Posts Tagged ‘webmehfil’

મર્દ તેહનું નામ : નર્મદ

Monday, August 24th, 2009

 

મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.

મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.

મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.

મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.

મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.

મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.

- નર્મદ

 

વીર નર્મદનું બિરુદ પામેલ કવિ નર્મદ આ સુંદર લયબદ્ધ કાવ્યમાં શૌર્યરસનું પાન કરાવે છે.  તો અંતિમ પંક્તિઓમાં શ્રમ કરીને, કમાવવું જ  યોગ્ય છે, તેમ પણ જણાવે છે.

 

શબ્દાર્થ :  સમો - વખત, રિપુ – દુશ્મન, તોખાર – ઘોડો,  પણ (પ્રણ) - નિશ્ચય .

 

.

વંદે માતરમ્ : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ( અનુ : વંદન કરું તુજને હે મા ! – ગોવર્ધન દવે )

Saturday, August 15th, 2009

independence day india

ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સલામી આપી રહેલ લૉર્ડ માઉન્ટબેટન, લૅડી માઉન્ટબેટન, જવાહરલાલ નહેરુ

વધુ માહિતી :  guardian.co.uk

peopleid

( આઝાદીના આ પર્વે … માનવ મહેરામણ )

सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम् .
सुखदां वरदां मातरम् ॥

कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

વંદન કરું તુજને હે મા !
જલથી સભર, ફળથી સભર, દક્ષિણના વાયુથી શીતલ,
લહેરાતી ફસલોથી શ્યામલ હે મા.

ધવલ શુભ્ર જયોત્સનાથી તારી નિશા બને સુપુલકિત,
પુષ્પાવૃત તરુવૃંદોથી તું સદા રહી છે શોભિત,
સુભગ હાસ્ય ને મધુર વાણીથી ભૂષિત
સુખ વરસાવતી વરદાતા હે મા.

સપ્તકોટિ કંઠે કલકલ કરાલ નાદ કરે, દ્વિસપ્તકોટિ ભૂજા ઝળકતી અસિ વીંઝે,
તો કોણ કહે તુજને મા, અબલા !
તું અપાર બલશાલિની, નમું તને હું તારણહાર,
શત્રુદળોને હરનારી હે મા.

તું વિદ્યા છે તું જ ધર્મ છે, તું અમ હ્રદય અને તું મર્મ છે,
તું અમ દેહ તણો છે પ્રાણ.
બાહુમાં હે મા તું શક્તિ,
હ્રદયે રહી છે તું મા ભક્તિ,અમે રચી છે મંદિર મંદિર મૂરત તારી મા.

તું છે દુર્ગા દશવિધશસ્ત્રની ધારક,કમલદલે વિહરતી તું કમલા,
તને નમું હું વિદ્યાદાયિની વાણી.
નમન કરું તુજને હે કમલા, તું અતુલ તું નિર્મળ,
જલથી સભર ફળથી સભર હે મા.

સરલા શ્યામવરણા, સુસ્મિતવદના, સુભૂષિતા સંપન્નસભર  હે મા.

- ગોવર્ધન દવે

સૌ મિત્રોને સ્વાતંત્ર્યદિનની હાર્દિક શુભેચ્છાઓ.  બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત ‘વંદે માતરમ્’  ૧૮૭૬માં તેમની ‘આનંદમઠ’ નવલકથામાં પ્રકાશિત થયેલું. આ ગીતનાં બે અંતરાને કોંગ્રેસ અધિવેશને ‘રાષ્ટ્રગીત’ તરીકે માન્યતા પણ આપેલી.   આ સાથે ભારતનાં પ્રથમ સ્વાતંત્ર્યદિનની યાદગાર ક્ષણો. જો તમને યાદ હોય તો હિન્દી મુવી ( ? ) માં આ આખું વંદેમાતરમ ગીત છે તે પૂરા શબ્દો સાથે અને ગુજરાતીમાં તેનો અનુવાદ પણ… !!  તે સિવાય ઉર્દૂ અને અંગ્રેજીમાં પણ તેનો અનુવાદ કરવામાં આવ્યો છે.

big one

અરે… મને યાદ છે કે, આ તો ૬૩મો આઝાદી દિન છે.  પણ પહેલા સ્વાતંત્ર્યદિનની યાદગાર ક્ષણોને યાદ કરતાં કરતાં આજે વૅબમહેફિલની પણ પ્રથમ વર્ષગાંઠ છે તે પણ તો યાદ કરી લઈએને… !!   મિત્રો,  આઝાદીનાં પાવન પર્વે જ ગયા વરસે વૅબમહેફિલનો પ્રારંભ કરેલો.  જોકે, તેની ઉજવણી નક્કર અને પરિણામલક્ષી જ જોઈએ, તેવું લાગતાં નેટ સાથે સંકળાયેલ કવિમિત્રોનું કવિ-સંમેલન અથવા ગઝલશિબિર કે ઇન્ટરનેટ અને ગુજરાતી સાહિત્ય વિષયક પરિસંવાદ કરવાનું વિચાર્યું.  તે અંગે રાજેન્દ્ર અંકલ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ગઝલશિબિરનું આયોજન કરી રહી જ છે.  અને મોસમનો મિજાજ પારખીને યોગ્ય એ જ લાગ્યું કે, તે જ દિવસે કાર્યક્રમ કરવો ઉચિત નથી.   પણ પરિષદ જ્યારે પણ આ શિબિર કરશે ત્યારે વૅબમહેફિલ તેને પૂરતો સહકાર આપશે અને આપ સૌને પણ અગાઉથી જાણ કરીશું જેથી તેનો લાભ લઈ શકો.

આજે આ દિને, સૌ પ્રથમ ઈશ્વર અને તમામ સાહિત્યકારોને મારા શત શત વંદન અને આભાર કે જેઓએ ગુજરાતીને આટલી સમૃદ્ધ બનાવી.   અને આપ સૌ વાચકોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે અંગત મૅલ કે પ્રતિભાવો દ્વારા મને સતત સાથ અને સહકાર આપ્યો છે.  પિંકીબેન, રોજની આટલી બધી મૅલ્સમાં તમારો મૅલ વાંચી, મન હળવું થઈ ગયું.  કે - તમે મારા માપદંડમાં ખરાં ઊતર્યાં. કે - શું તમારી સાઇટને એક વરસ નથી થયું ?  કે - કોઈ કવિ એમ કહે મારી રચના તમારા હાથમાં સલામત છે નિ:સંકોચપણે તમે કોઈ પણ રચના મૂકી શકો …  ત્યારે ટાઇપ કરતાં લાગેલ થાક કે સમયનો બગાડ  કોઈને લાગે ?!!   તો લૅ-આઉટ અને મ્યુઝિક માટેની પસંદગી ભલે મારી હોય પણ તેને ટેકનિકલ સ્વરુપ નીરજે ( રણકાર ) આપ્યું છે.  તેની જેમ જ દાદાગીરી કરી, હરદ્વાર ગોસ્વામી, અનિલ ચાવડા,  વિવેકભાઈ ટૅલર, સુનિલભાઈ શાહ અને ઊર્મિને પણ હેરાન કર્યાં છે. તો ગૌરાંગભાઈ ઠાકર, ભાગ્યેશઅંકલ (જ્હા), રાજેન્દ્રઅંકલ (પટેલ), સુધીરઅંકલ (પટેલ), ધૈવતભાઈ શુક્લ, કૃષ્ણભાઈ દવે કે મૂકેશભાઈ જોશી અને અંકિતભાઈ ત્રિવેદીએ જે પ્રેમપૂર્વક – ભાવપૂર્વક સહકાર આપ્યો છે તે માટે હ્રદયપૂર્વક આપ સૌનો આભાર …….  !

એક વરસ પૂરું થયું છે પણ મનમાં નક્કી કરેલું તેના ૧૦% જ કામ પ્રેકટીકલી થઈ શક્યું છે. જોકે, આ સાથે ગુજરાતી સાહિત્યમાં અપાતા પારિતોષિક અંગે માહિતી અને યાદી મૂકીશ. તો કવિનો ટૂંક પરિચય પણ દરેક કવિની રચના સાથે આપ વાંચી શકશો. ( કવિમિત્રોને વિનંતી જલ્દીથી પોતાનો બાયોડૅટા મોકલાવે )  તે સિવાય, માર્ગદર્શિકા તૈયાર કરી છે જેના થકી આપ સાઇટને વધુ સારી રીતે જાણી અને માણી શકશો.  સાઈડબારમાં ” READ IN YOUR OWN SCRIPT “  ઑપ્શનનો ઉપયોગ કરીને, આપ વૅબમહેફિલને અન્ય ૯ લિપિમાં વાંચી શકશો.

નેટ પર બે-ત્રણ ગમતી પંક્તિ કે ત્રણ-ચાર શેર વાંચવાનો શોખ … ગદ્ય અને નિબંધોમાં ફેરવાઈ ગયો તો ભાષાની સરહદ પણ ઓળંગી દીધી.  અમૃતા પ્રીતમ, સર્વેશ્વરદયાલ સક્સેના કે હાર્ડી, યૅટ્સ પણ ઉમાશંકર કે કાન્ત જેટલાં જ પ્રિય લાગે છે.  જોકે, તેના માટે પણ કવિતાકોશ કે પોએટ્રી નો એટલો જ મહત્વનો ફાળો છે.  આપ સૌ જો સહકાર આપો તો , પ્રેમાનંદના નળાખ્યાનથી સિતાંશુનું જટાયુ પણ પરવાનગી લઈ નેટ પર ઉપલબ્ધ કરવું છે અને તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.

અને અંતે,  મધપૂડો છંછેડવા જેવી બે વાત – કૉપીરાઇટ અને પ્રતિભાવ.  હાલ પૂરતું  તો કોઈ કવિએ વાંધો દર્શાવ્યો નથી અને છતાં કોઈ કવિ કહેશે તો તેમની રચનાઓ દૂર કરવામાં આવશે.   પ્રતિભાવકોને વિનંતી કે તેઓ પોતાની લાગણીઓ શિષ્ટ ભાષામાં જણાવે અન્ય પ્રતિભાવકનું અપમાન થાય અથવા તો કોઈ કૃતિનું કે સાહિત્યકાર કે સામયિકનું અપમાન થાય તેવાં શબ્દોનો ઉપયોગ ન કરે.  કવિતા ન ગમે તો મારી પસંદગી ના ગમી એવું કહેશો તો ચલાવી લઈશ. :)

પ્રથમ વર્ષની ઉજવણી ત્યારે જ યોગ્ય લેખાય જ્યારે ગુજરાતી સાહિત્યની ફરી ફરીને માણવી ગમે એવી અમર રચનાઓ વૅબમહેફિલ પર મૂકાય પણ નવી ગઝલ કે કવિતાના રસિયાઓ નિરાશ ના થાય કારણ વચ્ચે નવી રચનાઓ પણ મૂકીશ.

.

કબૂતર : રાજેન્દ્ર પટેલ

Tuesday, August 11th, 2009

 

kabutar

કબૂતરનું પીંછું

કબૂતર થવા મથે છે

તેથી એ ઊડવાનું ભૂલી ગયું છે.

અજવાળાનું કૂંડાળું તેની આંખમાં ઘૂમરાય

તોય એની પાંખમાં સંચાર થતો નથી. 

ઝાડની કોઈ અજાણી ડાળે બેઠું

છે નિરાંતે….

ડાળ, થડ કે ફૂલ વિષે

એને કશી પડી નથી. 

એ બસ

બારીના પડછાયાને માણવામાં રત

ભૂલી ગયું છે

આખું વન.

ઠરી ગયું છે

અડધું અંગ અને

અડધું મન.

એ ઊડી શકતું નથી

એની એને ખબર નથી.

 

* * * * *

 

કબૂતરને

ચાંચ છે, નખ છે

છતાં એ

હિંસક વિચારો કરતું નથી.

એને પાંખો છે

છતાં વિખેરતું નથી દૃશ્ય.

ઊંઘતા આંખ બંધ કરતું નથી.

તે ઘૂ.. ઘૂ… કરતાં કરતાં

પ્રત્યેક ક્ષણને આવકારે છે.

 

* * * * *

 

કબૂતર કાલે હતું 

આજે છે

કાલે પણ હશે

તેવું બારી સતત કહ્યા કરે છે.

 

* * * * *

 

બારી અને કબૂતર

એકબીજાને

જોતાં-જોતાં

આકાશ થઈ જાય છે

અને બંને અજાણી બારી શોધે છે.

