Posts Tagged ‘world book day’

પુસ્તકોની છાજલી : રમેશ પારેખ

Thursday, April 23rd, 2009

 

છાજલી પર પુસ્તકો
અ થી જ્ઞ સુધીનાં………
દુનિયાના નકશા જેવો
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં.

‘છાજલી પર પુસ્તકો‘ – એમ કહું કહું ત્યાં
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે : ‘ આ તો ફરિશ્તાઓની વસ્તી છે ! ’
ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે…

અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે
-એમ બબડતું કોઈ પુસ્તક.
મારા બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ.
- એવું જાહેર કરે કોઈ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :
‘ અલ્યા અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
ગીત – ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
ગીત – ખૂણે બેસી આંસુ પાડતી નવવિધવાનાં,
ગીત – યુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,
ગીત – ભૂખથી વલવલતાં શિશુઓનાં,
ગીત – હોસ્પિટલોમાં કણસતા રુગ્ણોનાં,
ગીત – માનવ્યનાં,
ગીત – માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં,
ગીત – નિ:શ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં.’

‘અહીં ફિલસૂફોએ ઉકેલી નાંખ્યો છે
કાળનો કોયડો….’ એમ ધીમેશથી કહે કોઈ જર્જરિત ચોપડી.

‘આ બધા ગ્રંથો છે સમાજની યાદદાસ્ત’
- એમ કહી ટપ્પ્ કરતું નીચે પડે કોઈ પુસ્તક.

મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
અહીં અક્ષર છે, ધર્મ -
જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ.
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે
કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઈને છૂરો.
અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી
તો બકરી યે કરે નહિં બેં,
એવું રામરાજ્ય છે !
અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.
અહીંથી જ ઊગે છે સૂર્ય
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ…….

 ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
ડોકિયું કરી પૂછે: ‘ તું કોણ ? ’
તો  હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન ! ’

મીરાં, કબીર, તુલસી, નાનક
પૂછે તારું કયું થાનક.
જ્યાં તું ટેકવે તારું મસ્તક,
ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ?
તો હું ચીંધું મારાં પુસ્તકની છાજલી…..

 ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ચીંધે દિશા,
પુસ્તકમાં જાય – આવે મારા વિચાર લિસ્સા !

મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા
ગોપી બનીને રાસ રમે
મારું અંતર એમાં ફેરફુદરડી ભમે…

ધર્મનો ધ
બે પૂઠાં વચ્ચેથી નીકળીને
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો…

તો ઉપદેશકો, હોશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર,
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર…

તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને ન અભડાવે
બિભત્સતા મારા ખંડનાં બારણાં ન અભડાવે
તો બસ.

આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગ્યા છે -
મારાં પુસ્તકોની છાજલી.
મારો અભ્યાસખંડ તીર્થ છે, મારા માંહ્યલાનું,
તમે આવો તો તમારું ય !

-  રમેશ પારેખ
( ૧૮.૧૦.૧૯૮૯)

 

મનોજ ખંડેરિયા કહે છે, ” રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખાં, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા” - તો જેને શબ્દો વરેલાં છે તેવાં રમેશ પારેખને કોઈ ધર્મની ‘ કંઠીકંઠા’ નથી જોઈતા તેઓ તો શબ્દનું જ ટીલું કરે છે ને પુસ્તકોની છાજલી જ તેમના માટે ચારધામની જાતરા છે.  આજે વિશ્વપુસ્તકદિન નિમિત્તે ર.પા.ની આ દીર્ઘ રચનામાંથી થોડી થોડી  પંક્તિઓ મૂકી છે. ૨૩ એપ્રિલ, ૧૫૬૪નાં રોજ વિલિયમ શેક્સપિયરનો જન્મ થયેલો અને તે મહાન સાહિત્યકારનાં જન્મદિનને વિશ્વપુસ્તકદિન તરીકે મનાવવામાં આવે છે.  કવિ ઉશનસે પણ કિતાબોમાં ગઝલમાં પુસ્તકમહિમાનું સુંદર રીતે વર્ણન કર્યું છે. વિશ્વ પુસ્તક દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત પ્રકાશક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમની વધુ માહિતી આપને મહેફિલ-એ-ખાસમાં મળી શકશે.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME