈ સુંદર ગઝલો પણ રચતાં થઇ ગયાં છે. હમણાં જ સુનિલભાઈની એક ગઝલ ‘કવિ’ સામયિકમાં પ્રગટ પણ થઈ.
મિત્રો, મને તો મત્લાનો શેર જ ગમી ગયો .. ઈશ્વરને કેવો મીઠો ઠપકો…. અરે, પ્રલયમાં જો સૃષ્ટિનો અંત જ આણવો છે તો સમયની વારતા શું કામ માંડી ? ભૂકંપ યાદ કરી જોજો, મને ત્યારે બરાબર આવી જ લાગણી થયેલી !! પથ્થરનાં ઘા ઝીલી શાંત જળનો લય પણ વ્યથિત થઈ જતો હોય છે. પણ અસ્ત થતા સૂરજની સવાર ઉદયની વારતાથી જ થાય છે ને ! એક પ્રેરણાત્મક બળ પૂરું પાડી વળી આપણને ચેતવે છે કે કઈક ખોટ આપણામાં જ નથી ને ? જો કે સનાતન સત્ય તો એ જ છે કે, સોળે કળાએ ખીલેલા ચંદ્રની કિસ્મતમાં પણ ક્ષયની વારતા લખાયેલી જ છે.
મિત્રો , આજે સુનિલભાઈને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે નેટજગત સાથે ગુજરાતી સાહિત્યને પણ ખૂબ સમૃદ્ધ કરે…. !! અને હા, આજે તેમની કડક ધમકી હોવા છતાં તેમનો આભાર પણ માની જ લઉં કારણ હું બહારગામ હોઉં કે હમણાં જમણા હાથે ફ્રેક્ચર થયેલું છે તો વૅબમહેફિલ અપડૅટ કરવામાં કે ગમતી ગઝલ ટાઇપ કરીને પણ મોકલી આપે છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આભાર સહ….
.

