Posts Tagged ‘vasant’

હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ

Thursday, February 4th, 2010

 

holi3

( સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ  )

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.

 તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

- રાજેન્દ્ર શાહ

 

વસંતનાં પગલાં મનુષ્યનાં હ્રદયમાં એવાં કામણ કરી જાય કે, હોરીનાં રંગોમાં રંગાઈ, ભીંજાયને જ તે તૃપ્ત થાય છે.  તો વળી, કાનુડાનાં કામણ વસંતથી ઓછા થોડાં છે ?   હોરી અને તે પણ કાન્હા સંગ….  વ્રજ બોલીમાં રચિત આ હોરી ગીત કદાચ એટલે જ આટલું  કામણગારું લાગે છે.   બસ… ફૂલન હાર ગળામાં, બીજી કોઈ  હાર જેને કબૂલ જ નથી, તેવી આહિરની બેટી, અપની ધૂનમાં જ મસ્ત છે.  પણ પ્રથમ પંક્તિમાં જ સાંવરિયાની આંખે છલકાતાં જોબનિયાના લાલ રંગમાં તેની ચોરી અને ચુનરિયા કેવી ભીંજાઈ ગઈ છે ?

 

 

.

હરિ ! આવો ને : ન્હાનાલાલ

Saturday, January 23rd, 2010

 

vasant3

આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ, હવે તો હરિ ! આવો ને.

આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય, હવે તો હરિ ! આવો ને.

આ ચંદરવો કરે ચાન્દની, હરિ ! આવો ને;
વેર્યાં તારલિયાના ફૂલ, હવે તો હરિ ! આવો ને.

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ, હવે તો હરિ ! આવો ને.

આ જળમાં ઊઘડે પોયણાં, હરિ ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ, હવે તો હરિ ! આવો ને.

આ માથે મયંકનો મણિ તપે, હરિ ! આવો ને;
એવા આવો જીવનમણિ ભાવ ! હવે તો હરિ! આવો ને.

આ ચાન્દની ભરી છે તલાવડી, હરિ ! આવો ને;
ફૂલડિયે બાંધી છે પાંજ, હવે તો હરિ ! આવો ને.

આ આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને;
મનમહેરામણ, મહારાજ ! હવે તો હરિ ! આવો ને.

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ, હવે તો હરિ! આવો ને.

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ, હવે તો હરિ ! આવો ને.

- ન્હાનાલાલ કવિ

(ઊર્મિસાગર.કૉમ) 

કો’  સદ્યસ્નાતાના કેશકલાપમાંથી નીતરતાં જળમાં ભીંજાય જવાય એમ જ કવિની કલમે નવપલ્લવિત પ્રકૃતિનાં શૃંગાર રસમાં ભીંજાય જવાય છે.  પ્રકૃતિનાં સૌંદર્યમાં જ ઈશ્વરીય અંશ હોવા છતાં, કવિનો માંહ્યલો પરમ તત્ત્વને પામવાની ઉત્કટ અભિલાષા ધરાવે છે. અને હરિને પણ વસંતના વૈભવને માણવાનું આમંત્રણ આપી બેસે છે. 

 

 

.

નિર્વેદ : ગુણવંત શાહ

Thursday, March 12th, 2009

 

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસુ એક ખૂટી પડ્યું !

કોયલની વાણી તો એવી અવાક્;
            એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
           જાણે ઊડ્યો શિશિરનો છાંટો.

સમંદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;

વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
           અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
           ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.

હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું ;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;

- ગુણવંત શાહ

ગુણવંતભાઈને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માણીશું મને ગમતી તેમની એક રચના !!  જીવનપર્યંત તેમને કોઈ નિર્વેદ ન રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સહ

 

 

.

વાસંતી વધામણાં : ગઝલ : હિતેન આનંદપરા

Saturday, January 24th, 2009

 

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબ્હારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે.

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

- હિતેન આનંદપરા

 

વાસંતી વધામણાંમાં પહેલી રચનામાં વસંત કાનમાં આવીને પૂછી ગયેલી ‘ આવું ?’  ને આજે છેલ્લી રચના – દરેક મનુષ્યના જીવનમાં આવી જ વસંત પાંગરે તો …!!  પાનખરમાં વિખેરેલી અતૃપ્ત ઝંખનાઓનો તંત પણ વસંતમાં મળે ને બધીય અટકળોનો અંત આવે …. કેટલી અદ્.ભૂત વાત !! ને મહેકની ગલીઓ પણ અનંત પમાય તો કેવું ? હિતેનભાઈ પુષ્પોની આગેકૂચ કરાવી નશીલી સાંજને જ્વલંત વિજય અપાવે છે. તો નગરનાં કોલાહલો શું કોયલના ટહુકામાં ચૂપ થઈ જતાં આપણે નથી અનુભવ્યાં ? યાદ કરો….. પેલી સાંજે કોયલનો ટહુકો સાંભળી  આપણે ટીવી ચાલુ રાખીને કે ટ્રાફિકની ચિચિયારીઓ વચ્ચે પણ તેની પાસે પહોંચી ગયેલાં કે નહીં ?!!  બસ આવી જ વસંત આપ સૌનાં જીવનમાં પાંગરે તેવાં વાસંતી વધામણાં….. !!

 

 

.

વાસંતી વધામણાં : વસંત આવ્યો તો છે : અજ્ઞાત (અનુ.શકુન્તલા મહેતા)

Tuesday, January 20th, 2009

 

 

ઋતુરાજ વસંત આવ્યો તો છે

પણ બહુ ધીમે દબાયેલા પગલે

આ શહેરમાં

આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે

તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ

પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર

કેટલીક સૂકી નામહીન વેલ

જેમને તે ભૂલ્યો નહિ

બધી એકાએક એક જ લહેરમાં

હરીભરી ઝૂમી ઊઠી

સ્વયંવરા વધૂઓ શી !

વર તો નીરવ રહ્યો

વધૂઓની સખીઓ

ગાઈ ઊઠી.

- અજ્ઞાત
અનુવાદક : શકુન્તલા મહેતા

 

ગઈકાલે હળવેકથી કાનમાં આવી વસંત પૂછી ગઈ કે, આવું ? – પણ ગગનચુંબી ઈમારતોની વચ્ચે ડોકાતી વૃક્ષની ડાળીઓ કે બાલ્કનીમાં પવન ખાતાં કૂંડાંઓમાં પાંગરેલ વસંતનો પરિચય આપણને આપણી વ્યસ્ત જિંદગીને કારણે રહ્યો જ નથી. હા…. ક્યારેક દુઃખી મન તળાવનાં કિનારે પહોંચી હળવું થવા પ્રયત્ન કરે છે પણ તે ઘાટ તો તેનાં પથ્થરો જેવો જ  કઠોર છે, કદા….ચ આપણાં દુઃખને તે પણ આશ્વાસન નથી આપી શકતો. પણ ત્યાં જ સૂકાઈ ગયેલી – જેનું નામ પણ આપણને ખબર નથી તેવી વેલોને સુદ્ધાં વસંત નથી ભૂલી.  અને એ જ તો તેની ખૂબી છે વસંત તો એ સૂકાયેલી વેલને પણ સ્પર્શી છે અને આપણને …….??

 

 

.

વાસંતી વધામણાં : ‘આવું ?’ : નલિન રાવળ

Monday, January 19th, 2009

 

નવા નાજુક ખીલ્યાં

ફૂલના ઝાકળભર્યાં આવાસમાં વાસો રહી,
આંબે ભરી ઝૂલી રહેલા મ્હોરના વાઘા સજી,

રળિયામણી વ્હેલી પરોઢે

આજ

આ દક્ષિણ હવા પર હેતથી પગલી ધરી,

મલકાઈને કેવું

વસંતે કાનમાં આવી કહ્યું : ‘આવું ?’

-  નલિન રાવળ

૧૭મી જાન્યુઆરીએ વસંતપંચમી કૅલેન્ડર પર લટકતી જોઈ … ને મન જરા વાસંતી લાગણીઓથી તરબતર થઈ ગયું, મને પણ વસંત કાનમાં આવી પૂછી ગઈ – કહી ગઈ ‘આવું ?’
મિત્રો, જિંદગીમાં રોજ આવતી પાનખર પછી ટહુકા કરતી વસંતને આપણે વધાવી નથી શકતા. તો ચાલો, વધાવી લઈએ જિંદગીની વસંતને અને ડાળ પર ફૂટતી કૂંપળની જેમ તરોતાજા બની જઈએ. આ આખુંય સપ્તાહ વૅબમહેફિલ તરફથી આપ સૌને વાસંતી વધામણાં……..!!

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME