Headlines

એક બનાવટ છે : રશીદ મીર

કાગળ : મેઘબિંદુ

સોરાબજીના સોજ્જા સત્તા : નિર્મિશ ઠાકર

સોરાબજીના સોજ્જા સત્તા ! : નિર્મિશ ઠાકર

એક બનાવટ છે : રશીદ મીર

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રશીદ મીર | Comments (8)

કોરો કોરો છે ને લખાવટ છે,
પત્ર પોતે જ એક બનાવટ છે.

સૂનાં છે દૂર સુધી રસ્તાઓ,
મારી આંખોમાં યે થકાવટ છે.

બારીને ધીમો સાદ આપે છે,
કેવા રસ્તાઓ પણ નપાવટ છે.

કૈં નથી ને બધું જ છે એમાં,
ખાલી ખાલી છે ને સજાવટ છે.

પહેરણ તારતાર થઈ ચાલ્યું,
આપ કહો છો કે એ રખાવટ છે.

જોઈ લઈશું અમે ગમે ત્યારે,
જોઈ લેવાની અમને ફાવટ છે.

અંતે અવધૂત ‘મીર’ થઈ બેઠાં,
એક પલાંઠીની બસ જમાવટ છે.

- રશીદ મીર

ગઝલિયતથી ભરપૂર એક ગઝલ, જેનો એક-એક શેર એક ગઝલ બરાબર છે.  એને પ્રસ્તાવનાની કોઇ જરુર છે ખરી ?!!

.

Pinki @ June 18, 2010

કાગળ : મેઘબિંદુ

Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, મેઘબિંદુ | Comments (11)

 

prem-patra 

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?

સુખની ઘટના લખું તમોને, ત્યાં દુઃખ કલમને રોકે,
દુઃખની ઘટના લખવા જાઉં, ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યાં,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યા;
તોય તમારી ઇચ્છા દોડે મુજથી આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?

- મેઘબિંદુ

 

પોતાની સંવેદનાઓને પ્રિયજનને કહેવી ઘણી અશક્ય હોય અને આથી જ આપણે કાગળ અને કલમનો સહારો લઇએ પણ ત્યારે પણ આંખનાં ઝળઝળિયાની ઝાંખપ ક્યાં કશું લખવા દે છે ?   ઇન્ટરનેટ યુગમાં e-mail દ્વારા મનની વાતો ફેસબુક કે ઓર્કુટ પર શૅર કરીએ છીએ. પણ જો રુબરુમાં એ જ વાતો કહેવાની હોય તો….  ફરી એ જ વ્યથા !  

 

.

Pinki @ June 16, 2010

સોરાબજીના સોજ્જા સત્તા : નિર્મિશ ઠાકર

Posted in: સાહિત્યકાર, નિર્મિશ ઠાકર | Comments (4)

 

બરછત અંગ ( ગુરુ અંગ )

ગુરુ થિઓંચ પન લાગેંચ ગધેરો
પૈસાની પાછલ તું થિઓંચ અધીરો
ત્યુસનમાં બી તું માંગેચ એડવાન્સ
દોલતની પાછલ સું કરેંચ ડાન્સ ?
જ્ઞાન ભૂંકેચ તે બી જાસે ખાલી
દોલત બી આવસે ને જાસે ચાલી !
આતલું તું રાખસે કે ભેજામાં ઘાલી ?

* * * * * * *

સ્તુદન્તની સામ્મે તું ચાવેંચ પાન
પ્રશ્ન પૂછેંચ સાથે ખોતરેંય કાન
ખોખરુંય ગલું ને પારેંચ હાકોટા
વેતરેંચ વાંકું ને વાલેંચ ગોટા
ઉછીનું ગોખેંચ ને ભાસન ઠોકેંચ
સાંભરશે કોન, આંય બધ્ધાં ઊંઘેચ !
ડોલા ફારેંચ ? તું તો ઉલ્લું લાગેંચ !

* * * * * * *

વેકેસન લામ્બા ને લામ્બા માગેંચ
પગાર તો એથી બી લામ્બા માગેંચ
પોકારે નારા ને પારેંચ હરતાલ
ભનતરનો જરા બી રાખેંચ ખિઆલ ?
ભનતરની ઉપ્પર તું ફેરવેંચ પાની
ગુરુ થિઓંચ ને કરેંચ મનમાની ?
ઉપ્પરવાલો બી તારી જાનેંચ કહાની !

* * * * * * *

ક્લાસમાં તો કોર્સની બ્‍હારનું બોલેંચ
‘જ્ઞાન’ કેવચ ને ગપ્પા ઠોકેંચ
એક્ઝામની પેલ્લાં તો ફોડેંચ પેપર
સપ્લીમેન્તરીના પછી માગેંચ નંબર
‘જ્ઞાન’ વેચવાની તેં ખોલીંચ દુકાન ?
સિક્સનમાં સું ખાવા કરેંચ રમખાન ?
હું સું કેવચ, પરેંચ કૈં ભાન ?

* * * * * * *

કૂવામાં હોસે તે હવારામાં જાસે
બચ્ચાં બી ફ્યુચરમાં મવાલી થાસે
આજ વાવિઉં તે જ ઊગસેને કાલ ?
તિચર થિયોંચ જરા સમજીને ચાલ
સોરાબે સિક્સનમાં ખાધાચ ખત્તા
સોધે બમ્બઈ ને પછી પહોંચે કલકત્તા !
સત્તા લખેંચ એ બી ઊન્ધા ને ચત્તા !

- નિર્મિશ ઠાકર

 

ગઇકાલે, નિર્મિશ નજરે આજકાલનાં શિષ્યો વિશે જાણ્યું.  જોકે, કૂવામાં હશે તો હવાડામાં આવશે એટલે સઘળો દોષનો ટોપલો ગુરુ કે શિક્ષણ વ્યવસ્થાને માથે જ પડવાનો છે.   તો માણીએ,  નિર્મિશ નજરે આજનાં ગુરુજીઓ…. ! 

 

.

Pinki @ June 15, 2010

સોરાબજીના સોજ્જા સત્તા ! : નિર્મિશ ઠાકર

Posted in: સાહિત્યકાર, નિર્મિશ ઠાકર | Comments (5)

 

બગરેલું અંગ    ( શિષ્ય અંગ )

‘ભનુંચ’ કેવચને ચાલેંચ અધ્ધર
ક્લાસમાં બેસેંચ ને મારેંચ મચ્છર
માસ્તર સામ્ભે આંખ તીખી કરેંચ
અક્કડ રેવચ ને ચાલેંચ ત્રાંસું
ભેજામાં તારા સું ભરીઉંચ ભૂંસું ?
ફ્યુચરમાં કોન જાને ઉકાલસે સું સું ?

* * * * * * *

‘ભનતર’ કેવચને ભમતો ફરેંચ
ભેજાગેપ ભમ્મરડો તું તો લાગેંચ
જાલ જ્ઞાનની તને અરસે જરી
ઝતપત વાંકી તું કરસે ધરી
ચક્કર ખાસે ને તું જાસે પરી
ઊછલીને થોરું તું જાસે થરી !
ભનસે સું ઉપ્પરવાલો હરિ ?

* * * * * * *

ગમ્મતમાં બી લામ્બી બોલેંચ ગાળ
છોકરી દેખેંચ તો પારેંચ લાળ
ફાંફાં મારેંચ ને સોધેંચ મેતર
લખેંચ ઊન્ધા ને સીધ્ધા લવલેતર
બતરીસ લક્સન તારાં હું તો દેખુંચ
ભનતરમાં ગનતરની પારેંચ ગૂંચ !
આંય હસેંચ સું, હું ઘાસ કાપુંચ ?

* * * * * * *

ચક્કરબત્તી જેવો થૈ ગ્યોંચ બાઘો
પાછો આવેંચ ને જાયેંચ આઘો
લખેંચ એન્ની બી પેલ્લાં ભૂસેંચ
ભનેંચ એન્ની બી પેલ્લાં ભૂલેંચ
એક્ઝામમાં મારેંચ તું ગોલ ગોલ ગપ્પાં
મેથ્સમાં બી ઠોકે તું અખાના છપ્પા !
ઠેકાને લાવસે તને સોરાબના સત્તા !

- નિર્મિશ ઠાકર

 

લામ્બાઆ…. વેકેશન પછી શાળા, કોલેજો લગભગ ચાલુ થઇ ગઇ છે ત્યારે નિર્મિશ નજરે આજકાલનાં શિષ્યો !  ક્રિકેટની સિક્સરો વિશે જાણી અખાએ છપ્પા એટલે કે,  છ પંક્તિઓમાં સમાજને ચાબખા માર્યાં હશે,  તો નિર્મિશભાઇ પણ સોરાબજીની બાનીમાં સોજ્જા ( સરસ ) સત્તા એટલે કે સાત પંક્તિઓમાં ચાબખા મારે છે. ટૂંકમાં, નિર્મિશભાઇ છગ્ગો નહીં સત્તો મારે છે.  :)

 

.

Pinki @ June 14, 2010

જીદમાં : મિલિન્દ ગઢવી

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મિલિન્દ ગઢવી | Comments (14)

 

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યા, જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઇ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યા અભેરાઇ ઉપર,
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યા હાથમાં,
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું,
આંગણું અજવાળવાની જીદમાં.

- મિલિન્દ ગઢવી

 

સરળતા અને સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર ન કરી શકતાં આપણે સૌએ અંતે તો જીદમાં -  કશુંક ગુમાવવાનો જ વારો આવે છે.   તો સૌને રાજી રાખવામાં ‘જાત’ ને પણ ગુમાવવી પડે છે.

 

.

Pinki @ June 11, 2010

આપણે : પન્ના નાયક

Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, પન્ના નાયક, સાહિત્યપ્રકાર, માણસ | Comments (8)

 

આપણે

આટલાં નજીક

છતાં ય

જિંદગીભર

એકબીજાને જોયા કર્યાં છે એ રીતે

જાણે

હું સ્ટેશન પર

ને

તું

પસાર થતી ટ્રેનનો મુસાફર.

- પન્ના નાયક

 

ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં.  તેવી જ રીતે, એક જ છત નીચે, એક  ’માણસ’  બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?

 

.

Pinki @ June 10, 2010

This text will be replaced by the flash music player.
Powered By Indic IME