ગુણવંતી ગુજરાત : અરદેશર ખબરદાર
Posted in: સાહિત્યકાર, અરદેશર ખબરદાર, સાહિત્યપ્રકાર, કાવ્ય, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યપ્રકાર, ગુજરાત | Comments (11)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !
સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !
સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !
હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
- અરદેશર ખબરદાર
‘મહાગુજરાત આંદોલન’ની ચાર વર્ષની ચળવળ બાદ પહેલી મૅ, ૧૯૬૦નાં રોજ બૃહદ્ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઈ. તે વખતે મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર્, ગુજરાત, કચ્છ વિ. બૃહદ્ મુંબઈ રાજ્યનાં અલગ અલગ પ્રાંત હતાં. મૂકસેવક રવિશંકર મહારાજનાં હસ્તે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતની સ્થાપના કરવામાં આવી. અને ત્યારથી જ અસ્પૃશ્યતા નિવારણ અને દારુબંધીનો કાયદો અમલમાં હતો. તો વળી, રવિશંકરે દેશની આઝાદીનાં ૧૨ વર્ષ બાદ પણ , સમગ્ર ભારતમાં સરકારી ઓફિસોમાં ચાલતાં અંગ્રેજી વ્યવહારને ગુજરાતમાં તો ગુજરાતીમાં અમલ મૂકવાનું સૂચવ્યું ..! ! ગુજરાતનું પાટનગર પહેલાં અમદાવાદ હતું પણ પછીથી ગાંધીનગરની રચના કરવામાં આવી અને તેને પાટનગર બનાવવામાં આવ્યું. આ વર્ષે ગુજરાત પચાસમા વર્ષમાં પ્રવેશ કરશે….. સરકારની તો ખબર નહિં કદાચ ચૂંટણીની ધમાલમાં શું કરે ?!! પણ આપણે ચોક્કસ જેણે આપણને પચાસ વર્ષ સાચવ્યાં તેનો ખબરદાર કહે છે તેમ, ” એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર ” ! મેહુલ સુરતીએ સ્વરાંકિત કરેલ આ ગીતને આપ ‘ gunvanti ‘ પર ક્લીક કરવાથી સાંભળી શકશો.
.
Pinki @ May 1, 2009
એક તમારા મતને ખાતર : કૃષ્ણ દવે
Posted in: સાહિત્યકાર, કૃષ્ણ દવે, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, ભારત | Comments (3)
એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.
એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.
એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.
એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.
એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો ?
એક ટીપાથી આખ્ખે આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય એ જો જો.
એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.
એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાખો છો પણ -
એ જ તમારી ઓળખનો અંગૂઠો ના છીનવાય એ જો જો.
એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.
- કૃષ્ણ દવે
” જેના નામ પર મેં ચોકડી મારી,
લોકશાહીમાં એ જ ચૂંટાઈ આવ્યો. ” સુરેશદાદાએ કશેક નોંધ્યું છે, મને થયું જો કે હવે તો મશીન આવી ગયાં એટલે વાંધો નહિં…. ?!! પણ ત્યાં વળી, કૃષ્ણભાઈ જ આપણને ચેતવે છે કે,
“મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ !
જેના પર એ મૂકે આંગળી, બત્તી ધરતું લાલ.”
Anyways ……
- પામો તો નેતા બનો,
આપો તો સપડાવ !
‘અમૂલ્ય’ કહી એ ચીજનો
તો ય ઠરે છે ભાવ ! – નિર્મિશ અંકલે કહ્યું એમ, આપનાં અમૂલ્ય મત નો વ્યય ન કરતાં અને ચોક્ક્સ મતદાન કરશો જ. કારણ દુનિયામાં પ્રવર્તિત બધી ‘શાહી’માં લોકશાહીમાં જ લોકોનો આટલો તો આટલો પણ ‘હક’ તો રહેલો છે. better option તો મળે at least આપણને…… !!
.
Pinki @ April 30, 2009
એક નેતાને : હર્ષ બ્રહ્મભટ્ટ
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યપ્રકાર, ભારત, સાહિત્યકાર, હર્ષ બ્રહ્મભટ્ટ | Comments (9)
એક નેતાને,
સૂવાડ્યા ચંદનની ચિતા પર,
ખાસ્સું ઘી રેડ્યું.
પછી અગ્નિદાહ દીધો,
પણ ચિતાને અગ્નિ સ્પર્શે જ નહિં.
બધાં જ પ્રયત્નો નિષ્ફળ.
છેવટે એક કવિએ બતાવેલાં ઉપાય મુજબ -
એ નેતાની ખુરશીનાં પાયા તોડીને,
ચિતામાં લાકડા ભેગાં ગોઠવ્યાં,
કે તરત -
પ્રગટી ઊઠી ચિતા
ફડ, ફડ, ફડ……
- હર્ષ બ્રહ્મભટ્ટ
હર્ષભાઈએ ટૂંકમાં સીધેસીધું જ સમજાવી દીધું છે, આજે મારે તો કંઈ નથી કહેવું…
સું કિયો છો તમે ?!!
.
Pinki @ April 29, 2009
માણસ અને નેતા : ધીરજભાઈ શાહ
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, ધીરજ શાહ, સાહિત્યપ્રકાર, ભારત | Comments (2)
એક માણસને
કેડેથી બેવડો
વળી ગયેલો જોઈને
એક રાજકીય નેતાએ
તે માણસને પૂછ્યું,
‘હે મિત્ર ! દેશનો ભાર તો
મારા માથે છે,
તું કેમ બેવડો
વળી ગયો છું ?’
માણસે કહ્યું,
‘ નેતાજી, એ ભાર આજની મોંઘવારી
જેટલો ભારે નથી.’
- ધીરજભાઈ શાહ
( સાભાર : રીડગુજરાતી )
ચૂંટણીનાં ઢોલ ભારતમાં ચારેકોર વાગી રહ્યા છે, અલગ અલગ પક્ષ અને ઉમેદવારો નવાં નવાં વચનો આપી રહ્યાં છે. પણ ધીરજભાઈ કહે છે એમ અંતે તો મોંઘવારી, બેકારી, મંદી કે સેન્સેક્સનો ભાર તો આપણી કેડે જ ને ??!!!
.
Pinki @ April 28, 2009
બપ્પોર : ગૌરાંગ ઠાકોર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગૌરાંગ ઠાકર | Comments (8)
( ….. ગુલમ્હોરનું ગીત ….. )
અહીં એક ઘટના બની જાય બપ્પોર,
સૂરજ થાય પગભર ને સર્જાય બપ્પોર.
અગનજ્વાળા એની પળે પળે વધે છે,
અને ગ્રીષ્મમાં ખૂબ લંબાય બપ્પોર.
હવા લાગતી કોઈ કાતિલ શિકારી,
અહીં તેથી માળામાં સંતાય બપ્પોર.
તરસગ્રસ્ત સઘળું ધરાથી ગગન લગ,
વળી પાછી એમાં ઉમેરાય બપ્પોર.
દુપટ્ટામાં વીંટે છે વાદળ સૂરજને,
ઘડી બે ઘડી ત્યારે બદલાય બપ્પોર.
પવનની પડે લાશ રસ્તા વચોવચ,
અને ત્યારે લાચાર દેખાય બપ્પોર.
ભરે છાંયડે કોઈ મ્હેફિલ મઝાની,
પછી ગીત ગુલમ્હોરમાં ગાય બપ્પોર.
- ગૌરાંગ ઠાકર
ઉનાળાની બળબળતી બપ્પોરે ‘રવિ’ ને કેમ રોકવો ? પણ કહે છે ને કે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આપણી બધીયે સંવેદનાઓનું બાષ્પીભવન માત્ર રૌદ્ર સ્વરુપમાં રુપાંતર થતું હોય તેવી બપ્પોરે કવિની જ કલમ ચાલી શકેને … ?!! ગરમાળા પર પીળચટ્ટો સોનેરી તડકો ઝુમખે ઝુમખે ઝુલી રહ્યો હોય, ગુલમ્હોર તેની રાતી કલગી ડોલાવતો હોય ને સૂરજ કરતાંય વધુ ગરમ તેવી લાંબી કાળી સડકો પર માત્ર એકવાર centrally a.c. ઑફિસમાંથી બ્હાર નીકળી લટાર મારી જુઓ, પણ એ સડક પર ગરમાળો અને ગુલમ્હોર હોવો જરુરી છે…… નહિં તો ગુલમ્હોર તો રેડ કારપેટ વેલકમ કરશે પણ કાતિલ શિકારી જેવી હવાથી લૂ પણ વાગી જશે. તમને ચોક્કસ એવું જ લાગશે કે, ” પછી ગીત ગુલમ્હોરમાં ગાય બપ્પોર…….. “
.
Pinki @ April 27, 2009
લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, પંચમ શુક્લ | Comments (11)
શબદ બિંધ ઉસ પાર ચઢો,
બિના અશ્વ અસવાર ચઢો.
બાર બાર ગિરનાર ચઢો,
ધરો સાર, સંસાર ચઢો.
ખૂલે સાંસ તપ તાપ તપો,
અગન પંખ અંગાર ચઢો.
સકલ તોડ કા જોડ કહાં?
ડગર એક ટટ્ટાર ચઢો.
પઢો પાઠ, મન ઘાટ ઘટો,
સૂની, દેખી, ચમકાર ચઢો.
હટે નાંહિ જબ નેન લગા,
કદમ ધાર તલવાર ચઢો.
ઊઠી લહર કો થામ લિયો,
લહર લહર કિરતાર ચઢો.
- પંચમ શુક્લ
પંચમ શુક્લ બ્લૉગ જગતમાં પોતાની અર્થગહ્.ન કૃતિઓથી જાણીતા છે. ‘ બાપુ-ઘરાના’ ( રાજેન્દ્ર શુક્લ ) ની ગઝલો પરમ તત્ત્વને સમજવા જેવી જ ગડમથલવાળી સામાન્ય વાચકને લાગે – તેવી જ પંચમભાઈની પણ… તે જ ઘરાનાની ! ! તેમના જ શબ્દોમાં કહીએ તો બિના અશ્વ અસવારની ચઢવા કે તલવારની ધાર પર બઢવા જેવી વાત ……?!! આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
Pinki @ April 24, 2009




