ક્યાં છે કવિતા ? : ઉમાશંકર જોશી
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, ઉમાશંકર જોશી | Comments (1)
.
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
પુષ્પો, પૃથ્વીની ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવી અરમાનનાં;
પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.
ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે ?
કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.
ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા ?
- ઉમાશંકર જોશી
.
.
જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કવિ જ્યારે કવિતાને શોધે ત્યારે – આપણે પામી શકીએ કાવ્યત્વનાં સત્ત્વને. ધરતીનાં ખોળાને ખૂંદતાં ખૂંદતાં કવિ ક્યાં પામે છે કવિતાને ? ગર્ભમાં રહેલ બાળકની બીડેલી આંખની ચમક માતાનાં મુખ પર ચમકે – એમ કાવ્યત્વ કવિનાં ચહેરા પર ચમકે અને જે રચનાનું સર્જન થાય એમાં ચોક્કસ કવિતા મળે જ !!!
.
.
.
.
Pinki @ July 24, 2011
વર્ષાની રુમઝૂમતી રાત : ઉમાશંકર જોશી
Posted in: સાહિત્યકાર, ઉમાશંકર જોશી, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (0)
.
.
વર્ષાની રુમઝૂમતી રાત રંગભીની,
એવી વ્હાલપની વાત રંગભીની.
આકાશે વીજ ઘૂમે, હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રુમઝૂમતી રાત રંગભીની.
બાજે અજસ્ત્રધાર, વીણા સહસ્ત્રતાર,
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રુમઝૂમતી રાત રંગભીની.
ઓ રે વિજોગ વાત ! રંગ રોળાઈ રાત,
નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
વર્ષાની રુમઝૂમતી રાત રંગભીની.
- ઉમાશંકર જોશી
.
.
વરસાદ અમસ્તોય કવિ અને લેખકોને પ્રિય વિષય રહ્યો છે. પણ, વરસાદી રંગભીની રાતની વાત બહુ ઓછાએ કરી છે. રુમઝૂમતી રાતની વાત એટલી લયાન્વિત છે કે, ગાતાં ગાતાં જ વાંચવી પડે. અને આંખોમાં એવા સપનાં છાંટી જશે કે, જ્યારે પણ વરસાદી રાત જોશો કે ચોક્કસ આ ગીત આપમેળે કાનમાં ગૂંજશે !
.
.
.
.
Pinki @ July 23, 2011
વિશ્વમાનવી : ઉમાશંકર જોશી
Posted in: સાહિત્યકાર, ઉમાશંકર જોશી, સાહિત્યપ્રકાર, ગીત | Comments (3)
.
.
કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગામાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
- ઉમાશંકર જોશી
.
.
ઊર્ધ્વમુખી યાત્રીને વ્યકિત મટી વિશ્વમાનવી બનતાં શી વાર ?
.
.
.
.
Pinki @ July 22, 2011
નખી સરોવર ઉપર શરત્-પૂર્ણિમા : ઉમાશંકર જોશી
Posted in: સાહિત્યકાર, ઉમાશંકર જોશી, સાહિત્યપ્રકાર, સોનેટ | Comments (2)
.
.
પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.
ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.
- ઉમાશંકર જોશી
( માઉન્ટ આબુ, ઓક્ટોબર, ૧૯૨૮ )
.
.
જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મશતાબ્દીએ વૅબમહેફિલ તરફથી કવિશ્રીને શત શત વંદન. સત્તર વર્ષની ઉંમરે શરદપૂર્ણિમાનાં દિને, નખી સરોવરનાં કાંઠે પ્રકૃતિસૌંદર્ય માણતાં માણતાં એમનું ઉરઝરણ ગાઇ ઊઠે છે આપમેળે. અને તેમની કલમે રચાય છે સૌ પ્રથમ સોનેટ. સોનેટનાં પ્રથમ અષ્ટકમાં કવિ નખી સરોવરનું દ્રશ્યાત્મક શબ્દચિત્ર દોરે છે તો દ્વિતીય ષષ્ટકમાં ઝંકૃત હૃદયની અનુભૂતિઓનું વર્ણન કરે છે.
શરદપૂર્ણિમાનાં ચંદ્રનું પ્રતિબિંબ ઝીલી રહેલ નખી સરોવરને જોઇ , એટલે કે, જલવિધુનો રમણીય (ચારુ) સંયોગ જોઈ, કવિની હૃદયવીણાનાં તાર કો’ કુસુમ જેવી કોમળઅંગુલિ સ્પર્શ કરી ઝંકૃત કરી જાય છે. જાણે કે, એકાન્તમાં પ્રકૃતિ પોતાનાં સૌંદયને શબ્દાવલિમાં કવન કરે છે !
.
શબ્દાર્થ : શૃંગમાલા - પર્વતનાં શિખરની હારમાળા, તટ - કિનારો , તરુ - વૃક્ષ , વારિતરંગ - પાણીનાં મોજાં, અભ્ર - આકાશ, વાદળ, શુભ્ર – શ્વેત, સફેદ, વીચીમાલા - તરંગ કે મોજાંની હારમાળા, અનિલલહરી – પવનની લહેર, વલ્લરી - વેલ, લતા, જલસેજ – પવનની ગોદમાં, ગાત્ર – હાથ, પરિમલ – સુગંધ, પલ્લ્વપ્રાન્ત – તાજાં ફૂટેલ કૂંપળ કે પાનનો સમૂહ ( bushes ) , વિધુ - ચંદ્ર, ચારુ – રમણીય, મનોહર.
.
.
.
.
Pinki @ July 21, 2011
વરસાદે વરસાદે કોરા : મકરંદ મૂસળે
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, મકરંદ મુસળે, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (1)
ઝાપટા ની જેમ જાણે છેતરવા નીકળે, ને આપણ ને એમ કે ભીંજાશું,
દરિયાની જેમ જાણે હિલ્લોળા લેતી એ આંખો માં ડૂબકાઓ ખાશું.
કોરીધાકોર જેવી વાદળીનાં દરવાજે, મારીએ લ્યા આપણે ટકોરા.
આપણે તો વરસાદે વરસાદે કોરા.
માર માર આવ્યો ને ધોધમાર વરસ્યો, ત્યાં આપણે તો પાછા મૂંઝાણા,
માથા ઉપર ની આ છતમાંથી ડોકાણાં, ક્યાંથી તિરાડ ? ક્યાંથી કાણાં ?
સાવ જ ઉલેચી ઉલેચી ને થાક્યા, આ જિન્દગીના ખાલી કટોરા.
આપણે તો વરસાદે વરસાદે કોરા.
Pinki @ July 20, 2011
વરસાદ ભીંજવે : રમેશ પારેખ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, રમેશ પારેખ, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (3)
.
( મને ભીંજવે તું ….. તને વરસાદ ભીંજવે )
.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે
- રમેશ પારેખ
.
નહીં છાલક, નહીં છાંટા - ભર ઉનાળે ય, સોળે કળાએ ખીલેલા આ ચોમાસામાં માંહ્યલો લથબથ ભીંજાઇ જાય તેવું ગીત !
.
.
.
.
Pinki @ July 19, 2011






