ન-કશાનું નગર : નિરંજન ભગત
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યપ્રકાર, અમદાવાદ, સાહિત્યકાર, નિરંજન ભગત | Comments (0)
.

( a painting by Dutch traveller Phillipus Baldaeus during 17th century )
.
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા,
કોઈને ખબર નથી
એનાં ઈંટ, માટી ને પથ્થર ક્યાંથી આવી રહ્યાં,
એ તો જો કે એમને પણ ખબર નથી.
કે તેઓ એ બધું ક્યાંથી લાવી રહ્યા.
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.
કોઈને ખબર નથી.
કે શાથી એ રાતે વણીને દ્હાડે ઉકેલી રહ્યો.
પણ એને શું ખબર નથી.
કે છાનોમાનો એ શું સંકેલી રહ્યો ?
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.
વર્ષોથી તેઓ એક નગર ખચખચી રહ્યા.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો બણબણી રહ્યો.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો ગણગણી રહ્યો.
વર્ષોથી તેઓ એક નગર કચકચી રહ્યા.
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે નથી નકશાનું નગર,
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે તો છે ન-કશાનું નગર.
- નિરંજન ભગત
.
નગર એટલે ઈંટ, માટી ને પથ્થર માત્ર ? નકશામાં દેખાતું નગર – અમદાવાદને સત્તરમી સદીમાં કોઇ ડચ મુસાફરે રંગોમાં ઉતાર્યું છે. પણ એ સિવાય પણ, ન-કશાનું નગરમાં કશુંક તો છે.
.
.
.
.
Pinki @ February 28, 2011
આ નગર – અમદાવાદ : ‘અઝીઝ’ ટંકારવી
Posted in: સાહિત્યકાર, અઝીઝ' ટંકારવી, સાહિત્યપ્રકાર, અમદાવાદ, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (1)
.

( ભદ્રના સંભારણાંનું આ નગર )
.

( ભદ્ર ચોક હાલમાં )
.
શ્વાન સસલાની કથાનું આ નગર,
ચાર અહમદની તથાનું આ નગર.
સંત એક વસ્યો હતો સાબર તટે,
દેશના એ નાખુદાનું આ નગર.
ઝૂલતા મિનારની ફરતે અહીં,
બંધ મિલોની વ્યથાનું આ નગર.
શહેર વચ્ચે શોભતી એ આજ તક,
સઈદ સીદીની કળાનું આ નગર.
ચોક એ માણેકના નામે હજી,
કોટનું ને કાંગરાનું આ નગર.
વાવ દદ્દાની અતીત સાક્ષી સમી,
ભદ્રના સંભારણાંનું આ નગર.
છે દફન સંતો-ફકીરો ઔલિયા,
પ્રાર્થનાઓ ને દુઆનું આ નગર.
ચાલ કાંકરિયા ફરીને આવશું,
સાંજ ત્યાં ભેગા થવાનું આ નગર.
પ્રેમથી તું પણ રહે હું પણ રહું,
તો બને કેવું મજાનું આ નગર.
છે અડીખમ કાળના ખપ્પર મહીં,
રે અઝીઝ રૂડું બધાનું આ નગર.
- ‘અઝીઝ’ ટંકારવી
.
.
શ્વાન અને સસલાની કથાનું આ નગર, અન્ય કથાઓ પણ એટલી જ રસપ્રદ ધરાવે છે. ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, માણેકચોક કે દાદા હરિની વાવ ….. છસો વર્ષ પછી હજી પણ બધુંયે અડીખમ છે ! કારણ, પ્રાર્થનાઓ અને દુઆનું આ નગર… !
.
.
.
.
Pinki @ February 27, 2011
અમદાવાદ : એસ. એસ. રાહી
Posted in: સાહિત્યપ્રકાર, અમદાવાદ, સાહિત્યકાર, એસ.એસ.રાહી, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (1)
.

