વર્ષા : ઝવેરચંદ મેઘાણી
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ઝવેરચંદ મેઘાણી, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (6)
.
( ભીડેલા આભને ભેદી … આવ રે આવ અહીં ચાલી )
.
ભીડેલા આભને ભેદી કો’ રાજબાળ તાળીઓ પાડતી છૂટી,
બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.
ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,
લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.
રુંધ્યાં જોબન એના જાગી ઊઠ્યાં રે આજ, કાજળ ઘૂંટે છ (છે) કાઠિયાણી,
નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી (ઊડાડતી) કોને ગોતે છ મસ્તાની !
કોને પાવાને કાજ સંચી રાખેલ હતી આ વડલાની દૂધની કટોરી!
ચાંદા-સૂરજની ચોકી વચ્ચેય તુંને કોણ ગયું શીખવી ચોરી !
સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘોડલાની જોડ મેં દીઠી;
એની બેલાડમ ચડી, ક્યાં ચાલી એકલી, ચોળી તું તેજની પીઠી ?
નિર્જન ગગનના સીમાડા લોપતી, આવ રે આવ અહીં ચાલી;
સૂતી વસુંધરાને વીજળ સનકાર કરી, પાતી જા ચેતનાની પ્યાલી.
- ઝવેરચંદ મેઘાણી
.
.
હે…ઇને બાપુને ચોરે ડાયરો જામિયો હોય …. ને, વરહાદ જો ધાઈડ પાઇડે, ને ત્ઇંયે, જો બાપુ વરહાદનું ગાણું ગાય તો ? - હા, આજે ભીંજાઈશું કાઠિયાવાડી વરસાદમાં ઝવેરચંદ મેઘાણીની કલમે. અંબોડલાની એક જ લટને હજુ તો છૂટી કરી, આંખ્યુંમાં કાજળ આંજી, તેજ ની પીઠી ચોળી, કોઇ રાજબાળાની જેમ વર્ષા આવી રહી છે અને કવિ તેને આવકારતાં ગાઇ ઊઠે છે, આવ રે આવ અહીં ચાલી, પાતી જા ચેતનાની પ્યાલી !!
.
.
.
.
Pinki @ July 18, 2011
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ! : ધ્રુવ ભટ્ટ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ધ્રુવ ભટ્ટ, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (3)
.
( નીતરશે ….. વાડ પરે સૂતેલી લીલાશ , ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ! )
.
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
- ધ્રુવ ભટ્ટ
.
.
પહેલો વરસાદ – ભીંજવી તો ગયો પણ આઠ મહિનાની અંતરની કોરપ હજુયે મનને કોરે છે…. અને ત્યારે ગોરંભાયેલા આભને ચાતક નજરે તાકતી આંખો અને કોરું દિલડું - સાવ અંગત અને પોતીકી ક્ષણોમાં શરુ કરે છે ગુફતેગો ! જોજેને, રોજેરોજ ઊંચેથી આરપાર સરી જતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…. ! અને ધોધમાર વરસવાની વાત સાંભળી – મનડું કહે છે, ચાલ ટહુકો થઇ જઉં અને ગહેકું રે પાનમાં ! શું આપણને થાય – એવું વાદળને, ઝરણાંને, ઘાસને, ડુંગરને ય થતું હશે ???
જો નેવેથી દદડતું ગામ, ડુંગરેથી ખળખળ વહેતું ઝરણ બની શકે તો - કેમ નહિં ?!! એનેય થતું જ હશે !
.
શબ્દાર્થ : રાન – ગાઢ જંગલ.
.
.
.
.
Pinki @ July 16, 2011
આ પ્રથમ વરસાદમાં : તુષાર શુક્લ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, તુષાર શુક્લ, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (3)
.
.
આ પ્રથમ વરસાદમાં ચલ બ્હાર જઈએ
આવ તું ! અસ્તિત્વથી મલહાર ગઈએ
ચાલ, આપણ બેઉ મૂશળધાર થઈએ
ભીંજીએ એને જ બસ વરસાદ કહીએ -
આભ ધરતી પ્રણય રત ભીંજાય ભીંજે
આપણે પણ ક્યાં સુધી કોરાં રહીએ ?-
જે હતું બંધન મહીં તે પીગળ્યું છે
આવ, ઓગળીએ, અનગર્ળ આવ વહીએ -
- તુષાર શુક્લ
.
.
ચાર ચાર મહિનાના ધોમધખતા તાપ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી ખરી… ! અને સૌ પલળ્યા પણ હશે જ … પણ ખાલી પલળ્યાં જ કે થોડું ભીંજાયા પણ ?!! જો હજી પણ કોરાં રહી ગયા હશો તો પણ – વરસાદી ગીત ગઝલોમાં ચોક્કસ ભીંજાઇ જશો. તુષારભાઇનાં શબ્દોમાં – જે જડ હોય એ માત્ર પલળે, જીવંત હોય એ જ ભીંજાય. પહેલો વરસાદ તો આવી ગયો પણ પ્રથમ વરસાદ ખરેખર કોને કહીશું ?
પહેલો વરસાદ કોને કહેવો ? આપણા જન્મ પછીના પહેલા ચોમાસે જે પહેલી વાર વરસ્યો એ ? કે જેમાં આપણે પહેલી વાર પલળ્યા તે ? પહેલો વરસાદ કદાચ એ કે , જેમાં ભીંજાયાં હોઇએ. અથવા સાથે ભીંજાવાની ઇચ્છા થૈ હોય. કોઇ કારણે સાચેસાચ ભીંજાવાનું ભલે ને ન ય થયું હોય – પણ, પહેલો વરસાદ એટલે આ ….. છત્રી નીચે ય ભીંજવી જાય તે જ પહેલો વરસાદ !
.
તુષારભાઇ કહે છે, છત્રી નીચે ભીંજવી જાય તે જ પહેલો વરસાદ ! પણ , તેમનું આ ગીત વાંચીને તો વગર વરસાદે પણ ભીંજાઈ જશો !
.
.
.
.
Pinki @ July 15, 2011
મા ! : રતિલાલ બી. સોલંકી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, માતા-પિતા, સાહિત્યકાર, રતિલાલ સોલંકી | Comments (6)
.

( પગભર ખોરડું )
,
તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !
સાવ ખાલીખમ હતું પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !
ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !
- રતિલાલ બી. સોલંકી
.
.
મા વિનાનું ઘર ક્યારેય ઘર ન કહેવાય. બસ, તેની હાજરી માત્ર જ અને ઘર ભર્યું ભર્યું ! ઘર ખાલી થઇ જાય અને તેની ગેરહાજરી વર્તાય તે પહેલાં ‘મા’ નું હોવાપણું ઉજવી લઇએ ?!!!
.
.
.
.
Pinki @ May 8, 2011
મા : ‘સપન’ કુરેશી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, માતા-પિતા, સાહિત્યકાર, સપન' કુરેશી | Comments (4)
.

.
મને યાદ આવે છે તમ હાજરી મા,
ગયા છો ખરેખર થઈ ખાતરી મા.
અમે હાથ ધરતાં રડ્યાં ભાઇ બન્ને,
તમે બહુ કરાવી નહીં ચાકરી મા.
તમારા જ હકમાં દુઆઓ કરે સૌ,
તમે આખેરતની સફર આદરી મા.
દુઆ છે બને ફૂલ તુરબતની મારી,
પથારી તમે ખાકમાં પાથરી મા.
સહન કેમ થાશે ‘સપન’થી જુદાઈ,
કસોટી સબરની થશે આકરી મા.
- ‘સપન’ કુરેશી
.
.
‘મા’ એટલે હૂંફ અને સલામતીનું સરનામું. એ જ્યારે ન હોય ત્યારે જ તેની ગેરહાજરી વર્તાય. બાકી તો મમ્મી એટલે કોઇ પણ વાત કે વસ્તુ માટે taken for granted . માતૃદેવો ભવની સંસ્કૃતિ તો રોજ સવારે વંદન કરવાનું સૂચવે છે. આજનાં દિને વંદન કરવાનું ચૂકશો નહિં. Happy Mother’s Day to all of you.
.
.
.
.
Pinki @ May 8, 2011
પ્હેરે છે : કિરીટ ગોસ્વામી
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યકાર, કિરીટ ગોસ્વામી, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (6)
.
કદી મન આજ પ્હેરે છે, કદી ગઇ કાલ પ્હેરે છે,
કદી એ આવનારી કાલનાં કૈં ખ્યાલ પહેરે છે.
બિચારા માણસો ઇચ્છા પડે તે ક્યાં શકે પ્હેરી ?
સતત સંજોગ પ્હેરે છે, સમયની ચાલ પ્હેરે છે.
તમારે હાથ લાગે કઈ રીતે મખમલ પરમસુખનું,
તમારો જીવ કેવળ દુન્યવી જંજાળ પ્હેરે છે.
વલણ એ આદમીનું છે અનોખું ને અલગ સૌથી,
તરત એ એટલે સૌની નજરનું વ્હાલ પ્હેરે છે.
કણેકણમાં સમાયો છે તમારા નામનો જાદુ,
બધાં તવ નામની માળા, થવાને ન્યાલ, પ્હેરે છે.
- કિરીટ ગોસ્વામી
.
.
ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો પહેરે છે, તેવી જ રીતે આત્મા જૂનો દેહ છોડી નવો દેહ ધારણ કરે છે. પણ, દેહ ધારણ કર્યા બાદ, દુન્યવી જંજાળ મનને કેવાં કેવાં પહેરણ પહેરાવે છે ?!
.
.
.
.
Pinki @ May 3, 2011



