Posts Tagged ‘webmehfil’

માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ

Friday, September 4th, 2009

 

જ્યાં જોશો ત્યાં આગળ-પાછળ, માણસ જેવો માણસ મળશે.
સપનાં વેચી રળતો અટકળ, માણસ જેવો માણસ મળશે.

હોવાની મબલખ પીડા લઇ, નીકળે ઘરથી ઘરને ખાતર,
મુઠ્ઠીમાં લઇ ચપટી અંજળ, માણસ જેવો માણસ મળશે.

રસ્તો વત્તા પગલાં વત્તા અણધાર્યા જોખમનો ફડકો,
ઉભડક શ્વાસે ઉભડક હરપળ, માણસ જેવો માણસ મળશે.

માનવતા નેવે મૂકીને, રમખાણોમાં ઉઘડે આખો,
ટાણે સાબિત થાતો વ્યંઢળ, માણસ જેવો માણસ મળશે.

ધક્કા દેતો, ધક્કે ચડતો, ધક્કા જેવું હરતો – ફરતો,
ધક્કે ધક્કે વધતો આગળ, માણસ જેવો માણસ મળશે.

લીલ પીળી કળતર વચ્ચે, પરસેવે નીતરતો લથબથ,
મરતાં મરતાં જીવતો કેવળ, માણસ જેવો માણસ મળશે.

માથે ભમતો માણસનો ભય, આંખોમાં તરવરતો કાયમ,
જાસાચિઠ્ઠીનો થઈ કાગળ, માણસ જેવો માણસ મળશે.

- ડૉ. મહેશ રાવલ

મહેશઅંકલનો પણ આજે જન્મદિન…. બસ ‘માણસ’ જેવો જ માણસ સૌ કોઈને અને તેમને પણ મળે ….  આપણા સૌ વતી જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. !!

 

 . 

પગલું : આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( અનુવાદક : રમણીક અગ્રાવત )

Thursday, September 3rd, 2009

 

albert einstein

( આલ્બર્ટ આઇન્સ્ટાઈન )

જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી

મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી

અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.

- આલ્બર્ટ આઈન્સ્ટાઈન

અનુવાદક : રમણીક અગ્રાવત

* * * * *

Birth is a beginning
And death is a destination.
And life is a journey

from childhood to maturity.
And youth to age;

From innocence to knowing;
From foolishness to discretion
and then, perhaps, to wisdom;
From weakness to strength
Or strength to weakness –
and often back again;
From health to sickness
and back, we pray, to health again;
From offence to forgiveness,
From loneliness to love,
From joy to gratitude,
From pain to compassion,
And grief to understanding -
From fear to faith;
And from defeat to defeat to defeat -

Until, looking backward or ahead,
We see that victory lies
Not at some high place along the way,
But in having made the journey, stage by stage,
a sacred pilgrimage.

Birth is a beginning.
And death a destination.
And life is a journey,
A sacred pilgrimage
to life everlasting.

- Albert Einstein

 

 જિંદગી એક યાત્રા છે…. જન્મથી મૃત્યુ સુધીની…. પણ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનની જિંદગીનો સિદ્ધાંત કંઈક અલગ જ હોય.  જિંદગીની સફળતા આપણી સાથે, આપણાં દરેક પગલે-પગલે સમાંતર જ હોય એ ફિલસૂફીને વૈજ્ઞાનિક પ્રયોગોમાં સફળતા ન મળે ?!! કદાચ આ ફિલસૂફીએ જ તેમને વૈજ્ઞાનિક બનાવ્યાં કે વિજ્ઞાને તેમને જિંદગીની આ ફિલસૂફી સમજાવી !! 
In leaves no step had trodden black.
Oh ! I marked the first for another day ! -  Albert Einstein    આજનું આ પ્રથમ પગલું આવતીકાલની સફળતા માટે છે. અને આથી જ, સફળતા કે વિજય તે કોઈ ઉચ્ચાસને બિરાજમાન નથી. પણ પગલે પગલે કંડારાતી પુનિત યાત્રામાં જ રહેલ છે. આવતીકાલની સફળતા માટે…. !! 

તેમનાં જીવન વિષે અને તેમનાં હસ્તાક્ષરમાં તેમની કૃતિઓ http://www.alberteinstein.info/ પર  માણી શકશો.

 

 

.

સદીનું પ્રતિબિંબ : રમેશ પારેખ

Wednesday, September 2nd, 2009

 

સદીનું પ્રતિબિંબ ક્ષણમાં હશે,
ક્યો થાક મારા ચરણમાં હશે ?

ઠરી જાય છે કલ્પનાની નદી,
કયો ભેદ વાતાવરણમાં હશે ?

વિહંગ છેતરાતું પ્રતિબિંબથી,
ગગન જાણે નીચે ઝરણમાં હશે !

નગરમાં ય સામાં મળે ઝાંઝવાં,
અહીં એ કઈ વેતરણમાં હશે ?

ન જીવનમાં કારણ મળ્યાં સ્વપ્નનાં,
તો એનાં રહસ્યો મરણમાં હશે ?

નગર જેને સદીઓથી શોધી રહ્યું,
એ કલશોર કોના સ્મરણમાં હશે ?