.
ખાલી કૂવામાંથી મીઠું પાણી ભરતું અમદાવાદ,
ચૈતરના બપોરે પરસેવામાં તરતું અમદાવાદ.
એહમદશાહના જરીપુરાણા ફોટાની સંગાથે,
કેલેન્ડરના ડટ્ટામાંથી ટપટપ ખરતું અમદાવાદ.
સાંજ પડે ને માણેકચોક ને લૉ-ગાર્ડનના રસ્તે,
તીખી તીખી જીભ લઈ ત્યાં સરતું અમદાવાદ.
હઠીસીંઘના દહેરાઓમાં લટાર મારી આવી,
સીદી સૈયદની જાળીઓમાં આવી ઠરતું અમદાવાદ.
નેહરુ પુલની નીચે જો ચોમાસું આવી પેઠું ,
રંગબેરંગી છત્રી પર જો મરતું અમદાવાદ.
શાહપુર પાસે આવો તો રબડી ચા હું પિવડાવું,
બાપુની જૂની કીટલીમાં આખું ફરતું અમદાવાદ.
ઘંટનાદ ને અઝાનના એ મિશ્ર તાલની વચ્ચે,
લોકો વચ્ચેના અંતરને ટૂંકા કરતું અમદાવાદ.
- ડૉ. એસ. એસ. રાહી
.
.
અહેમદશાહનું અમદાવાદ આજે છસો વર્ષ પૂરા કરી રહ્યું છે. ગયા વર્ષે, છસો વર્ષની ઉજવણીનો પ્રારંભ થયો ત્યારે અમદાવાદ વિષયક કાવ્યો, ગીત, ગઝલો માણેલાં. વળી, આજથી અમદાવાદનાં ગીત, ગઝલ અને કાવ્ય માણતાં અમદાવાદને Happy Birthday wish કરીશું ?!!
.
.
.
.
Pinki @ February 26, 2011
ગઝલો વાંચજો : વિવેક ટેલર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, વિવેક ટેલર | Comments (5)
.
.
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
- વિવેક ટેલર
(૦૫.૦૪.૨૦૦૮)
.
.
શબ્દોની ઇંટો થકી ગઝલોનું મકાન બાંધતાં બાંધતાં શબ્દો શ્વાસ જ બની જાય. અને પછી તો એ શબ્દો કોઇ ચાર ધામની જાતરાથી કમ ન હોઇ શકે. આજે વિવેકભાઇના પ્રથમ ગીત અને ગઝલ સંગ્રહોનું વિમોચન છે તે શુભ અવસરે તેમને હાર્દિક શુભેચ્છાઓ. અને આપ સૌને પણ તેમનાં ગીતો - ગઝલો વાંચવાનું આમંત્રણ… “ જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય, મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.”
.
.
.
.
Pinki @ February 23, 2011
ઓગળતા રહ્યા : ભાગ્યેશ જ્હા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ભાગ્યેશ જ્હા | Comments (3)
.
.
ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા,
આપણે માધ્યમ વિના મળતા રહ્યા.
પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર,
એટલે પાછા પવન વળતા રહ્યા.
આમ તો મળવાનું પણ ક્યાંથી બને,
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા.
સાવ આ તો શ્વાસ જેવું લાગે છે,
એટલે આ જીવમાં ભળતા રહ્યા.
- ભાગ્યેશ જ્હા
.
.
ભાગ્યેશ અંકલનાં જન્મદિને, ( ૧૮મી ફેબ્રુઆરીએ ) ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવી, પણ નાદુરસ્ત તબિયતને કારણે વૅબમહેફિલ પર પોસ્ટ મૂકી શકાઇ ન હતી. તો આજે belated birthday wishes… આપણાં સૌ તરફથી. ઈશ્વર આપને, તંદુરસ્ત દીર્ઘાયુ બક્ષે જેથી સરળ, સાલસ અને નિખાલસ ‘માણસ’ ની ખોટ જગમાં ન રહે.
.
.
.
.
Pinki @ February 22, 2011
સૂરજમુખી : મનોજ ખંડેરિયા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મનોજ ખંડેરિયા, સાહિત્યપ્રકાર, વસંત | Comments (4)
.
.
સૂર્યને પીધા કરે સૂરજમુખી,
ઘૂંટ કિરણોના ભરે સૂરજમુખી.
પાથરીને પાંખડીઓ મખમલી,
તેજનું સ્વાગત કરે સૂરજમુખી.
ઝંખના તારા તરફ ફરતી રહે,
આંસુઓમાં તરવરે સૂરજમુખી.
‘ઓ તિમિરના પર્વતો, થોડા ખસો,’
રાત આખી કરગરે સૂરજમુખી.
પાંખડીનો ધોધ સોનેરી વહે,
કાળને ભીંજ્યા કરે સૂરજમુખી.
આ ઉદાસી મારી જૂઈ-ફૂલ શી,
આ વ્યથા જાણે અરે, સૂરજમુખી.
- મનોજ ખંડેરિયા
.
.
વાત વસંતની હોય ત્યારે ફૂલોને બાકાત કેમ રખાય ? ફૂલો જ તો વસંતનો ખરો વૈભવ ! તો માણીએ ફૂલોની વાત ?!
.
.
.
.
Pinki @ February 15, 2011


