મોસમ આવી છે કમાલની : અંકિત ત્રિવેદી
Posted in: સાહિત્યકાર, અંકિત ત્રિવેદી, સાહિત્યપ્રકાર, ગીત | Comments (5)
સામે ચાલીને હવે ચર્ચા કરું છું, તારા પૂછ્યા વગરના સવાલની
મોસમ આવી છે કમાલની…..
સપનાનો સૂરજ જે આંખોમાં ઊગે,
એને દિવસે દેખાય રોજ તારા.
કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,
ત્યારે ઉકલે અવસરનાં અણસારા.
દિવસ પણ ઊગવાનું યાદ રાખી રોજ રોજ વાતો કરે છે આજકાલની.
જીવતરનો અર્થ પછી હોવું થઈ જાય,
એવે ટાણે સમજાઈ જાય તું,
ભીનપને લીલેરી લ્હેરખી ફૂટેને,
એવે ટાણે છલકાઈ જાય તું.
મુટ્ટીઓ સાચવીને રાખી મૂકી છે મારા હૈયે ઊડેલા ગુલાલની.
- અંકિત ત્રિવેદી
“કોઈ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત સૂરજ છે,
સૂરજમુખી સૂરજ સામે ધારીધારી રાહ જુએ છે.” – અંકિત ત્રિવેદી
આજે અંકિતનાં જન્મદિને ગઝલપૂર્વક-ગીતપૂર્વક આપ સહુ વાચકો અને ભાવકો તરફથી કાવ્યમય શુભેચ્છાઓ…… !! વાસંતી વાયરા પણ ફૂંકાય છે અને ફાગણ પણ બરાબર ફાલ્યો છે . તો કેસૂડાં અને ગુલ્મહોરની છાયામાં – આવી કમાલની મોસમમાં, પૂછ્યા વગરનાં સવાલની ચર્ચા સામે ચાલીને કરવી જ પડેને. વળી, હવે તો હોળી-ધૂળેટી – અવસરનાં અણસારા – ક્યાં સુધી હૈયે ઊડેલાં પ્રીતનાં ગુલાલને મુટ્ટીમાં સાચવી રાખશો ? મુટ્ઠી નહિં, હૈયું ખોલી ગીતનાં ગુલાલે રંગશોને રંગાઈ પણ જશો….. !! ઉપર ટાંકેલાં શેરમાં ભાવક સૂરજમુખી અને કોઈ ખૂબ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત- સૂરજ તેવી વિભાવના સાથે તેનાં નવાં સર્જન અને કાર્યક્રમની અમે ધારીધારીને રાહ જોઈએ છીએ, ખરુંને ?!!
.
Pinki @ March 9, 2009
સ્ત્રી-સ્વાતંત્ર્ય : પન્ના નાયક
Posted in: સાહિત્યકાર, પન્ના નાયક, સાહિત્યપ્રકાર, લઘુકાવ્ય | Comments (3)
બે પગમાંથી
કયો પગ
ઊકળતા પાણીમાં મૂકવો
અને કયો
બરફના ચોસલામાં
એનો
સ્વતંત્ર નિર્ણય લેવા
અપાયેલો અધિકાર
એટલે
સ્ત્રી-સ્વાતંત્ર્ય
- પન્ના નાયક
મિત્રો, આજે ઈન્ટરનેશનલ વીમેન્સ ડે….. જેની સર્વ પ્રથમ ઉજવણી કદાચ રશિયામાં અને પછી અમેરિકામાં થઈ હતી. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરીએ તો પહેલો સવાલ એ જ ઊઠે કે સ્વતંત્રતા એટલે શું ? – અને પાયાનાં આ પ્રશ્નને પન્નાઆંટીએ બહુ સરસ રીતે ઉઠાવ્યો છે. કારણ સ્ત્રીને તો એક પગ ઊકળતા પાણીમાં અને બીજો પગ બરફના ચોસલામાં – બન્ને પરિસ્થિતિ નોર્મલ તો નથી જ. તો સ્વતંત્રતાની વિભાવના શું ? પ્રાચીનકાળથી જ સ્ત્રીની એક વિભાવના “આર્યપુરુષો” એ નક્કી કરેલી જ હતી.
“कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥”
અર્થાત્ , બાહ્યકાર્યમાં મંત્રી, ગૃહકાર્યમાં દાસી, ભોજનકાર્યમાં માતા, શયનમાં રંભા, ધર્મકાર્યમાં સાનુકૂલ અને ક્ષમા આપવામાં ધરતી સમાન-આ છ ગુણો ધરાવતી પત્ની મળવી મુશ્કેલ છે. વૈદિક કાળથી જ ઉષા ઉપાધ્યાયનાં શબ્દોમાં કહું તો – ” સપ્તર્ષિના બીજા તારાઓ કેવા ઝળહળતા છે પણ અરુંધતીનો તારો આટલો નાનો ને ઝાંખો કેમ છે ?” (અરુંધતી-વસિષ્ઠ ઋષિનાં પત્ની) આગળ ઉષાબેન કહે છે, ” હજુ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. એક નારી તરીકે આ પ્રશ્નના ઉત્તરની શોધ એ મારો પ્રમાણિક અવાજ છે. ” અને આ ખોજનું પરિણામ સ્વરૂપ તેમની કવિતા ‘મુક્તિ’. હા… આજે વીમેન્સ ડે પર કાવ્યત્રયી માણવાનું ના ચૂકશો. તો પન્નાઆંટીએ પોતાની વૅબસાઈટ હમણાં જ લૉન્ચ કરી છે તો તેની મુલાકાત પણ લેશો.
.
Pinki @ March 8, 2009
મુક્તિ : ઉષા ઉપાધ્યાય
Posted in: સાહિત્યકાર, ઉષા ઉપાધ્યાય, સાહિત્યપ્રકાર, લઘુકાવ્ય | Comments (0)
નળ કરે છળ
તો ત્યજી શકે દમયંતી,
રામ કહે “બળ”
તો છોડી શકે સીતા
રચાશે પૃથ્વી પર જ્યારે
એવી સંહિતા
ત્યારે
આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા
સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે
રાવજીની પાછલી રવેશ જેવો
ઝાંખું ઝાંખું પ્રકાશતો
અરુંધતીનો તારો
ખીલી ઊઠશે બટમોગરાની જેમ
તેજે છલકાતો…..
- ઉષા ઉપાધ્યાય
અરુંધતીની ઉગ્ર તપશ્ચર્યા અને વસિષ્ઠઋષિનાં અતિ આગ્રહને કારણે અરુંધતિને સપ્તર્ષિમાં સ્થાન તો મળ્યું છે. કિંતુ તે તારો નાનો અને ઝાંખો છે અને ‘માનવસહજ’ કુતુહલ કોઈ પુરુષને નહીં પણ સ્ત્રીને થયું ને વ્યક્તિગત મૉરલ આ પ્રશ્નનો ઉત્તર શોધવા તેમને મજબૂર કરે છે. અને જ્યારે જવાબ મળશે એટલે કે – ધ્રુવ જેવો જ પ્રકાશિત તારો નક્ષત્રમાં તેનો હશે ત્યારે જ તેને મુક્તિ મળેલી કહેવાશે. આ વાત તો થઈ વૈદિક કાળની….. તો મધ્યયુગમાં સંત તુલસીદાસજીએ કહેલું,
ढोर गवार शुद्र पशु नारी ये सब ताड्न के अधिकारी ..
જે મધ્યયુગની માનસિકતા છતી કરે અને વૈદિકકાળની સ્ત્રીની વિભાવનાને ખંડિત કરે છે પણ હવે આ યુગમાં – એકવીસમી સદીની વાત નહીં – પણ પુરુષ સ્ત્રીની માનસિકતા સમજે છે તેવું નથી લાગી રહ્યું ?
હિન્દી સાહિત્યનાં સમર્થ કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તને સ્ત્રીનાં દર્દનો અહેસાસ થયો છે અને ‘યશોધરા’માં કહે છે,
‘अबला जीवन हाय तुम्हारी यही कहानी
आंचल में है दूध और आंखों में पानी’
તો આપણા ગુજરાતી કવિ ‘નિમ્મેસભાઈ’ એટલે કે નિર્મિશ ઠાકર સ્ત્રીને અશ્રુનું ઘર કહી સ્ત્રીના આંતરમનને અજવાળે છે.
.
Pinki @ March 8, 2009
ઘર અશ્રુનું : નિર્મિશ ઠાકર
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, નિર્મિશ ઠાકર | Comments (1)
જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?
- નિર્મિશ ઠાકર
નિર્મિશભાઈએ પોતાની કલમથી સ્ત્રીની લાગણીઓને વાચા આપી છે. સ્ત્રીને તો પોતાનું ઘર લાગે એવી વર્તણૂંક માત્રથી જ તેને તેનું ઘર મળી જશે કોઈ કાયદા-કાનૂન મુજબ તેનાં નામે ઘર કરવાની વાત નથી. જેમ પન્ના આંટીના કાવ્યમાં સ્ત્રી સ્વાતંત્ર્ય ચીસો પાડીને એટલું જ કહે છે તેને પોતાની ‘માત્ર’ પોતાની કહેવાય એવી ક્ષણો જીવવી છે. રસોઈ કરતાં કરતાં મસાલાનાં ડબ્બામાં મીઠા, મરચાં, હળદરમાં કો’ક વાર તેનો સફેદ, લાલ કે પીળો રંગ આંખમાં ઊભરાઈ આવે તો કેન્વાસ પર એક પીંછી મારવાની મોકળાશ જોઈએ છે. કૂકરની વ્હીસલમાં જો સંગીતનો કોઈ આઠમો સૂર સંભળાય તો સિતારનો એક તાર છેડવાની સ્વતંત્રતા જોઈએ છે. જય વસાવડા કહે એમ, ‘woman’ તો ‘working’ જ હોયને ?!! તે પછી ઘરમાં કે બહાર…. પણ તે આવી મોકળાશ કે સ્વતંત્રતા માંગે તો તેને સ્વચ્છંદતા તો નહિં કહોને ?!! શક્ય છે અરુંધતીનો નાનો અને ઝાંખો તારો ધ્રુવ સમાન ઝળહળી ઊઠે !!
.
Pinki @ March 8, 2009
વચ્ચે હું ઊભો : કિશોર મોદી
Posted in: સાહિત્યકાર, કિશોર મોદી, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (6)
રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો,
દ્દશ્ય, ઇચ્છા, કોલ વચ્ચે હું ઊભો.
રોજ ઊઠીને પીછો મારો કર્યો,
તૂર, ત્રાંસાં, ઢોલ, વચ્ચે હું ઊભો.
મૌનથી દીવાલ ચીતરવી પડી,
હોઠ, મરમર, બોલ વચ્ચે હું ઊભો.
ખાલીપો માણસ સમો કોઇ નથી,
સ્ટેજ, પાત્રો, રોલ વચ્ચે હું ઊભો.
સાંજની લીલપમાં ટહુકી જાવું છે,
વાડ, ખેતર, મોલ વચ્ચે હું ઊભો.
લયવિલયની લ્યો કવિતા ગાવી છે,
સ્વર, હલક ને લોલ વચ્ચે હું ઊભો.
- કિશોર મોદી
રોજબરોજની જિંદગીમાં ત્રિભેટે આવીને – ક્યાં જવું ? ની મથામણમાં જિંદગી વીતાવી દેતાં હોઈએ છે . કિશોરભાઈ ત્રિશબ્દે આપણને એક મુકામે એકઠાં કરે છે અને મીઠી મૂંઝવણમાં મૂકી સ્વર, હલક ને લોલ ની વચ્ચે મૂકી આ ગીત ગાવા મજબૂર કરી દે છે. ‘આનંદ’ પિક્ચરનો ડાયલૉગ યાદ અવી જાય, ને સ્ટેજ અને રોલ વચ્ચે માણસનો ખાલીપો સ્ટેજ પર આવી ઑડિયન્સની દાદ મેળવી જાય તેવી જ દાદ આ ગઝલ પણ મેળવી જાય. વાડ,ખેતર અને મોલ વચ્ચે ઊભા રહી કોણ સાંજની લીલપમાં ટહુક્યા વિના રહી શકે ? તો ગઝલમાં પણ ‘લોલ’ શબ્દની ગેયતા ગીત જેટલી જ સુમધુર બની રહી છે.
શબ્દાર્થ : તૂર - તૂર્ય એક વાજિંત્ર (રણશિંગુ, શરણાઈ)
.
Pinki @ March 6, 2009
ખોટ વર્તાયા કરે : ‘ગની’ દહીંવાલા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગની દહીંવાલા, સાહિત્યપ્રકાર, વિશેષ | Comments (2)
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
- ‘ગની’ દહીંવાલા
મિત્રો, ‘ગની’ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે ને ત્યારે આજે તેમની પુણ્યતિથિએ શબ્દાંજલિ અર્પણ કરવી જ રહી. મરણ પછી તો મનુષ્યની ખોટ વર્તાય પણ આપણી નિષ્ક્રિયતાને કારણે જીવતાં જ જગતને કામ ના આવીએ તો શું ? – તેવી સભાનતાપૂર્વક જિંદગી જીવનાર એક આમ આદમીની પણ જગતને ખોટ પડે જ. તો ગનીચાચાની ખોટ તો કેટલી ? જિંદગી એટલે કે – આપણે કરેલાં કર્મોનો સાચો પડઘો તો આપણાં મોત પછી પણ ત્યારે જ પડેને, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે…. !! આજે તેમની પુણ્યતિથિએ તેમનો ગુજરાતી માટેનો પ્રેમ દર્શાવતી એક અન્ય ગઝલ પણ માણીશું.
.
Pinki @ March 5, 2009
