Headlines

રે આજ અષાઢ આયો : નિરંજન ભગત

મેઘદૂત : કાલિદાસ (અનુ : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )

आषाढस्य प्रथम दिवसे ? : લાલજી કાનપરિયા

રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

રે આજ અષાઢ આયો : નિરંજન ભગત

Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, નિરંજન ભગત, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (3)

meghadhanushya

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને, મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને, વરસી હેતની હેલ ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેઘવીણાને કોમલ તારે, મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે, રેલ્યા મલ્હારસૂર ;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો, સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો, મને, ન લાગ્યો રંગ ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર, ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર, વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો, રે આજ આષાઢ આયો !

- નિરંજન ભગત

કવિ નિરંજન ભગતની કલમે મેઘદૂતનાં વિષયવસ્તુની (?)  કાવ્યમય રજૂઆત.

શબ્દાર્થ : માઢ – શાસ્ત્રીય સંગીતનો એક રાગ, દખ્ખણ – દક્ષિણ દિશા,  અલકા – કાલિદાસ રચિત મેઘદૂતમાં વર્ણવેલ અલકાનગરીનો સંદર્ભ, બિરહ – વિરહ.

.

Pinki @ July 14, 2010

મેઘદૂત : કાલિદાસ (અનુ : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )

Posted in: સાહિત્યપ્રકાર, અનુવાદ, સાહિત્યકાર, કાલિદાસ, સાહિત્યપ્રકાર, કાવ્ય, સાહિત્યકાર, કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ, સાહિત્યકાર, રજનીકુમાર પંડ્યા | Comments (4)

Meghdoot coverpage

સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા (૧)

कश्चित् कान्ताविरहगुरुणा स्वाधिकारात्प्रमत्त: शापेनास्तड्ग्मितहिमा  वर्षभोग्येण  भर्तु: ।
यक्षश्चक्रे जनकतनयास्त्रानपुण्योदकेषु स्त्रिग्धच्छायातरुषु  वसतिं  रामगिर्याश्रमेषु  ॥१॥

તે અદ્રિમાં, જ્યમ ત્યમ, કરી કામિ યક્ષે નિવાસ,
વ્હાલીકેરો વિરહ સહિને, ગાળિયા કૈક માસ;
અંગે ઝાઝો કૃશ થઈ જતાં,કષ્ટથી શોચી શોચી,
સોનાકેરું સરિ ગયું કડું, દૂબળા હાથમાંથી ;
વપ્રક્રીડા કરિ, ગિરિતણાં શૃંગ ઉથામવાને,
નીચું માથું કરિ, નમિઉભો હસ્તિ ના હોય જાણે;
ઘેરાયેલો નિકટ જઈને, શિખ્ખરે પર્વતોનાં,
દીઠો એણે, રમણિય નવો મેઘ આષાઢ થાતાં (૨)

तसिमन्नद्रौ कतिचिदबलाविप्रयुक्त: स कामी नीत्वा मासान् कनकवलयभ्रंशरिक्तप्रकोष्ठ: ।
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुं  वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं  ददर्श  ॥२॥

તેને દેખી કુતૂહલ થતાં ; નેત્રથી માંડી લક્ષ, બેળે બેળે,
ક્ષણ રહિ ઊભો, યક્ષ તેની સમક્ષ ;
થંભાવીને, વિરહદુઃખનાં આંસુઓ ઝાઝીવાર ;
લાગ્યો ઉંડા કંઈક કરવા, ચિત્તમાંહે વિચાર ;
પ્રેમી સાથે, સુખથી વસતા હોય તેવા જનોની,
થાયે સ્‍હેજે ચલિત મનની વૃત્તિઓ, મેઘ દેખી ;
તો શું કે’વું પ્રણયિજનનું, વ્હાલિ જેની વિયોગે,
જૂદી થાતાં તલસિ રહી છે, કંથને ભેતવાને (૩)

तस्य स्थित्वा कथमपि पुर: कौतुकाधानहेतो: अन्तर्बाष्पश्चिरमनुचरो  राजराजस्य  दध्यौ  ।
मेघालोके भवति सुखिनोऽप्यन्यथाव्रत्ति चेत: कण्ठाश्लेषप्रणयिनि  जने किं पुनर्दूरसंस्थे  ॥३॥

દેખી વર્ષા નિકટ, સખીનાં પ્રાણ ઉગારવાને,
સંદેશામાં, કુશળ ખબરો કા’વવા મેઘ સાથે ;
તાજાં ખીલ્યાં કુટજ કુસુમે, હર્ષથી આપી અર્ઘ,
પ્રીતિભીનાં વચનથી દિધો, મેઘને આવકાર (૪)

प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी जीमूतेन स्वकुशलमयीं  हारयिष्यन्  प्रव्रत्तिम्  ।
स प्रत्यग्रै: कुतजकुसुमै: कल्पितार्घाय  तस्मै  प्रीत: प्रीतिप्रमुखवचनं  स्वागतं  व्याजहार  ॥४॥

ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા,
ક્યાં સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લૈ જવાતા,
એવું કાંઈ ન લહિ, અધીરો યાચતો યક્ષ એને,
કામી નિશ્ચે જડ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે (૫)

धूमज्योति: सलिलमरुतां संनिपात: क्व मेघ: संदेशार्था: क्व पतुकरणै: प्राणिभि: प्रापणीया: ।
इत्यौत्सुक्यादपरिगणयन् गुह्यकस्तं ययाचे कामआर्ता हि प्रक्रतिक्रपणाश्चेतनाचेतनेषु  ॥५॥

- કાલિદાસ

( અનુવાદક :  કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )

( સંપાદક : રજનીકુમાર પંડ્યા )

મહાકવિ કાલિદાસ રચિત ” મેઘદૂતમ્ ” નાં આશરે ચાલીસેક અનુવાદ માત્ર ગુજરાતી ભાષામાં જ થયાં છે.   આ મહાકાવ્યમાં કુબેરની સેવા કરતો યક્ષ, સ્વામીસેવા વીસરી પ્રિયતમા સાથે સમય વીતાવે છે. અને ત્યારે ગુસ્સે થયેલાં કુબેર યક્ષને એક વર્ષ સુધી, પ્રિયતમાથી દૂર રહેવાનો શ્રાપ આપે છે. આ વિરહકાળ દરમિયાન રામગિરિ ( હાલમાં નાગપુર પાસે આવેલ રામટેક ) પરથી પસાર થતાં મેઘને જોઇ, યક્ષની વિરહવેદના અતિક્રમી જાય છે.  અંતે,  યક્ષ સજીવ-નિર્જીવનો ભેદ પણ ન સમજ્યાં વિના, મેઘને જ  દૂત બનાવી, કૈલાસ પર્વત પર આવેલ અલકાનગરીમાં પોતાની પ્રિયતમાને સંદેશો મોકલાવે છે.  કવિ રામગિરિથી અલકાનગરી સુધીનો માર્ગ  મેઘને બતાવે છે જેમાં અદ્‌ભૂત પ્રવાસવર્ણનો, પ્રકૃતિવર્ણનો પણ માણી શકાય છે.

સૌ વિદ્વાનો અને સાહિત્યરસિકો  કિલાભાઇ ઘનશ્યામે  ઈ.સ. ૧૯૧૩માં  કરેલ સમશ્લોકી અનુવાદને શ્રેષ્ઠતમ માને છે.  નવનીતભાઇ શાહ, ફિઝાબેન શાહ અને રજનીકુમાર પંડ્યા અન્ય ગુણીજનોની મદદ થકી, માર્ચ ૨૦૧૦માં તેમનાં અનુવાદને અન્ય રસપ્રદ માહિતી સાથે પુનઃમુદ્રિત કરે છે. વળી, પુસ્તકમાં નામાંકિત ચિત્રકારોની કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત તેની સંગીતમય રજૂઆત આશિતભાઇ દેસાઇ અને પ્રફુલ્લભાઇ દવેએ કરી છે.  પુસ્તક અંગે વિસ્તૃત માહિતી આપને ઉર્વીશભાઇનાં બ્લૉગ પરથી મળી શકશે. ( સંસ્કૃત શ્લોક  : રક્ષિત પંડિત )

.

Pinki @ July 13, 2010

आषाढस्य प्रथम दिवसे ? : લાલજી કાનપરિયા

Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, લાલજી કાનપરિયા, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (1)

megh

વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?

મોરપિચ્છના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું ?
ભીના ભીના ટહુકાઓની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું ?
મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?

હસ્તરેખાઓ બધીય જળના રેલા થઇને વહી જાય અચાનક આજે,
મેઘધનુ શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે.
લોહી સોંસરો ઊઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?

- લાલજી કાનપરિયા

आषाढस्य प्रथम दिवसे – એટલે કે, અષાઢ માસનો પ્રથમ દિવસ – આભમાં ગોરંભાતા કાળાં ડિબાંગ વાદળો અને ….. વ..ર..સા..દ ??!  ના…  આ તો છે મહાકવિ કાલિદાસ  અને  કાલિદાસ રચિત  ‘મેઘદૂતમ્‍’  નો પર્યાય  !   વરસાદ વરસે કે ના વરસે -  શ્યામલ મેઘને જોઇ,  મેઘદૂત અને પ્રિયજનની યાદ તો વરસે જ.  અને આવી જ કંઇક વરસાદની ભીની સુગંધ લઇને આવતું  આ ગીત પણ આપ સૌને વગર વરસાદે ચોક્કસ ભીંજવી જ દેશે.

વરસાદી ઋતુ ભીના ભીના ટહુકાઓ  કરી, આપણી અંદર રહેલ એક નિર્દોષ બાળકને સાદ કરીને બોલાવે,  ત્યારે હૈયે કેવો ભીનો ઉન્માદ ઉમટી આવે છે ? તો,  મેઘધનુષ્યનાં રંગનો ઉમંગ – હસ્તરેખામાં રહેલ સર્વ દુઃખોને પણ જાણે કે, ભૂંસી નાંખે છે  - વરસાદની સાથે આંખમાંથી વહેતાં આંસુમાં જ વહી જાય છે.   આ મસ્ત , માદક મોસમમાં, સઘળુંયે ભૂલી, આપ સૌને  ભીંજાવાનું ભીનું ભીનું આમંત્રણ .  એટલે કે,  વૅબમહેફિલ પર  ધોધમાર વરસાદમાં તરબતર ભીંજાવાની મોસમ આવી ગઇ છે !  :)

.

