Headlines

વાસંતી વધામણાં : જંગલ : અમિત વ્યાસ

વાસંતી વધામણાં : વસંત આવ્યો તો છે : અજ્ઞાત (અનુ.શકુન્તલા મહેતા)

વાસંતી વધામણાં : ‘આવું ?’ : નલિન રાવળ

ગઝલ : જવાહર બક્ષી

વાસંતી વધામણાં : જંગલ : અમિત વ્યાસ

Posted in: સાહિત્યકાર, અમિત વ્યાસ, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, વસંત | Comments (2)

 

ખીણ, પહાડો, રસ્તા ઉપર
મોસમ પહેરી નાચે જંગલ

ડાળીની કૂંપળ જેવું કંઈ;
ઝીણું – ઝીણું વાંચે જંગલ !

વૃક્ષોની ઘનઘોર ઘટામાં;
પંખીઓની ચાંચે જંગલ !

ફ્રેમ કરેલા ફોટામાંથી ;
ઉછળી નીકળે, ભાગે જંગલ !

ખિસ્સામાંથી પર્ણો નીકળ્યાં;
ને ચશ્માનાં કાચે જંગલ !

- અમિત વ્યાસ

 

ફોટાની ફ્રેમમાં જડિત જંગલ પણ મોસમ પહેરીને નાચી ઊઠે તેવી સુંદર ગઝલ ……..!! જો કે જંગલ રદ્દીફ જ અવનવો છે ને તેનાં વિધવિધ રૂપ કવિ અલગ અલગ શેરમાં કહે છે , પણ અંતિમ શેરમાં ખિસ્સા અને ચશ્માનાં કાચને મનુષ્યનાં પ્રતિક તરીકે દર્શાવી કેવી ધારી ચોટ ઉપસાવી છે ?

 

 .

Pinki @ January 21, 2009

વાસંતી વધામણાં : વસંત આવ્યો તો છે : અજ્ઞાત (અનુ.શકુન્તલા મહેતા)

Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યપ્રકાર, વસંત, સાહિત્યકાર, શકુન્તલા મહેતા | Comments (1)

 

 

ઋતુરાજ વસંત આવ્યો તો છે

પણ બહુ ધીમે દબાયેલા પગલે

આ શહેરમાં

આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે

તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ

પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર

કેટલીક સૂકી નામહીન વેલ

જેમને તે ભૂલ્યો નહિ

બધી એકાએક એક જ લહેરમાં

હરીભરી ઝૂમી ઊઠી

સ્વયંવરા વધૂઓ શી !

વર તો નીરવ રહ્યો

વધૂઓની સખીઓ

ગાઈ ઊઠી.

- અજ્ઞાત
અનુવાદક : શકુન્તલા મહેતા

 

ગઈકાલે હળવેકથી કાનમાં આવી વસંત પૂછી ગઈ કે, આવું ? – પણ ગગનચુંબી ઈમારતોની વચ્ચે ડોકાતી વૃક્ષની ડાળીઓ કે બાલ્કનીમાં પવન ખાતાં કૂંડાંઓમાં પાંગરેલ વસંતનો પરિચય આપણને આપણી વ્યસ્ત જિંદગીને કારણે રહ્યો જ નથી. હા…. ક્યારેક દુઃખી મન તળાવનાં કિનારે પહોંચી હળવું થવા પ્રયત્ન કરે છે પણ તે ઘાટ તો તેનાં પથ્થરો જેવો જ  કઠોર છે, કદા….ચ આપણાં દુઃખને તે પણ આશ્વાસન નથી આપી શકતો. પણ ત્યાં જ સૂકાઈ ગયેલી – જેનું નામ પણ આપણને ખબર નથી તેવી વેલોને સુદ્ધાં વસંત નથી ભૂલી.  અને એ જ તો તેની ખૂબી છે વસંત તો એ સૂકાયેલી વેલને પણ સ્પર્શી છે અને આપણને …….??

 

 

.

Pinki @ January 20, 2009

વાસંતી વધામણાં : ‘આવું ?’ : નલિન રાવળ

Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, નલિન રાવળ, સાહિત્યપ્રકાર, વસંત | Comments (1)

 

નવા નાજુક ખીલ્યાં

ફૂલના ઝાકળભર્યાં આવાસમાં વાસો રહી,
આંબે ભરી ઝૂલી રહેલા મ્હોરના વાઘા સજી,

રળિયામણી વ્હેલી પરોઢે

આજ

આ દક્ષિણ હવા પર હેતથી પગલી ધરી,

મલકાઈને કેવું

વસંતે કાનમાં આવી કહ્યું : ‘આવું ?’

