અટકચાળો જીવો : દલપતરામ
Posted in: સાહિત્યકાર, દલપતરામ, સાહિત્યપ્રકાર, બાળગીત | Comments (4)
.
.
એક અડપલો છોકરો, જીવો જેનું નામ,
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.
કાગળ કાં લેખણ છરી જે જે વસ્તુ જોય,
ઝાલે ઝૂમી ઝડપથી, હીરા જેવી હોય.
ના ના કહી માને નહિ; કહ્યું ન ધરે કાન,
એને પણ દિન એકમાં સર્વ વળી ગઇ સાન.
ડોસા ચશ્મા, ડાબલી; મેલી ચડિયા માળ,
અતિ આનંદે અડપલે, લઈ બેઠો તત્કાળ.
ચશ્મા નાક ચડાવિયાં ખાડાળા જે ખૂબ;
ડાબલી લીધી દેખવા ધારીને પગ ધૂબ.
ઢીલું ન હતું ઢાંકણું, જબરું કીધું જોર;
ઊઘડતાં તે ઊછળ્યું, કીધો શોરબકોર.
આખા મોં પર પડી તેમાંથી તપખીર;
ફાંફાં મારે ફાંકડો, ધારી ન શક્યો ધીર.
ચશ્મા નાંખ્યાં ચોકમાં, છીં છીં છીંકો ખાય,
થાક્યો તે થૂ થૂ કરી, જીવો રોતો જાય.
ચોળે ત્યાં તો ચોગણો આંખે અંધો થાય,
ડોસો દીઠો દીકરો; ચશ્મા ન ચૂરાય.
ડોસે ડારો દઈ કહ્યું; ‘હસવું ને થઈ હાણ’
લાડકડા, એ લાગનો, જીવા, છે તું જાણ.
ચશ્મા તો વસમા થયા, ડબીએ વાળ્યો ડાટ,
જીવે ફરીને જીવતાં, ઘડ્યો ન એવો ઘાટ.
- દલપતરામ
.
.
ઉત્તરાયણ તો ગઈ, પણ અગાશીએ જઇ, બે-પાંચ પતંગો જોયાં હશે તો પણ, બાળપણની એ ચંચળતા ક્યાંક તો અડપલું કરી ગઈ હશે. અને, પેલી ઉદાસીજી તો ક્યાંય ભાગી ગઈ હશે. જોકે, અમદાવાદમાં તો, અવિનાશીજીનાં ઠાગાં-ઠૈયાં ઓછાં હતાં એટલે, પતંગ ચગાવવાની પણ મજા આવી ગઈ. કવિ દલપતરામનું આ બાળગીત માણી એ ચંચળતાને થોડી બરકરાર રાખીએ !
.
.
શબ્દાર્થ : ઝાલે – પકડે, ઠામ- જગ્યા, ડારો – ઠપકો, તપખીર – છીંકણી, હાણ – હાનિ, નુકશાન.
.
.
Pinki @ January 17, 2011
પતંગ – ગીત : ભગવતીકુમાર શર્મા
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ભગવતીકુમાર શર્મા | Comments (5)
.

.
પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી ;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી !
પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી ;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયાં, ઠૂમકા, ઝૂમખા હૂંકારે અવિનાશીજી.
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી ;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી !
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી.
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી ;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી !
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!
- ભગવતીકુમાર શર્મા
.
આપ સૌ વાચકોને મકરસંક્રાતિની નભઊંચેરી શુભેચ્છાઓ ! અવિનાશીજી ભલે ઠાગાઠૈયાં, ઠૂમકા અને નખરાં કરે, પણ દોર તેના જ હાથમાં સોંપી દઈએ, અને આપણો પતંગ પણ આભની ઊંચાઈને સ્પર્શી શકે.
.
.
.
.
Pinki @ January 14, 2011
અય ખુશમિજાજ : ધૈવત શુક્લ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ધૈવત શુકલ, સાહિત્યકાર, રાજેન્દ્ર શુક્લ | Comments (8)
.
.
( જાજવલ્ય શુક્લ – તબલાં, ધૈવત શુક્લ, અમર ભટ્ટ – હાર્મોનિયમ )
.
.
ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ ,
સૂર ઘેઘૂર પૂર મત બાંધ પાજ !
બિંતબૃખભાન, ઈબ્નબ્રજરાજ, વાહ-
જુગલસરકાર આજ મહેફિલનવાજ !
તીર કાલિંદ, શાખ કાદંબ તખ્ત,
ફરફરે મોરપિચ્છ સરતાજ-તાજ !
અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,
છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ !
ભાન લવલેશ, શેષ ઝળહળ મશાલ,
શ્વાસ ઉચ્છવાસ ખેલ અય ખુશમિજાજ !