- રાજેન્દ્ર પટેલ

 

કબૂતર તો શાંતિનું પ્રતિક છે પણ જ્યારે રાજેન્દ્ર અંકલ કબૂતર-કાવ્યો લખે છે ત્યારે તે માત્ર શાંતિ-દૂત તરીકે સીમિત નથી રહેતું.  ક્યારેક તે મનુષ્યનાં પ્રતિક રુપે છે તો ક્યારેક મનુષ્યનાં મન રુપે, તો ક્યારેક આત્મા રુપે… !!   પહેલી રચનામાં પીંછું કબૂતર બનવા માગે છે - તે તો જાણે બારીના પડછાયા જોઈ બારીને પેલે પાર જોવા જેવું.   જોકે, તેમ કહી કવિ પામર માનવીને જ ચેતવે છે.  વળી,  બીજી રચના કબૂતરનાં અંગો કરતાં આપણાં નખ અને મોં કે આપણી અન્યની પાંખ કાપવાની વૃત્તિનું ચિત્રણ  નથી લાગતું…. ?!!   આંખ ખુલ્લી રાખી સૂતાં કબૂતરોનું ઘૂ.. ઘૂ… ઘૂ  આપણને પણ જાગૃત કરી દે છે. જો મનની બારી ખુલ્લી હશે તો આશાના દ્વાર આપણા માટે ખુલ્લાં જ છે અને દરેક રસ્તો દરવાજાની બહાર નીકળ્યા પછી જ મળે.   જલન માતરી તો કહે છે,
” હું પકડીને એની પાંખો જ કાપી લઈશ,
કોઈ ગઝલમાં કબૂતર ઉડાડી તો જુએ.”    -  જોકે, રાજેન્દ્ર અંકલ તો કબૂતરકાવ્યોનું પુસ્તક તૈયાર કરી રહ્યાં છે.  વળી, ભાગ્યેશ અંકલ તે કાવ્યો વિષે ગદ્ય નિબંધ પણ લખે છે અને પુસ્તક પ્રકાશિત થતાં જ તે અંગે આપ સૌને માહિતી આપીશ.

 

 

.

ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર

Thursday, August 6th, 2009

 

shayda gaurangthaker

 

તું કહે હા કે હવે ના એ વિષય તારો છે,
મેં તો દુનિયાને કહી દીધું ખુદા મારો છે.

ક્યાંક મંઝિલ તો મળે તોય કશું ખૂટે છે,
ત્યાં નદી દોડતી, દરિયો એ બહુ ખારો છે.

દોસ્ત વરસાદ કે ઝાકળ એ નિહાળે ક્યાંથી,
એક માણસને અહીં કેટલાં પડકારો છે.

એટલે ડાળથી પંખીને ઉડાડી મૂક્યાં,
પાનખરનો હવે આ વૃક્ષને વર્તારો છે.

તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,
ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.

- ગૌરાંગ ઠાકર

 

૧લી ઑગષ્ટ, શનિવાર, ૨૦૦૯નાં રોજ આઈ. એન. ટી. સંસ્થા દ્વારા ગૌરાંગભાઈને પ્રતિષ્ઠિત  ‘ શયદા ઍવોર્ડ ‘ અર્પણ કરવામાં આવ્યો. આ અવસરને તેમની જ એક તરોતાજા ગઝલ માણીને  ઉજવીએ !!

ચીનુકાકા(મોદી) નો એક  શેર યાદ આવે છે :  
“ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર તો કૈં જ બોલાતું નથી.”

બસ, એવું જ કંઈક …. ” તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,  ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.”  પણ, ગૌરાંગભાઈ, એક જ વર્ષમાં બે પ્રતિષ્ઠિત ઍવોર્ડ ગુજરાતી સાહિત્ય અકાદમી  અને ‘શયદા ઍવોર્ડ’  …  વળી, નવાં પુસ્તકની તૈયારીઓ પણ… !!
 

લાગે છે કે, ” એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે, ગૌરાંગને એક ગઝલકાર કરી દે.” વાળી વાત ઈશ્વરને કાને પડી ગઈ  અને તેણે પણ નજર નાખી તો લાગ્યું કે, ” ટોચ માટે પ્રયાસ લાગે છે, ખીણમાં પણ ઉજાસ લાગે છે.  “   અને તેનો મોબાઈલ રેન્જમાં આવી ગયો હોય એવું અમને પણ લાગે ત્યારે તમને ખુદા તમારો જ લાગે !!  હવાને ભલે મૂંઝારો થાય … પણ ” સિતારોંસે આગે જ્હાં ઓર ભી હૈ ! “  

 

 

.

અભિમન્યુને રાખડી : અજ્ઞાત

Wednesday, August 5th, 2009

 

rakhi

 

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે,
દીકરા દુશ્મન ડરશે દેખી તારી રાખડી રે.