- રમેશ પારેખ

 

ગીતો એટલે ર.પા. અને ર.પા. એટલે ગીતો……  પણ તેમની ગઝલમાંથી જેમ પસાર  થઈએ,  એમ જ લાગે કે, કા….શ હજુ વધુ ગઝલ લખી હોત તો ??!   આ ગઝલ વાંચીને તમને પણ એવું જ લાગે છે ને ?!!

 

 

.

વાસ્તવિકતા : પ્રીતમ લખલાણી

Tuesday, September 1st, 2009

 

flower & butterfly

 

સવારે

ફલાવર વાઝમાં

મલપતાં ફૂલો જોઇને ઉત્સાહમાં

મેં

બારીના પડદા ખોલ્યાં તો –

ડાળે કાંટાને વળગી એક પંતગિયું

ધ્રૂસકે ધ્રૂસકે રડતું હતું.

-પ્રીતમ લખલાણી

 

રોજ સવારે બેઠકરુમ સજાવવા,  ફલાવરવાઝમાં તાજાં ફૂલો ગોઠવી, બેઠકરુમની બારી રોજ જ ખોલીએ. પણ, અંતરની બારીનો પડદો તો ક્યારેય ખોલ્યો જ નથી.   નહીં તો કાંટાને વળગીને,  ધ્રૂસકે ધ્રૂસકે રડતું પતંગિયું આપણે પણ જોઈ શકતને… !!  આજે, પ્રીતમ લખલાણીનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ. 

 

 

.

આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ

Tuesday, September 1st, 2009

 

એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,
સબદ સાંસ સંગત બડી, સાધ સકે તો સાધ.

જે કંઈ લીધું શ્વાસમાં, ધરી દીધું નિરબાધ,
મૂળગું તે અકબંધ આ, નહીં નફો, નહીં ખાધ.

નિરખ નિરખ નેણાં ઠરે, હલે ચલે અબ કોણ,
આજુબાજુ ઊછળે, ઝળહળ જોત અગાધ.

કોણ જનમરો તપ ફળ્યો, કોણ જનમરો જાપ,
આપ પ્રકાશ્યો આપલગ, આપ ચગ્યો આરાધ.

આપે તોરણ બાંધિયો, આપ ઉઘાર્યો દ્વાર,
આપે ચાલી આવિયો, આપ કટ્યો અપરાધ.

- રાજેન્દ્ર શુક્લ

” એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,
તુલસી સોબત સંતકી, કટે કોટિ અપરાધ. ”

એક ઘડી એટલે કે ચોવીસ મિનિટ, આધી ઘડી બાર મિનિટ અને પુનિ એટલે કે છ મિનિટ …. પણ જો સંતનો સત્સંગ કરીએ તો કરોડ પાપનો નાશ થઈ જાય.  આ વર્ષનો વલી ઍવોર્ડ રાજેન્દ્રઅંકલને અર્પણ કરવામાં આવ્યો છે. વૅબમહેફિલ અને તેનાં સૌ વાચકો તરફથી રાજેન્દ્ર અંકલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માણીએ તેમની મારી ગમતી ગઝલ.

 

 

.

નાવિક વળતો બોલિયો : ભાલણ

Thursday, August 27th, 2009

 

rama 

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ,
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર,
અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક,
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર,
બે મળીને શું જમે ? શી કરું ત્યાં પેર ?

હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણે સ્ત્રી થાય,
તે માટે ગંગાજલ લેઈને પખાલો હરિ પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણશર્ણ,
નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા ત્યાં ચર્ણ.

- ભાલણ

 

વાલ્મિકી સાથે વિહાર કરતાં રામ ગંગાનાં કિનારે આવી ઊભા છે.  ગંગાતટે  ઊભેલો નાવિક રામને ઈશ્વરરુપે ઓળખી જાય છે અને પ્રભુનાં પાદ-પ્રક્ષાલનની ઈચ્છા ધરાવે છે.   રામનાં પાદસ્પર્શે શાપિત અહલ્યા પથ્થરમાંથી  સ્ત્રીરુપ ધારણ કરે છે. તે વાતનો ઉલ્લેખ કરી, નાવ પણ સ્ત્રી ના બની જાય એટલે તેમનાં પગ  ધોવાની વાત કરી, નાવિક રામનાં પગ પખાળવાની ઈચ્છા પૂરી કરે છે.

ગુજરાતી સાહિત્યના પ્રારંભિક કાળમાં,  મુખ્યત્વે ઈશ્વર કે પૌરાણિક દંતકથાઓ વિષયવસ્તુ રુપે અગ્રીમસ્થાને જોવા મળે છે. વાલ્મિકી કૃત રામાયણમાં આ ઘટનાનો ઉલ્લેખ નથી, પણ તુલસીદાસ કૃત ‘ રામચરિતમાનસ’ માં આ વાતનો ઉલ્લેખ છે.  જેના આધારે આ પદની રચના થઈ હશે.  આ જ વિષયવસ્તુને આધારે દુલા ભાયા કાગની પણ એક રચના  છે.  પગ મુને ધોવા દ્યો ને રઘુરાય….. ! 

 

શબ્દાર્થ :  રેણુ – રજ, શર્ણ – શરણ, ચર્ણ – ચરણ, પેર – રીત, (અહીં તજવીજ)

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME