ઈશ્વરમાં : ભરત વિંઝુડા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ભરત વિંઝુડા | Comments (2)
.
તું નદી છે તો જા સમંદરમાં,
નહીં સમાવી શકું હું ગાગરમાં !
બેઉ બાજુ વિચાર તારા છે,
કેમ પડખું ફરું હું બિસ્તરમાં !
તૂટતાં-તૂટતાં વધે છે પણ,
માત્ર સંખ્યા જ આમ પથ્થરમાં !
તે પછી તારા ગામની હદ છે,
આવું છું ગામમાંથી પાદરમાં !
આપણાંમાં કશુંક ખૂટે છે,
શોધીએ છીએ એ જ ઈશ્વરમાં !
- ભરત વિંઝુડા
,
,
સીધી બાત દિલસે…. ગઝલિયત ને બરકરાર રાખીને પણ ગઝલ કેટલી સહજ અને સરળ રીતે ખૂલી શકે છે !!
.
.
.
.
Pinki @ September 13, 2011
ભૌમિતીક ગઝલ : નયન દેસાઈ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, નયન દેસાઈ | Comments (5)
.
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
- નયન દેસાઈ
.
.
ચોરસ કે લંબચોરસ ઓરડામાં સમય ખુદ ટૂંટિયું વાળીને બેઠો હોય એટલે કે, વક્રરેખાની જેમ વાંકો હોય ત્યારે, કશુંક તો છેદાઇ જ જતું હોય છે. શક્યતાનું વર્તુળ પણ પૂરું ન થઈ શકતાં, ‘રાઉન્ડર’ની અણી વર્તુળ દોરતાં પાનાને ભોંકાતી હોય એમ જ હૃદયને ભોંકાતી હોય છે. પણ જો શૂન્યતાની સાંકળો બાંધી શકીએ તો, સુખ અને દુ:ખની સમાંતર જતી બે રેખાઓ વચ્ચેનો અવકાશ – આપણે ખુદ જ છીએ !
આ ગઝલ વાંચ્યા પછી તો મારા માટે ભૂમિતી પણ કેટલું સરળ બની ગયું અને જિંદગીનું ગણિત પણ …..
.
.
.
.
Pinki @ September 12, 2011
વિસર્જન : એષા દાદાવાલા
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યકાર, એષા દાદાવાળા | Comments (8)
.
.
બાપ અને બાપ્પામાં ઝાઝો ફરક નથી હોતો
આવું તે જ્યારથી મૂર્તિઓ ઘડતો થયો છે
ત્યારથી તેને સમજાઈ ગયું છે.
મૂર્તિઓનું ફિનિશિંગ કરીને
તે જ્યારે બાપ્પાના હાથમાં માટીના લાડુ ગોઠવતો હોય છે
ત્યારે તેની દીકરી
તેની સામે જોયા કરે છે.
દીકરીના મોઢામાં આવી ગયેલું પાણી
તેની આંખો સુધી ધસી આવે છે
અને તે ભીની આંખે બાપ્પા સામે જુએ છે
પણ બાપ્પાની આંખો ભીની નથી હોતી.
દર વર્ષે બાપ્પાના હાથમાં માટીનો લાડુ પણ
તે એટલે જ મૂકે છે
કદાચ એ સાચો થઈ જાય તો ?
પણ લાડુ સાચો થતો નથી
એના હાથમાં હોય છે ત્યારે પણ.
અને પછી
નદીના પાણીમાં બાપ્પા
અને લાડુ નહીં મળતાં
દીકરીની ભીની થયેલી આંખમાં
એક બાપ વિસર્જિત થઈ જાય છે.
- એષા દાદાવાલા
.
.