Pinki @ July 12, 2010

રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

Posted in: સાહિત્યકાર, અમૃત 'ઘાયલ', સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (7)

rasto

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

- અમૃત ‘ઘાયલ’

અમૃત ‘ઘાયલ’ની એક ખુમારીસભર  ગઝલ.  કોઇ પણ મુશ્કેલીનો રસ્તો આત્મબળનાં સહારે જ મળે છે.  અને કદાચ રસ્તો ન મળે તો, દીપકની જેમ આંધીઓમાં બુઝાઇ નથી જવાનું.  જો ઇશ્વર ખુદ પથદર્શક હોય તો કાળનું પણ શું ગજું ???  ઈશ્વરની કૃપાથી,  સ્વયં પ્રકાશિત બનીએ તો, ગનીચાચા કહે છે એમ, દિશાઓ પણ ફરી જાય છે.  ” શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશા ફરી ગઇ.”  – ‘ગની’ દહીંવાલા

.

Pinki @ July 10, 2010

મૂલ, તોલ ને માપ વિહોણા : રાજેન્દ્ર શુકલ

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રાજેન્દ્ર શુક્લ | Comments (4)

sant

મૂલ, તોલ ને માપ વિહોણા,
આપ વિહરિયેં આપ વિહોણા.

ભૂલ, ચૂક કે થાપ વિહોણા,
તિલક, માલા, છાપ વિહોણા.

પુણ્ય વિહોણા, પાપ વિહોણા,
જાગ્યા કરિયેં જાપ વિહોણા.

આખે આખા શ્વાસ સમર્પિત,
કાપાકૂપી, કાપ વિહોણા.

તરવેણીને તીર તબકિયેં,
ત્રણે પ્રકારે તાપ વિહોણા.

વંશી વણ પણ મેં દીઠા છે,
દીઠા છે શરચાપ વિહોણા.

આ તો અમથો વેશ ધર્યો છે,
મૂળે તો મા-બાપ વિહોણા.

- રાજેન્દ્ર શુક્લ

‘અહં બ્રહ્માસ્મિ’ કે ‘તત્ત્વમસિ’  આત્મસાત્ થયા બાદ, આપવિહોણા થઇ શકાય અને પછી તો પાપવિહોણા, પુણ્યવિહોણા, તાપવિહોણા. બસ, જરુર માત્ર છે,  કાપવિહોણા,  આખેઆખા શ્વાસ કૃષ્ણાર્પણ કરવાની.

શબ્દાર્થ :  તાપ – દુઃખ, મનની પીડા, ( વૈદિક માન્યતા મુજબ, ત્રિવિધ-ત્રણ પ્રકારનાં તાપ એટલે કે દુઃખ રહેલાં છે.  આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક) ,  તરવેણી  – ત્રિવેણીસંગમ ( ગંગા, યમુના, સરસ્વતી નદીનો જ્યાં સંગમ થાય છે તે સ્થળ, પ્રયાગ જ્યાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે ) શરચાપ – ધનુષબાણ.

.

Pinki @ July 9, 2010

વખત વીતાવું છું : ગૌરાંગ ઠાકર

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગૌરાંગ ઠાકર | Comments (6)

ક્યાં હું એમાં કશું ગૂમાવું છું ?
મારી સાથે વખત વીતાવું છું.

વાત બહુ ખાનગી જણાવું છું,
ફૂલ પાસે ગઝલ લખાવું છું.

કેવી રીતે મકાન ઘર થાશે ?
દીકરીને હું એ ભણાવું છું.

મુગ્ધતા આંખને મળે ત્યારે,
ગાલે ટપકું તરત લગાવું છું.

મારો ઈશ્વર હવે મલાજો રાખ,
હું તને સઘળે ઓળખાવું છું.

જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.

વિસ્તરે ઘરથી રોજ અનહદમાં,
મારી એવી છબી કઢાવું છું.

- ગૌરાંગ ઠાકર

આજનાં સમયમાં લોકોને ખુદને મળવાનો મોકો જ  મળતો નથી ત્યારે જાત સાથે સમય વીતાવવાની વાત જ ક્યાં કરવી ?  અને ધારોકે, સમય મેળવી લઇએ તો પણ તેનું મૂલ્ય આપણે સમજી શકતાં નથી.  પણ આવો જ કોઇક ૨૫ મો કલાક ખુદને આપીએ તો ચોક્કસ ફૂલ પાસે પણ ગઝલ ગવડાવી જ શકાય,  મુગ્ધતાને પણ પામી શકાય અને ઘરની હદ અનહદ સુધી વિસ્તારી શકાય.

.

Pinki @ July 8, 2010

This text will be replaced by the flash music player.
Powered By Indic IME