- રાજેન્દ્ર શુક્લ
(ફેબ્રુઆરી, 1978)
.
ધૈવત શુક્લનાં જન્મદિને, તેમની કલમે નહિં પણ કંઠે માણીશું તેમના પિતા રાજેન્દ્ર શુક્લની એક ગઝલ. ધૈવતભાઈનાં કંઠે શાસ્ત્રીય શૈલીમાં આ ગઝલ સાંભળી, આપ સૌ પણ ચોક્કસ બોલી જ ઊઠશો, કે વાહ – જુગલસરકાર આજ મહેફિલનવાજ ! કાલિન્દીનાં તટ પર, મોરપિચ્છનો સરતાજ ધારણ કરી, કદબ્મની ડાળી પર તખ્તનશીન, કૃષ્ણ રાધા સંગ રાસલીલા માણી રહ્યાં છે તેનું અદ્ભૂત વર્ણન આ ગઝલમાં કર્યું છે. (અથવા તો, સર્વ સાજ-કાજ છોડી, આ રાસલીલામાં જોડાવાનું ઇજન કવિ આપે છે ?!! )
.
શબ્દાર્થ : બિંત-પુત્રી, (બિંતબૃખભાન-રાધા) ઈબ્ન- પુત્ર, (ઈબ્નબ્રજરાજ-કૃષ્ણ)
.
.
.
.
Pinki @ January 12, 2011
કહેને : માધવ રામાનુજ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, માધવ રામાનુજ | Comments (6)
.
.
સૈયર, તારા કિયા છૂંદણે, મોહ્યો તારો છેલ, કહેને !
સૈયર, તારી કિયા ફૂલની, લૂમીઝૂમી વેલ, કહેને !
કૂવાને કાંઠે કઈ ઘડીએ, રહી ગઈ વાત અધૂરી ?
સૈયર, તારા ઉજાગરાની, કિયા તારલે સાખું પૂરી.
કિયા વરતમાં પાંચ આંગળે, કિયો પીપળો પૂજ્યો, સૈયર ?
મન ભરીને મોહે એવો, કિયો ટૂચકો સૂઝ્યો, સૈયર.
સૈયર તું તે કિયા ફૂલની, લૂમીઝૂમી વેલ, કહેને ?
સૈયર, તારા કિયા છૂંદણે, મોહ્યો તારો છેલ, કહેને !
- માધવ રામાનુજ
.
.
બે સૈયરો ભેગી થાય અને પછી તો ટોળ-ટિખ્ખળ, મજાક-મસ્તી ન કરે તો જ આશ્ચર્ય ! અને એમાં પણ, કયો ટૂચકો કરીને પિયુને પટાવ્યો તે વાત જાણવાની તો સૌને તાલાવેલી. એવી જ કોઇ ક્ષણોને માધવ રામાનુજે શબ્દોમાં અદ્ભૂત રીતે કંડારી છે. તેમની અન્ય રચનાઓ માણવા તેમની પોતાની વૅબસાઇટ http://madhavramanuj.com/ પર માણી શકશો.
.
.
.
.
Pinki @ January 11, 2011
જટાયુ : હરદ્વાર ગોસ્વામી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, હરદ્વાર ગોસ્વામી | Comments (8)
.
સદા અન્ય માટે મરાયું હશે,
પૂછો, નામ એનું જટાયુ હશે.
બધાના ચિરાયેલા વસ્ત્રો છતાં,
બધા શ્વાસમાં એક ચિરાયુ હશે.
ધરમ લાગણીનો પૂછો છો તમે ?
તરત એક હાજર હુમાયુ હશે.
હવે પેન લેવાના પૈસા નથી,
હવે કાવ્ય ચોક્કસ રચાયું હશે.
મરીઝની કલમથી સરકવું ગમે ?
ગઝલને ગમે શું, પૂછાયું હશે ?
છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.
તો રસ્તાઓ ઊંચકીને ફરશે તને,
જો મંઝિલથી આગળ જવાયું હશે.
- હરદ્વાર ગોસ્વામી
.
.
કોઇ પણ ગઝલ કે કાવ્યમાંથી પસાર થતાં, તેને સરસ કે ખરાબ કહી મૂલવીએ છીએ પણ, ગઝલને ગમે શું, પૂછાયું હશે ? કદાચ એ પણ બોલી ઊઠશે કે, આ એકાદ વરસે હસાયું હશે .
.
.
.
.
Pinki @ January 7, 2011
ઘરનો રસ્તો નથી : વિવેક ટેલર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, વિવેક ટેલર | Comments (10)
.
શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું :
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
Pinki @ January 6, 2011

