Posts Tagged ‘webmehfil’

ગીત ગગનનાં ગાશું : ઉમાશંકર જોશી

Saturday, December 19th, 2009

 

અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ કૂજન સુણી, પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે.

સૂર્ય-ચંદ્ર ને દ્યો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.

પંખી માત્રને મુનિવ્રત આપો,ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નર્તનતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.

બાળક હાલરડા માંગે ને, યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે, આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.

- ઉમાશંકર જોશી

 

આજે ઉમાશંકર જોશીની પુણ્યતિથિ નિમિત્તે ગુજનેટવર્ક દ્વારા મુંબઈમાં તેમને શબ્દાંજલિ આપતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આમંત્રણપત્રિકામાં મળી શકશે.  ( ઑડિયો )

 

 

.

પ્રણયનો વિવેક : ‘શૂન્ય’ પાલનપુરી

Saturday, December 19th, 2009

 

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.

- ‘શૂન્ય’ પાલનપુરી

 

શૂન્ય પાલનપુરીનાં જન્મદિને મને ગમતી એક ગઝલ…. ! પ્રેમ દર્શાવવામાં કોઇને જીહજૂરી લાગે, પણ જે- પ્રણયમાં દર્દનો દરબાર ભરી, પ્રિયાની યાદનો રાજ્યાભિષેક કરતું હોય તે, આટલી અદબથી જ માશૂકા આગળ પેશ આવે.  – knee down and offering love… ! અને તો પ્રિયજનના હ્રદયમાં સ્થાન ન મળે ?!!

 

 

.

પત્રગીત : હરિહર જોશી

Friday, December 18th, 2009

 

priya_sanj

(  લખવું શું પહેલા સંદેશમાં…!  )

તને બેસતા શિયાળાની આથમતી સાંજ લખું, આછો અજવાસ લખું,
લખવું શું પહેલા સંદેશમાં ! અમે ઝૂરતા રે એકલ પરદેશમાં.

ટાંગેલા ફાનસની શગને કહું છું : નથી એવું કે બળતી તું એકલી,
રેબઝેબ છાતીમાં ડૂમો પેટાવી હું થથરુ છું અંધારે કેટલી ?
કદી જંપેલા દરિયાની મર્યાદા ચાતરીને આવીશું ભરતીના વેશમાં,
અમે ઝૂરતા રે એકલ પરદેશમાં.

એટલું વિશેષમાં લખીએ તને કે, બહુ સાંભરે છે ઘટના વિદાયની,
જીરવી લઈશ હજી લંબાતી રાત, નથી જીરવાતી મોસમ જુદાઈની,
પહેલું મળ્યાની વેળ ઝબકે છે દૂ…ર દૂ…ર ભીંજાતા ટહુકાની ઠેશમાં,
અમે ઝૂરતા રે એકલ પરદેશમાં.
 

- હરિહર જોશી

 

મોડે-મોડે પણ શિયાળો શરુ થયો ખરો અને બદલાતી મોસમ, નવી આશાઓ સાથે જૂનાં સ્મરણો પણ લાવે જ.  ઢળતી શિયાળાની સાંજ, પ્રિયજન સાથેનું સંભારણું લઈ આવે અને વળી, પરદેશમાં જો હોઈએ તો તો- કવિ કહે છે એમ, વિદાયની ઘટના ખૂબ સાંભરે અને મોસમની જુદાઇ કેમ જીરવાય ?

 

 

.

લખે છે : મનીષ પરમાર

Thursday, December 17th, 2009

 

કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.
 
પથ્થરોમાં કોતરાતી યાદ તારી,
દોસ્ત તારો સાદ લીલુંછમ લખે છે.
 
આ હવામાં સ્પર્શ તારો સળવળે છે,
ટેરવાં કાગળ સમું રેશમ લખે છે.
 
પત્ર તારો આવશે એવી દિશાથી,
રાત આખી કોણ આ શબનમ લખે છે ?
 
આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું,
કોણ આ દુ:ખો અમને કાયમ લખે છે ?

- મનીષ પરમાર

 

કવિ અને કલમનો નાતો જ એવો કે, મોસમ, શબનમ કે ફોરમ પણ તેનાં હ્રદય પર કંઈક અંકિત કરીને જ જાય.  અને એવી જ કોઇ પળે, કવિના ટેરવાં રેશમ જેવા કાગળ પર, કાગળ જેવું જ, દિલને સુંવાળું લાગે તેવું લખે છે…. !   પથ્થરો કોતરીને કંઇક લીલુંછમ્મ ઊગી આવે એમ જ… દિલમાં પણ કંઈક ઊગી જ આવે !!  આ જ રદીફ પર બીજી એક ગઝલ કવિ રાવલની કલમે માણવી જરુર ગમશે.

 

 

.

કે હું નથી : હરીન્દ્ર દવે

Wednesday, December 16th, 2009

 

આથી વધુ શું હોય ખુલાસો કે હું નથી,
ચાલો શરૂ કરી દો તમાશો કે હું નથી.
 
એ તો ફક્ત છે મારા વિચારો કે હું નથી,
થોડી વધારો મારી વ્યથાઓ કે હું નથી.
 
બેચેનીઓ તમારી ન જીરવી શકું હવે,
છોડો વિવેક કે મુજને જવા દો કે હું નથી.
 
થોડું ઉદાસ મન હતું એ તો હવે ગયું,
શબ્દોમાં ગોઠવો ના દિલાસો કે હું નથી.
 
આ મારી આવ-જાનો ન મહિમા કરો તમે,
કહી દો કે જઇ રહ્યો છે જનાજો કે હું નથી.
 
જે હતી મિલનની વ્યથાઓ સહી લીધી,
ચાલો હવે વિરહને સમજાવો કે હું નથી.
 
ખંખેરી નાંખો એક હતું આવરણ ગયું,
મિત્રો શરૂ કરી દો પ્રવાસો કે હું નથી.
 
સળગી જવા દો જેથી સ્વજન ઘેર જઇ શકે.
મારી ચિતાને થોડી હવા દો કે હું નથી.
 
શબ્દો તો આ હવામાં રહ્યા છે રહી જશે,
મારો અવાજ બંધ થવા દો કે હું નથી.

- હરીન્દ્ર દવે

 

 કે હું નથી – જેવી રદીફ પ્રયોજીને કવિ સ્થિતપ્રજ્ઞત્વને સુંદર રીતે ઉજાગર કરે છે !!

 

 

.

થઇ ગયો : ઉદયન ઠક્કર

Monday, December 14th, 2009

 

પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને લીલો થઇ ગયો,
તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઇ ગયો.
 
કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો,
પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.
 
પૃથ્વી તો સ્હેજે ફૂદરડી ફરતી, રમતી નીકળી,
ધીરે ધીરે, થઇ ગઇ આદત ને ચીલો થઇ ગયો.
 
પાણી પ્રગટ્યું, ત્યારે ચાંદો સોળ-સત્તરનો હશે,
જોઇને દર્પણમાં, છોગાળો છબીલો થઇ ગયો.
 
માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો.
 
સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું,
અંતે જકડી રાખનારો એક ખીલો થઇ ગયો.

- ઉદયન ઠક્કર

 

કુદરતનાં પાંચ તત્ત્વોની વાતને કવિએ અદ્ભૂત રીતે ગઝલમાં વણી લીધી છે.  પીળચટ્ટો સૂરજ, ભૂરા આકાશને અડે ત્યારે લીલી વનરાજીનો કબીલો કેવો ફૂલે ફાલે ?  અને તે વાત રંગોની ભાષામાં એટલી જ સત્ય… કારણ, પીળો અને ભૂરો મેળવીએ તો લીલો જ રંગ નીપજે !!

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME