પ્રેમમાં કોઇએ પછાડ્યો છે : હરદ્વાર ગોસ્વામી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, હરદ્વાર ગોસ્વામી | Comments (4)
મૂળસૉતો મને ઉખાડ્યો છે,
ને પછી આભમાં ઉડાડ્યો છે.
શ્વાસ ફાગણ બનીને મહેકાતો,
રંગ કેવો તમે લગાડ્યો છે !
તે પછી ઊંઘ ના કદી આવી,
સ્વપ્નમાં જ્યારથી જગાડ્યો છે.
આવી ઊંચાઇ ના કદી આવે,
પ્રેમમાં કોઇએ પછાડ્યો છે.
કૃષ્ણ ભૂલી ગયા વિદુરભાજી,
કાવ્યનો શબ્દ જ્યાં ચખાડ્યો છે.
પૂજશે સૌ ચરણકમળ, એથી,
પંગુને પર્વતેવ પૂગાડ્યો છે.
સાત સમંદર તરી ગયા પળમાં,
જાતમાં મેં મને ડૂબાડ્યો છે.
- હરદ્વાર ગોસ્વામી
કવિમિત્ર હરદ્વારને તેનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ….. ! વૅબમહેફિલમાં તેણે કરેલી મદદ માટે આભાર શબ્દ તો નાનો પડશે પણ તે છતાં આભાર સહ…….!! વરસાદી ઝાપટાંઓ પડતાં હોય અને જેમ ઉઘાડ નીકળે તેમ, ગઈકાલે હષૅદભાઈ અને આજે હરદ્વારનાં જન્મદિને તેમની ગઝલો માણી. પણ હવામાનખાતાએ આગાહી કરી છે કે, આવતીકાલે ધોધમાર વરસાદ વૅબમહેફિલમાં પડવાનો છે. અમદાવાદમાં તો સતત બાર-તેર કલાક વરસાદ પડી જાય એમ જ… ! બાર-તેર કલાક…. જ !! આટલાં ગીત-ગઝલો મૂક્યાં છતાં ભીંજાયા નહીં ? કાલે તો જરુરથી ભીંજાઈ જ જશો.
.
Pinki @ July 18, 2009
વરસાદ પડે છે : મૂકેશ જોશી
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, મૂકેશ જોશી, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (3)
પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.
વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.
મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.
ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.
યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.
- મૂકેશ જોશી
વરસતાં વરસાદની વાત ભજિયાં વિના તો અધૂરી જ ગણાયને .. ? જેમ કે, છત્રીમાં પેસીને ભીંજાતા બે જણ ( વરસાદથી નહીં, જાલિમ જમાનાથી બચવા ) એમની વાત મમ્મી પપ્પા માની જાય તો જ પૂરી ગણાય … !! મૂકેશ જોશીનું એક હળવું ગઝલનુમા ગીત.
.
Pinki @ July 18, 2009
તારે નહીં ! : હર્ષદ ત્રિવેદી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, હર્ષદ ત્રિવેદી | Comments (6)
કૈંક તો એવું કે ખુદમાંથી જ પરવારે નહીં,
હોઠ પર હૈયેથી આવે એ ય ઉચ્ચારે નહીં !
આ રીતે તો કોઇ માઝમ રાત શણગારે નહીં,
દીપ જલતો હોય તે પળવાર પણ ઠારે નહીં !
એમની તાસીર છે રાખે હ્રદયમાં તોરથી,
થાય ના શરણે ને ખુલ્લેઆમ પડકારે નહીં !
કહે ખરાં, તુજ નામની રટણા નથી અટકી છતાં -
વાર તહેવારે ય લઇને નામ સંભારે નહીં !
છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં !
- હર્ષદ ત્રિવેદી
વરસાદી ગીત-ગઝલોની ઝરમરમાં હર્ષદભાઈને તેમનાં જન્મદિને ભીની ભીની શુભેચ્છાઓ … !!
.
Pinki @ July 17, 2009
લીલાછમ પાંદડાએ : મૂકેશ જોશી
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, મૂકેશ જોશી, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (7)

( ડુંગરાઓ સ્નાન કરે જોઈને… નદીઓ પણ દોડી ગઈ )
લીલાછમ પાંદડાએ મલકાતા મલકાતા માંડી એક અચરજની વાત,
ધરતીને સીમમાં જોઈ એકલી, એને બાઝી પડ્યો રે વરસાદ.
પહેલા ટપાલ જેમ આવેલા વાયરાએ ઘાસના કાનમા દીધી કઈ ફૂંક,
ધરતી તો સાંભળતા સાંભળે એ પહેલા કોયલના કંઠમાંથી નીકળી ગઈ કૂ..ક,
આઠ આઠ મહિને પણ ઓચિંતી આભને આવી ગઈ ધરતીની યાદ.
ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઈને, નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે,
એવામાં આભ જરી નીચે ઝૂક્યું અને ધરતીને ચૂમી લીધી એક શ્વાસે,
ધરતી ને તરણાંઓ ફૂટશેના વાવડથી આભલામાં જાગ્યો ઉન્માદ.
- મૂકેશ જોશી
લીલાછમ પાંદડાએ માંડેલી વરસાદની લીલી પંચા..ત મૂકેશભાઈ જોશીની તરબતર કલમે… !! હવે કોયલની કૂ..ક સંભળાય તો સાનમાં સમજી જજો કે …. !! અને આવી જ મનગમતી રચનાઓ માણવાં તેમનાં બ્લૉગની મુલાકાત જરુર લેશો.
.
Pinki @ July 17, 2009
વર્ષા : હર્ષદ ચંદારાણા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, વરસાદ, સાહિત્યકાર, હર્ષદ ચંદારાણા | Comments (7)
ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.
બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.
સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.
સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.
- હર્ષદ ચંદારાણા
સોનામ્હોર જેવો એક એક છાંટો, વરસી રહ્યો હોય ત્યારે મનને ગમે તે ગાઈ લેવાનું આ ટાણું ઉજવી લેવું જોઈએ. વાદળ નામના કવિએ લખેલ ગાણું એટલેકે, વર્ષાનું ઉખાણું ભીંજાયા વગર, કેમ ઉકેલશો ?!
.
Pinki @ July 16, 2009
વરસાદે દીધી તાલી : જતીન બારોટ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, જતીન બારોટ, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (6)
આખો વરસાદ તારા ભાગમાં આવ્યો,
ને મારા ભાગનું ખાબોચિયુંય ખાલી;
કે મને તારા વરસાદે દીધી તાલી.
ચોમાસુ પોંખવાને રાત અને દિ’, અમે આકરા તે કીધાં’તાં તપ,
તોય કમજાત તારા શહેરમાં પડ્યો, ને મારા ગામડાના એળે આ જપ.
ઓણસાલ ચોમાસુ આભમાં નહીં, ને મારી આંખોમાં બેઠું છે ફાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.
ફરતો કસુંબો છે મારા તે હેતનો, તારી તે પ્રીત કેરા ડાયરા,
ચૂંદડી ને ચોખાની આણ છે તને, ઝટ વહેલા ભરાવ મારા માયરા.
થોડી લીલોતરી બાગમાં હતી, એય મેલીને આજ મને ચાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.
- જતીન બારોટ
લાગે છે જતીનભાઈ અમદાવાદમાં રહે છે, કારણ અમદાવાદીઓ આવું જ કંઇક અનુભવી રહેલાં પણ ગઈકાલે સાંજે વરસાદ થોડો વધુ વરસીને ધરા અને મનને તૃપ્ત કરી ગયો. કારણ પૈસા ખર્ચીને ‘રેઈન-બાથ’ કે ‘રેઈન-ડાન્સ’માં જઈએ – પણ આખુંયે આભ માથે ઝળુંબતું હોય તે વ્યાપકતા-વિશાળતા, તો માટીની ભીની ભીની મ્હેક, વળી, બપૈયા, મોર અને કોયલનાં ટહુકા – આ બધું પૈસા ખર્ચીનેય ……મળે ?! અને કાલે તો અષાઢની વાછટ એવી વાગી કે – મને યાદ આવી ગયું મસ્ત મજાનું ગીત… !!
.
Pinki @ July 15, 2009
