Headlines

જીવ્યા વગર : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

નીલકંઠી ક્ષણો : જવાહર બક્ષી

ઝળહળ થયું : જયદેવ વ્યાસ ‘જય’

વરસાદમાં : ભગવતીકુમાર શર્મા

જીવ્યા વગર : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રાજેશ વ્યાસ 'મિસ્કીન' | Comments (7)

.

કોઈ સપના વગર, કોઈ ઈચ્છા વગર,
જિંદગી રોજ વીતી છે જીવ્યા વગર.

આંખ દોડી અને વિંટળાઈ વળી,
આમ ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર.

તારવ્યાં અર્થ સૌએ દશા જોઈને,
કૈંક પડઘા પડ્યા આમ બોલ્યા વગર.

લાખ ટોકે ને રોકે, મનાઈ કરે,
તોય ક્યાં રહી શક્યું કોઈ તડપ્યા વગર.

આખરી પળમાં સૌને અહીં થાય છે,
જાય છે કૈં જ સમજ્યા કે જાણ્યા વગર.

ભર અષાઢે શું મિસ્કીન વિશે હું કહું ?
એક વાદળ ભટકતું’તું વરસ્યા વગર.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

.

.

ભર વરસાદે કોઇ વાદળ વરસ્યા વિના જતું રહે તો ?  ચોક્કસ કોરાં રહી જવાનો વસવસો થાય જ.  પણ આપણે તો રોજ જ, જિંદગી જીવ્યા વિના જ દિવસો પૂરા કરીએ  છીએ.  હા… અંતિમ વેળાએ વળી એ જ કોરપનો આંખ ભીની કરીને વસવસો કરીએ ખરાં. 

.

.

Pinki @ December 1, 2010

નીલકંઠી ક્ષણો : જવાહર બક્ષી

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, જવાહર બક્ષી | Comments (7)

 

એક ઝાકળનાં ટીપાંને દરિયે હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

જાણવાનાં પ્રયત્નો ન કરીએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

નીલકંઠી ક્ષણો શેષ રહી છે હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

સહુ ક્ષિતિજોને ઓળંગી જઇએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

આપણે ક્યાંય મળીએ ન મળીએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

- જવાહર બક્ષી 

.

આકાશ અને પાતાળ વચ્ચે નીલકંઠી ક્ષણોમાં રમાતી રમત એ જ જિંદગી !  હાર-જીતને જાણવાનાં પ્રયત્નો કર્યા વિના, ક્ષિતિજોને ઓળંગવા,  ખેલદિલીપૂર્વક આ રમત રમીએ.  આમ તો ઝાકળના ટીપાંનો દરિયો જ છે ને જિંદગી તો !

 

 

 

Pinki @ November 30, 2010

ઝળહળ થયું : જયદેવ વ્યાસ ‘જય’

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, જયદેવ વ્યાસ 'જય' | Comments (2)

.

આમ તો હોવું હવે ઝળહળ થયું,
આપનું આ આવવું અટકળ થયું.

કેટલો બદતર રહ્યો વરસાદ આ,
આંસુઓનું પણ અહીં ઝાકળ થયું.

આંખ ખુલ્લી રાખીને હું શોધતો,
બંધ આંખોનું મિલન અંજળ થયું.

શ્વાસની એકલતા લઈને હું ફરું,
એક ઝરણું એટલું ખળખળ થયું.

જ્યાં હૃદયમાંથી વહ્યો હોઠો સુધી,
આયખું આ આપણું સમથળ થયું.

- જયદેવ વ્યાસ ‘જય’

.

.

આયખું સમથળ કરી, ખુદ ઝળહળવાની ગઝલ !

.

.

.

,

Pinki @ November 29, 2010

વરસાદમાં : ભગવતીકુમાર શર્મા

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ભગવતીકુમાર શર્મા, સાહિત્યપ્રકાર, વરસાદ, સાહિત્યપ્રકાર, વરસાદમાં - રદીફ | Comments (2)

.

યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.

મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.

મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.

આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે  ખરખરે વરસાદમાં.

- ભગવતીકુમાર શર્મા

.

.

વરસાદમાં  પ્રિયજનની યાદ આવે અને સાથે જ, વરસાદની સાથે તાલ મિલાવવા આંખમાંથી ટપકે ઝરમર વરસાદ !  તો, મોરના ટહુકા સાંભળી છાતીમાં પણ ઊપડે સણકા.  બસ પછી તો બારણું પણ ડૂસકાં ભરે…. !

.

.

.

.

Pinki @ November 27, 2010

વરસાદમાં : ડૉ. મહેશ રાવલ

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ડૉ.મહેશ રાવલ, સાહિત્યપ્રકાર, વરસાદ, સાહિત્યપ્રકાર, વરસાદમાં - રદીફ | Comments (4)

.

કેવું  હ્રદય હરખાય છે વરસાદમાં !
નમણાશ બમણી થાય છે વરસાદમાં !

હોઠે ન આવી હોય એ વાતો બધી,
શબ્દો વગર થઈ જાય છે વરસાદમાં !

તન મન દઝાડે જે પવન વૈશાખમાં,
મલ્હાર ગાતો વાય છે વરસાદમાં !

પાલવ ધરાનો કેટલો શોભે હરિત !
સુંદરપણું છલકાય છે વરસાદમાં !

ખળખળ વહે છે સ્વપ્ન,જીવન સીંચતાં,
કાંઠા સજીવન થાય છે વરસાદમાં !

નીકળે ક્વચિત અપવાદ માણસ, આમ તો
પથરા ય પલળી જાય છે વરસાદમાં !

હર બુંદમાં દેખાય છે એની ઝલક,
ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !

- ડૉ. મહેશ રાવલ

.

.

વૈશાખી વાયરાથી દાઝેલાં હોઇએ ત્યારે અષાઢમાં તો વરસાદ વ્હાલો લાગે જ.  પરંતુ, કારતકની સૂસવાટા મારતી ઠંડીમાં પણ વરસાદને કોઈ વગોવે તો નહીં જ… કારણ એની હર બુંદમાં જાણે કે ઈશ્વર સ્વયં મલકાય છે. 

.

.

.

.

Pinki @ November 26, 2010

વરસાદમાં : હેમંત કારિયા

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, વરસાદ, સાહિત્યપ્રકાર, વરસાદમાં - રદીફ, સાહિત્યકાર, હેમંત કારિયા | Comments (5)

.

જ્યારે પણ ખોવાણો છું વરસાદમાં,
હું મને દેખાણો છું વરસાદમાં.

તું ભલે વરસાદમાં ભીંજાણો હો,
હું તો ભઇ રંગાણો છું વરસાદમાં.

આ ભીની મોસમ ને તારી દૂરતા,
કેટલો પસ્તાણો છું વરસાદમાં.

કોઇ રોતું જાય છે હર પળ મને,
આંસુ થઇ રેલાણો છું વરસાદમાં.

કેમ છોડું ગાંઠ આ ભીની-ભીની ?
વાછટે બંધાણો છું વરસાદમાં.

- હેમંત કારિયા

.

.

આજે ફરી માણીએ વરસાદમાં એક વરસાદી ગઝલ……. !  ભીની ભીની આ વરસાદી ગાંઠ જલ્દી થોડી છૂટશે ?!! એટલે કે આજે અને કાલે પણ વરસાદમાં બે વરસાદી ગઝલ !!

.

.

.

.

Pinki @ November 25, 2010

This text will be replaced by the flash music player.
Powered By Indic IME