Headlines

ગઝલ : ભાવેશ ભટ્ટ

રાધાની આંખ : વિવેક ટેલર

શા માટે ? : નર્મદાશંકર પાઠક

૧૫મી ઑગસ્ટ : નર્મદાશંકર પાઠક

ગઝલ : ભાવેશ ભટ્ટ

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ભાવેશ ભટ્ટ 'મન' | Comments (4)

.

શું બીજું- વૃક્ષની ઘટનામાં છે ?
ડાળ એકેક સકંજામાં છે.

એ ગમે તે ઘડી આવી ચડશે,
કંઈ યુગોથી કોઈ રસ્તામાં છે.

તું ન દેખાય ને હું દેખાઉં,
ક્યાં ફરક કોઈ તમાશામાં છે ?

બહુ ખીલ્યા તારી કબર પર ફૂલો,
તું હજી કોની પ્રતીક્ષામાં છે ?

પંખીઓ આવી ખભા પર બેઠા,
ચાડિયો આજ અચંબામાં છે.

- ભાવેશ ભટ્ટ

વાત તમાશાની હોય , પ્રતીક્ષાની હોય કે અચંબાની – વૃક્ષની ઘટનામાં જેમ ડાળો સકંજામાં છે એમ, આપણે પણ, માણસની ઘટનામાં – સકંજામાં હોઇએ છીએ.  દરેક શેર એક નવી જ વાત લઈને આવે છે જે ગઝલ અને કવિની ઉત્કૃષ્ટતા દર્શાવે છે.

,

,

,

,

Pinki @ August 24, 2011

રાધાની આંખ : વિવેક ટેલર

Posted in: સાહિત્યપ્રકાર, કૃષ્ણ, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યપ્રકાર, રાધા, સાહિત્યકાર, વિવેક ટેલર | Comments (5)

.

.

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા, તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ, તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ, આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ, આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

- વિવેક ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)

.

.

દર વરસે જન્માષ્ટમી આવે , કૃષ્ણજન્મોત્સવ ઊજવીએ અને મનમાં થાય કે, યદા યદા હિ ધર્મસ્ય … કહેનારો આ વરસે પણ જન્મ્યો નહીં ?!!  હજુ પણ વધુ અધર્મ ધરતી પર આવવાની રાહ જોતો હશે કે પછી રાધાની રાહ જોતો હશે ?!!   વિવેકભાઈનું રાધાગીત કહે છે, એમ જાત ને ઝુરાપાની નદિયુંમાં નાંખીએ તો તેની મોરલીનાં સૂર સંભાળાય… ! આપ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ.

.

.

..

.

Pinki @ August 22, 2011

શા માટે ? : નર્મદાશંકર પાઠક

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, નર્મદાશંકર પાઠક, સાહિત્યપ્રકાર, ભારત | Comments (4)

.

.

સામ્રાજ્યોના ઠેકેદારો ! માંગો છો સહારો શા માટે ?
લઈ આબરૂ ડૂબી જાવ હવે, શોધો છો કિનારો શા માટે ?

માનવતાને ગૂંગળાવીને, ડૂમાવીને, તડપાવીને-
‘એટમ’ને આપો છો આ શાંતિનાં આકારો શા માટે ?

જ્યાં પ્રેમ તણો આભાસ નથી, આપસમાં જરી વિશ્વાસ નથી,
ત્યાં માનવતાની વાતોનો, હદ બહાર લવારો શા માટે ?

આપેલા કોલ ભૂલો છો ત્યાં, એ કોલની કિંમત કાંઇ નથી,
તો વ્યર્થ અને જૂઠા જૂઠા શાંતિનાં કરારો શા માટે ?

એક હાથ મિલાવ્યો છે પ્રેમે, બીજામાં ખંજર રાખ્યું છે,
ભય હોય, ત્યાં પ્રીતિ હોય નહીં એ સત્ય નકારો શા માટે ?

ક્રાંતિ અંગડાઈ લઈ રહી છે, શાંતિની જરૂરત છે આજે,
તો સત્તાનો આ શોખ અને શસ્ત્રોનો ઈજારો શા માટે ?

હિંસાથી વધે છે હિંસા કાયમ વેર જ વેર વધારે છે,
જગ શાંતિ , શાંતિ ઝંખે ત્યાં તકરાર વધારો શા માટે ?

- નર્મદાશંકર પાઠક

.

.

પાંચ-છ દાયકા પહેલાં લખાયેલ આ ગઝલ આજે પણ એટલી જ પ્રસ્તુત છે - વિષયવસ્તુ અને ગઝલિયત પણ.  પહેલાં  પણ એક જ પ્રશ્ન હતો – શા માટે ?  અને આજે પણ આઝાદ ભારતનાં ‘આઝાદ’ સામ્રાજ્યનાં ઠેકેદારોને એ જ પ્રશ્ન પૂછવો પડે છે  – શા માટે ?!!

ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો પણ વિરોધ – સાહિર લુધિયાનવીની નઝમની  એક જ લીટી યાદ આવે છે – “જિન્હેં નાઝ હૈં હિંદ પર વો કહાં હૈ ?”

.

.

.

.

Pinki @ August 16, 2011

૧૫મી ઑગસ્ટ : નર્મદાશંકર પાઠક

Posted in: સાહિત્યપ્રકાર, કાવ્ય, સાહિત્યકાર, નર્મદાશંકર પાઠક, સાહિત્યપ્રકાર, ભારત | Comments (3)

.

.

