Headlines

એમનો એમ જ ઊભો છું : અનિલ ચાવડા

પડઘો પડે : હરદ્વાર ગોસ્વામી

એવુંય ચોમાસું હતું : ધ્વનિલ પારેખ

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી

એમનો એમ જ ઊભો છું : અનિલ ચાવડા

Posted in: સાહિત્યકાર, અનિલ ચાવડા, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, વિશેષ | Comments (0)

.

.

વાણલા વાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું,
પંખીઓ ગાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું,

હું જ કૌરવ પાંડવોની એ સભા ને દ્રૌપદી ને કૄષ્ણ પણ હું,
ચીર ખેંચાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું.

રક્તના રંગો પૂરી જેને કલામય મેં બનાવ્યા એ બધાંયે,
ચિત્ર ભૂંસાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું.

એક પિંજારો છે જેના હાથ દ્વારા સેંકડો વર્ષોથી મારા,
શ્વાસ પિંજાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું,

થઈ ગયા ઉંમરની સાથોસાથ સઘળાં આંસુઓ પણ સાવ ઘરડાં,
સ્વપ્ન તરડાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું.

- અનિલ ચાવડા

.

.

ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૦નો યુવા ગૌરવ પુરસ્કાર અનિલ ચાવડાને એનાયત કરવામાં આવે છે.  વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.

‘રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું’ - જેવી લાંબી રદીફ સાથે તેને પૂરક  શેર આ ગઝલમાં સર્જાયા છે.  ઘણી વાર અસામાન્ય, વિપરીત પરિસ્થિતિમાં આપણે એમ ને એમ ઊભા રહેવું પડતું હોય છે. પણ મત્લા કહે છે,  સૂર્યોદય થયો છે પણ તે છતાં હું એમનો એમ જ ઊભો છું.  સૂર્યોદય વેળા પણ નહીં જાગીએ તો ? હવે એમને એમ ઊભા રહેવાની જરુર ખરી ?!!

.

.

.

N.B. Last two days, Site was not updated for technical fault. Sorry for inconvenience.

.

Pinki @ August 6, 2011

પડઘો પડે : હરદ્વાર ગોસ્વામી

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, હરદ્વાર ગોસ્વામી | Comments (4)

.

.

એક પડઘાનો પછી પડઘો પડે,
મૌનના ઘરનો સીધો રસ્તો પડે.

આયના એના વિશે ઝગડી પડ્યા,
કોઈના ચહેરા વિશે પડદો પડે.

છે લપસણી આજની એવી હવા,
પંખીને પણ ઊડતા ફડકો પડે.

એક લીલી લાગણીને પામવા
એક માણસ કેટલો ઘરડો પડે !

ભીતરે સળગાટ કંઈ એવો હતો,
આંખમા આંસુ નહિ તણખો પડે.

- હરદ્વાર ગોસ્વામી

.

.

ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૯ નો પારિતોષિક હરદ્વાર ગોસ્વામીને એનાયત કરવામાં આવે છે. તેમને વૅબમહેફિલ અને વાચકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

કચવાયેલું,ધૂંધવાયેલું મન - જો એના તરંગોનાં પડઘાને મૌનનો જ સીધો રસ્તો મળે તો ?  પણ આ ભીતરનો સળગાટ , આંખમાં આંસુ નહિં તણખા ખેરવે.  બસ, સહેજ લીલી લાગણીની હૂંફ મળી આવે તો, આંખમાંથી તણખા ન ખરે ! પણ તેના માટે ‘માણસ’ને કેટલાં ઘરડા થવું પડે ?!!  એટલે કે, માણસ ઘરડો થઇ જાય ત્યાં સુધી માણસાઇને પામી શકતો નથી અથવા તો જો ઘરડે ઘડપણ મળી પણ જાય તો છમ્મલીલાં થઇ જવાની તૈયારી રાખવી પડે !

.

.

.

.

Pinki @ August 3, 2011

એવુંય ચોમાસું હતું : ધ્વનિલ પારેખ

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ધ્વનિલ પારેખ, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (4)

.

આપણી વચ્ચે કદી એવુંય ચોમાસું હતું,
આંખમાં જાણે નદી એવુંય ચોમાસું હતું.