-  નલિન રાવળ

૧૭મી જાન્યુઆરીએ વસંતપંચમી કૅલેન્ડર પર લટકતી જોઈ … ને મન જરા વાસંતી લાગણીઓથી તરબતર થઈ ગયું, મને પણ વસંત કાનમાં આવી પૂછી ગઈ – કહી ગઈ ‘આવું ?’
મિત્રો, જિંદગીમાં રોજ આવતી પાનખર પછી ટહુકા કરતી વસંતને આપણે વધાવી નથી શકતા. તો ચાલો, વધાવી લઈએ જિંદગીની વસંતને અને ડાળ પર ફૂટતી કૂંપળની જેમ તરોતાજા બની જઈએ. આ આખુંય સપ્તાહ વૅબમહેફિલ તરફથી આપ સૌને વાસંતી વધામણાં……..!!

 

 

Pinki @ January 19, 2009

ગઝલ : જવાહર બક્ષી

Posted in: સાહિત્યકાર, જવાહર બક્ષી | Comments (3)

 

બહાનાં કદાચ જોઈ શકાશે ઉજાસમાં
કારણ તો કાંઈ મળશે નહી ગર્ભવાસમાં

કોઇ સુવાસ લાવો ઉતારી દો શ્વાસમાં
ડંખી ગયું છે કોઈ પરિચિત સુવાસમાં

બસ આટલો જ તારા ન હોવાનો ફર્ક છે
હું એકલો જ જાઉં છું એકાંતવાસમાં

ઘરમાં ય નીંગળું તો છું પણ આટલો નહીં
શું થાય છે આ તારા સ્મરણને પ્રવાસમાં ?

હું તારી ગેરહાજરી જેવો સફેદ છું
સારું થયું કે હું નથી રહેતો ઉજાસમાં

એકાંત મારા શ્વાસમાં ઊગી શક્યું નહીં
લાગ્યા કરી છે કોઈ નજર આસપાસમાં

તારી પછેડી ઓઢીને ચોરી ગયો ગઝલ
છટક્યો છું છંદમાંથી ન પકડાયો પ્રાસમાં

- જવાહર બક્ષી

પ્રિયજનની ગેરહાજરી કવિને કેવી ડંખી છે કે બોલી ઊઠે છે, તારા ન હોવાથી મારે એકાંતવાસમાં એકલાં જવું પડે છે ?!!  તો તારી ગેરહાજરી જેવો સફેદ છું …… !!

 

.

Pinki @ January 16, 2009

મજાનું એક સપનું : બરકત વિરાણી ‘બેફામ’

Posted in: સાહિત્યપ્રકાર, નઝમ, સાહિત્યકાર, બરકત વિરાણી 'બેફામ' | Comments (2)

.

“કે…..મ ? રસ્તા પર દોડીને પતંગ પકડે છે ? તારા ઘરમાં પતંગ નથી ? જા ઘરે જતો રહે અને પતંગ ચગાવ …. O….K…..!!” મારો દીકરો એની જ ઉંમરના એક બીજા બાળકને સ્હેજ ઠપકા અને સ્હેજ મીઠા ગુસ્સાથી કહી રહ્યો હતો. કારણ એને હજુ ખબર નથી પડતી કે એ બાળકને જિંદગીના ‘દોર’ને ટકાવી રાખવા પતંગ ચગાવવાને બદલે કપાયેલા પતંગ પકડી વેચવા પડે છે.
એને એનું પોતાનું એક આકાશ છે અને એ આકાશપિંજરની બહાર એનો પતંગ નથી પહોંચવાનો.

હા… નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે સ્કૂલમાંથી પણ ચર્ચ વિઝિટ કરવા ગયેલાં અને અમે પણ એને અમારી રીતે સમજાવવા પ્રયત્ન કરેલો કે નાતાલ કેમ અને કેવી રીતે ઉજવાય ? અને ત્યારે સામે જ ફૂટપાથ પર તેની ઉંમરનાં જ બાળપુષ્પો બાળમજૂરીના કાયદાની ઐસીતૈસી કરીને સૅન્ટાક્લોઝ બની ટોપીઓ અને બીજું ઘણું બધું વેચી ન્યુ યર સેલીબ્રેશન કરતાં’તાં…. !!

બેફામ સા’બની એક નઝમ ફૂટપાથ પરના આવા જ કોઈ માનવી માટે ‘મજાનું એક સપનું’ લઈને આવે છે.

કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી,
સુતો’તો ચેનથી નિશ્ચિંત પથ્થરની પથારીમાં,

મજાનું એક સપનું એના અંતર-ઓરડામાં જઈ,
વિહરતું’તું પ્રવેશીને નયનની બંધ બારીમાં.

મજાનું સ્વપ્ન એ, એ માનવીની આંખમાં ઉઘડ્યું,
સુશોભિત, ભવ્ય સુંદર ને મનોહર એક મહાલય થઈ;

મહાલયના બગીચાનાં મહકતાં ફૂલની વચ્ચે,
એ ફરતો’તો બધીયે મુશ્કિલોથી સાવ નિર્ભય થઈ.

મહાલયનો હતો પોતે જ માલિક, એટલા ભાને-
સમજતો’તો કે ધરતી પર મળ્યું છે નાનું રાજ એને;

એ જોતો’તો કે આવી જોઈ પોતાની શ્રીમંતાઈ,
સલામી આપવાને આવતો આખો સમાજ એને.

મગર ત્યાં તો અમાસી રાતના જલતા દીવા જેવા,
સિતારાને ઉષાની ઓઢણીની ફૂંક લાગી ગઈ;

ભટકતા કોઈ એકલ ને નિરાશ્રિત માનવી જેવો,
સળગતો સૂર્ય જાગ્યો સ્વપ્નશીલ આંખોય જાગી ગઈ.

અને એ મુફલિસે જોયું-હતી ફૂટપાથ એની એ,
થયું એને જગતમાં સત્ય છે એક જ જીવન મારૂં;

અને આ મહેલવાળાં માનવી જેને જીવન સમજી,
વીતાવે છે સદાયે, એ તો છે ખાલી સ્વપન મારૂં.

- બરકત વિરાણી ‘બેફામ’

* જોડણી પુસ્તક મુજબ લખવામાં આવેલ છે.

.

Pinki @ January 15, 2009

પતંગનું કાવ્ય : દામોદર ખુશાલદાસ બોટાદકર

Posted in: સાહિત્યપ્રકાર, કાવ્ય, સાહિત્યકાર, દામોદર ખુશાલદાસ બોટાદકર | Comments (1)

    india_kites
    કંઈક કરતાં તૂટે, તૂટો હવે દ્રઢ દોર આ !
    હૃદય સહસા છૂટે, છૂટો કુસંગતિથી અહા !

    પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે !
    તન ભટકતાં સિંધુ કેરા ભલે હૃદયે ભળે !

    ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે,
    ગિરિકુહુરની ઊંડી ઊંડી શિલા પર છો પડે.

    મૃદુલ ઉરમાં ચીરા ઊંડાં ભલે પળમાં પડે,
    જીવન સઘળું ને એ રીતે સમાપ્ત ભલે બને,

    પણ અધમ આ વૃતિ કેરો વિનાશ અહા થશે,
    પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે;

    રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે,
    ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.

    - દામોદર ખુશાલદાસ બોટાદકર

મિત્રો, આ ગીત પતંગને ઉદ્દેશીને જ લખાયું છે જો કે આઝાદીની ચળવળ સાથે જોડી દઈ કવિએ તે સમયનાં પ્રવાહ મુજબ ગાંધીવિચારને આ ગીતમાં વણી લીધાં છે. જો કે અધ્યાત્મ રીતે પણ જગતનાં દોરથી છૂટવાની મજા કંઈક ઓર જ હોય અને તો જ તો પતંગની જેમ આત્મા મુક્ત ગગનવિહાર કરી શકે. પતંગ સાથે ટુક્કલ પણ ચગાવીશું આજે વૅબમહેફિલ પર કારણ નરસિંહરાવ દિવેટીયાની પુણ્યતિથિએ પ્રેમળ જ્યોતિ ‘Lead kindly light’ સાથે ….. !!!

.

.

Pinki @ January 14, 2009

This text will be replaced by the flash music player.
Powered By Indic IME