વર્ષો તણા બંધન અંધકારનાં
કાળી નિશા જે દિન પૂર્ણ થાતાં
ને જે દિને મંગલ મુક્તિ કેરી
ઊગી ઉષા ઉજ્જવળ ને અપૂર્વ
ઑગસ્ટની પંદરમી તિથિ હે !
નમી પડે સાદર શીર્ષ મારું

સમસ્ત સૂના ઈતિહાસ માંહી
અંકાઈ તું તપ્ત સુવર્ણ પૃષ્ઠે
ને કોતરાઈ અમ સર્વ અંતરે
તે ધન્ય ને પ્રેરક પુણ્ય આ તિથિ
પુણ્યોજ્જ્વલા પંદરમી તિથિએ
તને નમે સાદર શીર્ષ મારું

- નર્મદાશંકર પાઠક

.

.

સ્વાતંત્ર્યદિન નિમિત્તે સૌ ભારતીયોને – વૅબમહેફિલના વાચકોને સ્વતંત્રતા મુબારક.  પચાસના દાયકામાં રચિત આ કાવ્યમાં કવિ આ પુણ્યોજ્જવલા તિથિ પંદરમી ઓગસ્ટને શીશ નમાવી વંદન કરે છે.  બસો વર્ષોની ગુલામીનો અંધકાર દૂર કરનાર ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ની એ ઉષા, સુવર્ણ અક્ષરે હૃદયમાં અંકિત થયેલી જ હોયને.  એ દિવસને નતમસ્તક વંદન.

આપ સૌના સાથ સહકારથી વૅબમહેફિલ આજનાં આ પવિત્ર, મંગલ દિને ત્રણ વર્ષ પૂરા કરે છે. સૌ કવિમિત્રો અને વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર.

.

.

.

.

Pinki @ August 15, 2011

વરસાદ : વીરેન્દ્રકુમાર ભટ્ટ

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, વરસાદ, સાહિત્યકાર, વીરેન્દ્રકુમાર ભટ્ટ | Comments (6)

.

,

મન મૂકીને આમ તો પડતો રહે વરસાદ,
કિંતુ મને તો નખશિખ નડતો રહે વરસાદ.

કેવું ગગનગામી બન્યું પ્રદૂષણ આ લોકનું,
કરવાને તે ધરાશયી લડતો રહે વરસાદ.

ના કો’ને મારો ખપ રહ્યો આ યંત્રયુગમાં,
યાદ કરી એ યક્ષને રડતો રહે વરસાદ.

એની વાતો તો સદાયે હોય છે અલગ,
ક્યાંક સાવ ગુમ તો ક્યાંક જડતો રહે વરસાદ.

એક આગવી અસર રહી છે એના ટાંકણે,
કેવાં મઝાનાં શિલ્પો ઘડતો રહે વરસાદ.

- વીરેન્દ્રકુમાર ભટ્ટ

.

.

આખરે, વરસાદ મન મૂકીને ભીંજવી ગયો … કેટલાંકને જડી ગયો તો કેટલાંકને નડી પણ ગયો !  હવે, વરસાદની યાતનાને પણ જાણીએ તો ?  SMS કે net પર જ message મોકલી દેતાં આ યુગમાં તેને યક્ષની યાદ સતાવે છે.  પણ,  વરસાદ તો ગગનગામી પ્રદૂષણ દૂર કરવાં વરસતો જ રહે છે.  ભીંજાયા પછી હવે તેની પાસે વરસવાનું પણ શીખવું જરુરી છે !!!

.

.

.

.

Pinki @ August 11, 2011

દોસ્ત : ‘મરીઝ’

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મરીઝ', સાહિત્યપ્રકાર, મિત્ર | Comments (3)

.

( બાળપણનાં દોસ્ત )

એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત ,
પગલાં બની ગયા છે, તમારા ચરણના દોસ્ત.

ઊભરો રહે ન દિલમાં, ન બદનામીનો ડર,
શોધુ છું ભેદ કહેવાને, નબળાં સ્મરણના દોસ્ત .

એના લીધે નીભાવી લીધી કંઈક દોસ્તી,
બાકી અમે અહીં હતા, બસ એક જણના દોસ્ત.

હિમંતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હોય,
ખાબોચિયામાં તરમાં દીઠા છે ઝરણનાં દોસ્ત.

એનું થવાનું એ જ કે પટકાશે આમતેમ,
દરિયાનાં મોજેમોજાં થયા છે તરણના દોસ્ત.

તારા લીધે ખુવાર થયો છું જહાનમાં,
ઢાંકણ એ ભેદ ના, બૂરા આચરણના દોસ્ત.

ઓ દોસ્ત ! કોઈ દોસ્તનો નથી એમાં કસૂર,
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત.

ક્યારે વજન હું એમનું પામીશ શું ખબર ?
કંકર લઈને તોળું છું લાખ મણના દોસ્ત.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’
મોટા બની ગયાં છે બધાં બાળપણના દોસ્ત.

- ‘મરીઝ’

.

.

ફ્રેન્ડશીપ બેલ્ટ ન’તો બાંધેલો કારણકે ત્યારે એટલો બધો trend ન હતો પણ, હાથમાં હાથ લઇ, પગલાં સાથે પગલાં મિલાવી જેની સાથે રમ્યાં, ઝઘડ્યાં કે પછી સ્કૂલ/કોલેજમાં કોઇ વાર ’હાય’ કરેલું - એવાં સૌ મિત્રો આજે દિલમાં ડોકિયું કરી જ ગયાં.  એ સૌ મિત્રો અને મારા વાચકોને મૈત્રીમુબારક.  :)

વતનમાં જઇને મરીઝ સા’બનાંબાળપણનાં દોસ્ત ‘મોટાં’ થઇ ગયાં – પણ, આપણને સૌને દિલથી ‘મોટા’ અમીર દોસ્ત મળે તેવી શુભકામનાઓ.

,

,

,

,

Pinki @ August 7, 2011

This text will be replaced by the flash music player.
Powered By Indic IME