માનવીય સંવેદનાને ધડમૂળથી હચમચાવી જાય તેવી એષાની રચનાઓ હોય છે. આ ગણેશકાવ્ય પણ ગણેશ વિસર્જન સમયે અન્ય કેટલું વિસર્જિત થઈ જતું હોય છે તે દર્શાવી એષા ફરી એક વાર તેની કલમનો પરચો આપી જાય છે. બાપ્પાની સાથે આવા ‘બાપ’નો પણ વિચાર કરવો જરુરી છે. જેટલા લાડુનો ભોગ ગણેશને ચડાવીએ જે પાણીમાં ચૂર જ થઈ જતાં હોય છે – તે કો’ક ગરીબની ભૂખ પણ મટાડી શકે. બાપ્પા તો ક્યારે જાગે એ ખબર નથી પણ પ્રદૂષણ અને ગરીબી જેવી સમસ્યાનો વિચાર કરી, ઉત્સવોનો મનાવીએ તો ઈશ્વર પણ પ્રસન્ન રહે. આજે આપણે ઘરે પણ ‘બાપ્પા’ પધરામણી કરે તો મૂર્તિકારની જોડે ભાવતાલ ન કરતાં. અને એક લાડુનો ભોગ એને ચડાવીશું ?! ગણેશચતુર્થીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.
.
.
.
Pinki @ September 1, 2011
મુકામ પોસ્ટ માણસ : નયન દેસાઈ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, નયન દેસાઈ, સાહિત્યપ્રકાર, માણસ | Comments (3)
.
જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ.
રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ,
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.
બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે,
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.
ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા,
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.
કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે,
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.
- નયન દેસાઈ
.
.
થોડાક સમય પહેલાંની જ વાત છે… જ્યારે સંદેશા વ્યવહાર માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જેમાં પત્ર મોકલનારનું સરનામું લખવામાં આવતું અને અંતમાં મુ.પો. એટલે કે, મુકામ - સ્થાન અને પોસ્ટ લખવામાં આવતું. કવિ પણ આ ગઝલમાં કોઇક સંદેશો ‘માણસ’ને આપવા માંગે છે અને આથી જ રદીફ રાખે છે મુકામ પોસ્ટ માણસ.
સૂરજ રોજ એક નવી આશ લઇને ઊગે છે પણ જિંદગી જીવતાં જણને તૂટી ગયા પછી તો મળે છે તૂટેલાં ફૂટેલાં અરમાનોનું પાર્સલ . મંઝિલ પર જિંદગી દિવાલ ખડી કરતી હોય ત્યાં પડછાયા જ દેખાય.. પણ તેને કહેવું છે એટલું જ કે, સૂરજ ઊગ્યાનું લખી દો – મુકામ પોસ્ટ માણસ.
જો કે, જખ્મીપુરા જિલ્લામાં રહેતો ‘માણસ’ ઘરનંબરે થોડો મળે ? એ તો સૂતો છે કો’ક કાળમીંઢ ખડકોની નીચે… એ શ્વાસોને ચૂંટી ખણી જગાડવા છે. હા..મરિયમની ભ્રમણાએ બદલ્યું છે સરનામું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ. ક્યારેક તો ‘માણસાઇ’ના જર્જરિત ખંડેરોને આ ટપાલ મળશે જ ને !
.
.
.
.
Pinki @ August 29, 2011
કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મનોજ ખંડેરિયા | Comments (3)
.
તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.
કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો -
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે.
અમે વેચવા નીકળ્યા મોર-પીંછા,
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે.
ભૂતળ મર્મ જેવો પદારથ ન એકે,
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે.
અહીં આપણે આપણા શબ્દ ગાવા,
જમાનો તો બીજું ય માગ્યા કરે છે.
- મનોજ ખંડેરિયા
.
.
ગિરનારની તળેટીમાં જઇએ અને જો કરતાલ ન સંભળાય તો, ગિરનારની પરિક્રમા સંપન્ન કેમ કહેવાય ? આજે પણ, જાગીને જોઉં તો જગત દિસે નહીં કે ભૂતળ ભક્તિ પદારથ મોટું રે ગાનાર નરસિંહ મહેતાની કરતાલ દામોદર કુંડમાં જાણે કે, વાગ્યા જ કરે છે. જેમ ત્રીજી આંખ હોય તો જ ઇશ્વર દર્શન થાય એમ ત્રીજો કાન જોઇએ એટલું જ .
.
.
.
.
Pinki @ August 27, 2011
એ પણ સાચું,આ પણ સાચું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રાજેશ વ્યાસ 'મિસ્કીન' | Comments (4)
.
રાત દિવસ કૈં લાગે હરપળ, એ પણ સાચું, આ પણ સાચું,
અંધારે આ કેવી ઝળહળ ? એ પણ સાચું, આ પણ સાચું.
ભીતર શું ય ગયું દેખાઈ, ભણતર સઘળું ગયું ભૂલાઈ,
કહેતો ફરું છું સૌની આગળ, એ પણ સાચું, આ પણ સાચું.
અપમાનિત કે સમ્માનિત હો, બેઉ ખેલ છે બન્ને ખોટાં,
કાં તો સ્વીકારી લે હરપળ, એ પણ સાચું, આ પણ સાચું.
સપનામાંથી જાગ્યો જ્યારે, એ પળમાં મૂંઝાયો ભારે,
અંદર- બાહર, આગળ- પાછળ, એ પણ સાચું, આ પણ સાચું.
કોઈ ‘કાલ’માં શું બંધાવું ? કેવળ ખળખળ વહેતા જાવું,
‘મિસ્કીન’ આનું નામ છે અંજળ, એ પણ સાચું, આ પણ સાચું.
કોણ અહીં કોનું કે ક્યાં લગ , સઘળું નિશ્ચિત છતાંય લગભગ,
‘મિસ્કીન’ એનું નામ છે અંજળ, એ પણ સાચું, આ પણ સાચું.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
.
.
જિંદગી ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી રહે છે કે, શું સાચું ? શું ખોટું ? શું કરવું ? ક્યાં જવું ? - કોઈ નિર્ણય લઈ શકાતો નથી. આ દ્વિધાત્મક પરિસ્થિતિમાં - એ પણ સાચું, આ પણ સાચું લાગતું હોય છે. પણ, આ વિધાન ને વિધેયાત્મક બનાવીએ અને બસ, ખળખળ વહેતા જઇએ પછી તો ? - ” એ પણ સાચું , આ પણ સાચું.” !!
કવિ શ્રી રાજેશ વ્યાસનાં શબ્દોમાં જ આ ગઝલસર્જનની રસપ્રદ વાતો માણીએ -
” એક પ્રસંગ યાદ આવે છે. એક ગામમાં એક વૃદ્ધ, અભણ, ગરીબ મુસ્લિમ રહેતો હતો. બહુ જ પાક કહેવાતો હતો. ગામના લોકો એના જેવો નેકદિલ ખુદાનો બંદો કોઈ નથી એવું કહેતા તેના પિતાના સમયનું એની પાસે કુરાન હતું. રોજ સવાર- સાંજ એ કુરાન વાંચે દરેક પાને- પાને અને લીટીએ લીટીએ આંગળીઓ ફેરવે અને હોઠ ફફડાવે. સાવ અભણ આ ડોસો શું વાંચતો હશે ? એવું સૌના મનમાં થતું. શબ્દે શબ્દ અને અક્ષરે અક્ષર ઉપર આંગળી ફેરવીને એટલું જ બોલતો હતો કે ‘એ પણ સાચું.. આ પણ સાચું…’ આ શબ્દોએ મને અંદરથી હચમચાવી નાખ્યો એક અભણ વૃદ્ધ કેવી શ્રદ્ધાથી બોલે છે કે એ પણ સાચું. મને સો ટકા ખાતરી છે કે તેના આ એકે એક શબ્દો ભીતરથી જાગી ગયેલાના શબ્દો છે. ઉપનિષદના ઋષિઓએ કહ્યું છે કે જ્યાં બધાં સમાધાન થઈ જાય તેનું નામ સમાધિ. મને તો આ વાક્ય અનેક રીતે સ્પર્શ્યું છે અને એક દિવસ આ જ વાક્ય રદીફ બનીને આવ્યું. ” ( સૌજન્ય : ગુજરાત સમાચાર )
.
.
.
.
Pinki @ August 25, 2011