બેઉ ભીનાં થાય એવી ઈચ્છા લઇ આવ્યું હતું,
ભીંત ભીંજાતી રહી એવુંય ચોમાસું હતું.

શબ્દ ભીંજાતો રહ્યો ને શ્વાસ પણ ભીનો થયો,
લાગણી કોરી રહી એવુંય ચોમાસું હતું.

શોધવા નીકળ્યો હતો એવી જણસ અંધારમાં,
વીજળી ત્યારે પડી એવુંય ચોમાસું હતું.

હું પછી એવા વળાંકે આવીને ઊભો હતો,
તું મને સામે મળી એવુંય ચોમાસું હતું.

- ધ્વનિલ પારેખ

.

.

ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૮ નો યુવા ગૌરવ પુરસ્કાર ધ્વનિલ પારેખને આપવામાં આવેલ છે.  ધ્વનિલભાઈને વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

નગરને મળે એક સહિયારું વાદળ છતાં સૌની બારીએ વાછટ જુદી છે‘. ‘ – હેમેન શાહ.  મૂશળધાર વરસાદ વરસતો હોય અને છતાંય મન મૂકીને ન ભીંજાયા હોય એવું ય ચોમાસું ક્યારેક હોય શકે.  તો વળી, ક્યારેક હળવું ઝાપટું ય ભીંજવીને તરબતર કરી દે.  જોકે, આપણે જેટલી બારી ખોલીશું એટલી જ વાછટમાં ભીંજાઇ શકાય છે.

.

.

.

.

Pinki @ August 2, 2011

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી

Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, સૌમ્ય જોશી | Comments (5)

.

.

આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.

હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું !
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.

ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહું’સું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા (જૈનદેરાસર) સી (છે) તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે !

- સૌમ્ય જોશી

.

.

ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૭નો ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર સૌમ્ય જોષીને અર્પણ કરવામાં આવે છે.  વૅબમહેફિલ અને તેમનાં વાચકો તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.  લેખક, દિગ્દર્શક, નાટ્યકાર તેમજ અભિનેતા એવા કવિને રુબરુ સાંભળીએ તો  કાવ્યત્વને વધુ પામી શકાશે.  ગુંજનભાઇનાં બ્લોગ પર તેમનો આ વિડીયો ચોક્કસ માણશો.

આપ સૌને, ભગવાન મહાવીરની એ વાત તો જરુર યાદ હશે જ કે,  તેઓ તપ કરતાં હતાં ત્યારે એક ભરવાડ તેમને ડોબું ( ભેંસનું બચ્ચું) સાચવવાનું કહે છે. પ્રભુ તો તપમાં તલ્લીન, ડોબું તો ત્યાંથી જતું રહે છે અને ક્રોધિત ભરવાડ તેમનાં કાનમાં ખીલા ખોસી દે છે. આ જ વાતને આપણે તીજા (ત્રીજા) નહિં તો પાંચમા કે સાતમા ધોરણમાં ભણેલાં પણ હવે જેઠા ભરવાડની સોડી (છોકરી,દીકરી) ને આ પાઠ ભણવામાં આવે છે અને  જેઠો ભરવાડ  રજૂ કરે છે તેની વાત ભગવાન મહાવીરને.  મહાવીરનું તપ, પેલા ભરવાડનું  ડોબું જ્યમ એનું તપ …  એમ જ સોડીને ભણાવવું  એ જેઠાનું તપ !

.

.

શબ્દાર્થ : ઘાબાજરિયું – બાજરી જેવી એક વનસ્પતિ જેને ઘા પર લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતું નથી. ભા – મોટા કાકા અથવા દાદા. ભોડું – માથું.

.

.

.

.

Pinki @ August 1, 2011

ચાલ હવે : હિતેન આનંદપરા

Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યપ્રકાર, વરસાદ, સાહિત્યકાર, હિતેન આનંદપરા | Comments (4)

.

.

ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક, આ વરસાદી વાછટને ક્યાં સુધી જોતી રહેવાની?
હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ, તું પકડે હાથ જો મારા, હથેળીએ કૂંપળ કૂટવાની. – ચાલ હવે.

વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં, એની ક્યાં ખબર પડે છે ?
ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ હળતાં મળતાં, સંબંધને એક નામ મળે છે. – ચાલ હવે.

તું હોઠે હાથ મૂકે, બંધ આંખ કરે, એક નામ સ્મરે, એ નામ છે કોનું-ની અટકળ બસ ઉકેલવાની,
આવ કે આ ખુલ્લા આકાશે, રહીને પાસે, એકી શ્વાસે જીવી જઈએ આશ છોડી કોઈ બીજાની. – ચાલ હવે.

સુખની હરેક પળને હું કુરબાન કરી દઉં, તારા મુખ પર એક મજાનું સ્મિત મળે તો,
આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો, જીવી જવાનાં, એક જો ભીનું ગીત મળે તો. – ચાલ હવે

– હિતેન આનંદપરા

.

.

કવિ શ્રી હિતેનભાઇનાં જન્મદિને માણીશું એક ભીનું ગીત – અને સાથે જ તેમને આપણાં સૌ તરફથી ભીની ભીની શુભેચ્છાઓ !

.

.

.

.

Pinki @ July 27, 2011

મળી ન્હોતી જ્યારે- : ઉમાશંકર જોશી

Posted in: સાહિત્યકાર, ઉમાશંકર જોશી, સાહિત્યપ્રકાર, સોનેટ | Comments (1)

.

.

( ઉમાશંકર જોશી પત્ની જયોત્સનાબેન સાથે )

.

મળી ન્હોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં ?
ભમ્યો’તો કાન્તારે, કલરવ કરંતાં ઝરણને,
તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણો સ્કંધપટ, ને
દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.

મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં,
મળી’તી સ્વપનોમાં મદિલ મિલનોની સુરભિથી.

સુગંધે પ્રેરાયો દિનભર રહ્યો શોધ મહીં, ને
દિવાસ્વપ્ને ઝાંખી કદી કદી થતાં થાક ન લહ્યો.

મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે.
મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા.
સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી’તી અસ્થિર જલે,
સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.

મળી ન્હોતી ત્યારે, પ્રિય, જલથલે ખોજી તુજને,
રહું શોધી આજે તુજ મહીં પદાર્થો સકલ એ.

- ઉમાશંકર જોશી

( ૨૫.૧૧.૧૯૩૭ )

.

Did I search for you ?

Before I met you, did I search for you ?
I wandered through the woods, on the banks of the ringing brook
I strolled on mountain lanes
Looked for nests of birds on every branch.

Before I met you eyes wide open in the day,
I waited for you in dreams,
I was so drunk with the fragrance
Of what it would be like to meet.

Then I found you
And my dreams were swept away.
You anchored my tossing boat.
I touched nectar, sweeter than honey.

Before I met you
I kept on searching, waiting,
On water and on dry land.
Now the whole world lives in you.

Translator : Swati Joshi

.

.

મળી ન્હોતી જ્યારે – થી આરંભ થતા આ પ્રણયકાવ્યમાં કવિ પ્રિયા મળી ન્હોતી ત્યારે – શું પ્રિયાની શોધ કરી હતી ખરી ? તેમ પૂછે છે.  અને, ભોમિયા વિના ભમતો આ કવિ પ્રિયાની શોધ કાન્તાર, ઝરણાં, ડુંગરાં અને વૃક્ષની ડાળી ડાળીએ કરી ચૂક્યો છે. દિવસભર ન મળેલી પ્રિયા સ્વપ્નોમાં મળી આવે છે અને અંતે તેમની નૈયાનું સુકાન સંભાળી લે છે.  પણ,  કવિની ખોજ અહીં પૂરી નથી થઈ – પહેલાં જલથલમાં પ્રિયાને ખોજી અને હવે પ્રિયામાં જલથલ એટલે કે, પ્રકૃતિ – ઈશ્વરની ખોજ આદરે છે.  પ્રિયામાં કેવું ભવ્ય વિરાટ દર્શન !!

.

.

.

.

Pinki @ July 26, 2011

This text will be replaced by the flash music player.
Powered By Indic IME