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
નથી મામા શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર,
દેજે સિંહ સરીખી ફાળ, તારી કોણ લેશે સંભાળ ? – કુંતા

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, તેને જગમાં જીતે કોણ ?
કાઢી કાળ વજ્ર્નું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

સાખી : એક બે ત્રણ ચાર ને પાંચ છ ને વળી સાત,
એટલા દેવ રક્ષા કરે, દિનમાં દશ દશ વાર.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળ અંગ કુમાર, તેને ત્યાં જઈ દેજે માર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં,
તેને થાજો કુંવર સામા, તેનાં ઉતરાવજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, તેને દેખી ધ્રૂજે ધરણ,
તેને માથે આવ્યાં મરણ, તેનાં ભાંગજે તું  ચરણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, તેને રીસ ઘણેરી વ્યાપી,
તેને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ્ય, તે તો જન્મોજનમનો ખલ,
તેને ટકવા ના દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ, તે તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે રથ, તેને આવજે બાથોબાથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

સાખી : કુન્તાએ કર ઝાલી કરી, વાલી વજ્ર્ની ગાંઠ,
દાસ મગન એમ બોલિયા, ડોસીએ વાળ્યો દાટ.

શ્રી કૃષ્ણના ઉરમાં ફાળ પડી છે તે ઘડી રે – કુન્તા

ચેત્યા ચૌદ ભુવનના ભૂપ, વ્હાલે ધર્યું બ્રાહ્મણ રુપ,
રાખડી તોડાવી અનુપમ, રણમાં પડ્યા અભિમન્યુ ભૂપ.

- અજ્ઞાત ( દાસ મગન ?)

 

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો તહેવાર.  પુરાણોમાં પણ યમરાજાને તેમની બહેને તેમની રક્ષા માટે રાખડી બાંધેલી, તેવો ઉલ્લેખ છે.  પણ આ લોકગીતમાં દાદી કુન્તા પોતાનાં પુત્ર અર્જુનનાં પુત્ર અભિમન્યુને રાખડી બાંધે છે.  મહાભારતમાં, સાત કોઠામાંના છ કોઠા અભિમન્યુ વીંધીને પાંડવોને વિજય અપાવવામાં મદદરુપ થાય છે, અને તેનું માર્ગદર્શન દાદી આપે છે, તે વાતને કેટલી સુંદર રીતે લોકબોલીમાં ઢાળી છે.  મુસ્લિમ રાજા હુમાયુને રાણી કર્ણાવતીએ રક્ષા માટે બાંધેલી તે પણ એક જાણીતો અપવાદ જ છે ને !!  આજનાં શુભ દિને આપ સૌને મબલખ શુભેચ્છાઓ સહ માણીએ,  ગુજરાતી સાહિત્યનું ‘ legendary song’ .. !! 

 

 

.

આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ

Tuesday, August 4th, 2009

 

સાર મહીંથી સાર નહીં, નિ:સાર મળે છે,
નિ:સાર, સારના સાર સમો અણસાર મળે છે.

સપ્ત સૂરના સ્પંદન મધ્યે ડૂબતા ચાલ્યા,
લો, સ્પંદનની પાર હવે રણકાર મળે છે.

હવે અહીંથી બ્હાર નહીં પણ અંદર અંદર,
અંદર સઘળા સાજ અને શણગાર મળે છે.

લગન લગાવી ચાલ હવે તું ચાલ અહીંથી,
છેલ્લી છેલ્લી વાર અહીં અવતાર મળે છે.

સહજ સરકતા સમય શ્વાસને ભાર નથી કૈં,
અંતે તો આકારશૂન્ય સાકાર મળે છે !

- ધૈવત શુકલ
(૮.૯.૧૯૯૨)

 

આજની ગઝલ એટલે ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લનાં પુત્ર ધૈવત શુક્લની  અભિવ્યક્તિ .   જોકે ગઝલ જ તેનો અણસાર આપી દે છે કે પિંડ તો રાજેન્દ્ર અંકલના ઘરાનાનો જ છે.   સમગ્રતયા,  ગઝલનો સાર એ જ કે,   ઊંડાઈ જેટલી પામી શક્યાં તેટલી જ ઊંચાઈને તાગી શકશો.  અને તો જ આકારશૂન્ય સાકારને પામી શકાય.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME