ગઝલ : રશીદ ‘મીર’
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રશીદ મીર | Comments (8)
ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવાત રસ્તામાં.
ગમે તે રીતે એનું મૂલ્ય ચૂકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડપાવે છે રસ્તામાં.
હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.
રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
હતી મારા જ કારણ તો બધી ઘટનાઓ કિસ્સામાં.
- રશીદ ‘મીર’
(૧૬.૧૧.૧૯૯૭)
સાવ સરળ બાનીમાં જિંદગીનો નિચોડ કહેતી ગઝલ.
.
Pinki @ July 7, 2010
વાત : મનોજ ખંડેરિયા
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, મનોજ ખંડેરિયા, સાહિત્યપ્રકાર, વરસાદ | Comments (5)

( વાદળમાંથી વીખરાતી તડકાની સળીઓ )
વરસાદ પછીનાં ઉઘાડ જેવું, કૂણા કૂણા અભાવનું આકાશ આંખમાં ઊઘડે.
ફરી વળેલી ટહુકાની ભીનાશ લઇને, હરતી ફરતી હવા કરે અંઘોળ,
પાંપણમાં અટવાઇ જતી લીલાશ હજી તો, સરુ-વૃક્ષની તાજી ને તરબોળ;
સુગંધના કલશોરે આવ્યું – ઝાંખુંપાંખું ગામ દૂરનું અહીં તણાતું વગડે.
ચાર દિશાને ઘેરી ઊભા પ્હાડ કે એની, હરિયાળીની અંગ અંગમાં ભાત,
આંગળીઓનો પીધો રેશમી કંપ તે એની, પીગળી રહી છે આજ લોહીમાં વાત;
વાદળમાંથી વીખરાતી તડકાની સળીઓ – ચાંચ મહીં કો’ ભાન ભૂલ્યું ખગ પકડે.
- મનોજ ખંડેરિયા
કાળઝાળ ગરમીથી ત્રસ્ત આપણે સૌ જેની રાહ જોતાં હતાં તે વરસાદ, તન-મન ભીંજાય એવો તો હજુ ક્યાં વરસ્યો ? તો પાંપણે અટવાતી લીલાશ હૃદયને ક્યાં હરિયાળું બનાવી શકી છે ? જોકે, ભીનાં કપડાં કે છત્રી,રેઇનકોટ બની ઘરમાં તે લટકવા માંડ્યો છે. પણ તો પણ, થોડીઘણી ગંદકીની ફરિયાદ સાથે પણ તેનો કૂણો કૂણો અભાવ તો સાલે જ છે. કવિ મનોજ ખંડેરિયાનાં જન્મદિને , વરસાદ પછીના ઉઘાડમાં પણ ભીંજવતું એક ગીત.
.
Pinki @ July 6, 2010
એક ખૂણો : કવિ રાવલ
Posted in: સાહિત્યકાર, કવિ રાવલ, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (17)

એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.
એ મને લાગે ઢળેલી સાંજ જેવો,
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો.
હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.
ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.
આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
ચલ ધખાવીને હવે – ત્યાં બેસ ધૂણો.
- કવિ રાવલ
સાવ સૂની સાંજે, સાવ અવાવરુ ખૂણામાં, જ્યાં અરમાનનાં અરુણો પણ અસ્ત પામી ગયેલાં, તે સૂના ખૂણામાં કવિએ જાણે કે, પોતાની કલમ થકી સજીવારોપણ કર્યું છે. કેટલી વાર આપણે પણ, આવી કો’ક એક સાંજ યાદ કરતાં, એટલે કે, જાણે કોઈ તીરથની યાત્રા કરતાં હોય એમ, ત્યાં જ ધૂણી ધખાવીને બેસી, યાદોનાં ખરતાં પોપડાંને ખોતર્યાં કરતાં હોઇએ છીએ.
.
Pinki @ June 24, 2010
અટકળ : જનક નાયક
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, જનક નાયક | Comments (8)
બંધ કમરામાં જ અટકળ હોય છે,
ખોલવાની ક્યાંક તો કળ હોય છે.
વૃક્ષ, માણસ ને નદી એ સત્ય છે,
તોય હોવું માત્ર એક છળ હોય છે.
છે નગરમાં હાસ્ય ખડખડતું છતાં,
વેદનાની ક્યાંક કૂંપળ હોય છે.
કૌંચની માફક વીંધાયા કાફિયા,
તોય ગઝલો કેમ નિષ્ફળ હોય છે ?
આમ મુઠ્ઠીમાં જ છે આખું જગત,
આમ પગમાં એક સાંકળ હોય છે.
- જનક નાયક
આપણે સૌ બ્રહ્મનાં ભ્રમમાં અટવાઇને, અંતરનાં કમરામાં કેદ થઇ ગયાં છીએ. વળી, આપણાં ગ્રહો અને પૂર્વગ્રહો એ બંધ કમરાની બારી પણ ખોલવા દેતાં નથી. આપણાં અને તેનાં (ઈશ્વર) હોવાપણાંની શક્યતાની અટકળોની કળ વળે તેવી, એક કળ કવિને મળી આવે છે. બસ, પગની સાંકળ તોડી, પ્રેમથી દુનિયાને જીતી શકાય, ઇશ્વરને પણ…. એટલે કે, રિલાયન્સનાં ફોન વિના પણ, ” કર લો દુનિયા મુઠ્ઠીમેં “
.
Pinki @ June 22, 2010
તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, મનોહર ત્રિવેદી, સાહિત્યપ્રકાર, માતા-પિતા | Comments (8)

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મોજ જરી આવે તે થયું મને , STDની ડાળથી ટહૂકું !
હૉસ્ટેલને ? હૉસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ,
તોય એ તો ઊઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ ;
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
મમ્મી,બા જલસામાં ? બાજુમાં ઊભી છે ? ના, ના, તો વાસણ છો માંજતી ,
કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી ;
સાચવજો, ભોળી છે, ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
શું લીધું ? સ્કૂટરને ? ભારે ઉતાવળા, શમ્ભુ તો કેતો’તો ફ્રીજ ,
કેવા છો જિદ્દી ? ને હપ્તા ને વ્યાજ ? વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ;
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
- મનોહર ત્રિવેદી
પિતા અને પુત્રીનાં અનોખા બંધનને ઉજાગર કરતી, મનોહરભાઇની આ ખૂબ જાણીતી રચનાને આજે તેમનાં જ અવાજમાં માણીશું. દીકરી એટલે જ વ્હાલનો દરિયો પણ સમય વીતતાં જ તેને દાદી બની જતાં વાર નથી લાગતી. આખાયે ગીતમાં બસ રુટિન વાતચીત જ છે, પણ હોસ્ટેલમાં રહેતી દીકરીની સંવેદનાઓને આબાદ ઝીલી છે. મારું બાળપણ યાદ કરું તો , મમ્મી કે અન્ય ન કહી શકે તેવું હું પપ્પાને દાદી બનીને કહેતાં વાર ન’તી લગાડતી… કદાચ આજે પણ !!
Happy Father’s Day to all !!
( વિડીયો સૌજન્ય : પંકજ ત્રિવેદી )
.
Pinki @ June 20, 2010
બા-અદબ : ડૉ. મહેશ રાવલ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ડૉ.મહેશ રાવલ | Comments (10)
એક ઈચ્છા સળવળે છે, બા-અદબ,
ટેરવે દીવા બળે છે, બા-અદબ.
લોઢ ઊછળે લાગણીનાં ભીતરે,
જેમ દરિયો ખળભળે છે, બા-અદબ.
ભૂખ ઊઘડી સાત ભવની, આ ભવે
મર્મ સઘળાં ઓગળે છે, બા-અદબ.
સ્હેજ પણ અંતર હવે નહીં પાલવે,
સર્વ અંતર પીગળે છે, બા-અદબ.
શક્ય છે ઈતિહાસ આલેખે નવો,
સરફરોશી ઝળહળે છે, બા-અદબ.
થઈ જશે સાતેય કોઠા તરબતર,
જળ, કમળથી નીકળે છે બા-અદબ.
હોય શ્રધ્ધા તો પછી શું જોઇએ ?
એ જ સહુને સાંકળે છે, બા-અદબ.
- ડૉ. મહેશ રાવલ
એક મુશ્કેલ રદીફને પૂર્ણ ન્યાય આપી, બા-અદબ દાદ મેળવી જતી ગઝલ મહેશ અંકલની કલમે. બા-અદબ સળવળતી એક ઈચ્છાને (કલમને) , ટેરવે દીવા પ્રગટાવીને, પ્રજ્વલિત કરવામાં આવી છે. અને ત્યારે, લાગણીનો ખળભળતો દરિયો સાત ભવનાં અંતર કેમ ના ઓગાળે ? બસ જો, હોય શ્રદ્ધા તો પછી શું જોઇએ ? એ જ સહુને સાંકળે છે, બા-અદબ…. !!
.
Pinki @ June 19, 2010
