પુસ્તકોની છાજલી : રમેશ પારેખ
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, રમેશ પારેખ | Comments (14)
છાજલી પર પુસ્તકો
અ થી જ્ઞ સુધીનાં………
દુનિયાના નકશા જેવો
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં.
‘છાજલી પર પુસ્તકો‘ – એમ કહું કહું ત્યાં
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે : ‘ આ તો ફરિશ્તાઓની વસ્તી છે ! ’
ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે…
અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે
-એમ બબડતું કોઈ પુસ્તક.
મારા બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ.
- એવું જાહેર કરે કોઈ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :
‘ અલ્યા અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
ગીત – ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
ગીત – ખૂણે બેસી આંસુ પાડતી નવવિધવાનાં,
ગીત – યુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,
ગીત – ભૂખથી વલવલતાં શિશુઓનાં,
ગીત – હોસ્પિટલોમાં કણસતા રુગ્ણોનાં,
ગીત – માનવ્યનાં,
ગીત – માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં,
ગીત – નિ:શ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં.’
‘અહીં ફિલસૂફોએ ઉકેલી નાંખ્યો છે
કાળનો કોયડો….’ એમ ધીમેશથી કહે કોઈ જર્જરિત ચોપડી.
‘આ બધા ગ્રંથો છે સમાજની યાદદાસ્ત’
- એમ કહી ટપ્પ્ કરતું નીચે પડે કોઈ પુસ્તક.
મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
અહીં અક્ષર છે, ધર્મ -
જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ.
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે
કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઈને છૂરો.
અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી
તો બકરી યે કરે નહિં બેં,
એવું રામરાજ્ય છે !
અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.
અહીંથી જ ઊગે છે સૂર્ય
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ…….
ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
ડોકિયું કરી પૂછે: ‘ તું કોણ ? ’
તો હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન ! ’
મીરાં, કબીર, તુલસી, નાનક
પૂછે તારું કયું થાનક.
જ્યાં તું ટેકવે તારું મસ્તક,
ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ?
તો હું ચીંધું મારાં પુસ્તકની છાજલી…..
ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ચીંધે દિશા,
પુસ્તકમાં જાય – આવે મારા વિચાર લિસ્સા !
મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા
ગોપી બનીને રાસ રમે
મારું અંતર એમાં ફેરફુદરડી ભમે…
ધર્મનો ધ
બે પૂઠાં વચ્ચેથી નીકળીને
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો…
તો ઉપદેશકો, હોશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર,
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર…
તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને ન અભડાવે
બિભત્સતા મારા ખંડનાં બારણાં ન અભડાવે
તો બસ.
આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગ્યા છે -
મારાં પુસ્તકોની છાજલી.
મારો અભ્યાસખંડ તીર્થ છે, મારા માંહ્યલાનું,
તમે આવો તો તમારું ય !
- રમેશ પારેખ
( ૧૮.૧૦.૧૯૮૯)
મનોજ ખંડેરિયા કહે છે, ” રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખાં, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા” - તો જેને શબ્દો વરેલાં છે તેવાં રમેશ પારેખને કોઈ ધર્મની ‘ કંઠીકંઠા’ નથી જોઈતા તેઓ તો શબ્દનું જ ટીલું કરે છે ને પુસ્તકોની છાજલી જ તેમના માટે ચારધામની જાતરા છે. આજે વિશ્વપુસ્તકદિન નિમિત્તે ર.પા.ની આ દીર્ઘ રચનામાંથી થોડી થોડી પંક્તિઓ મૂકી છે. ૨૩ એપ્રિલ, ૧૫૬૪નાં રોજ વિલિયમ શેક્સપિયરનો જન્મ થયેલો અને તે મહાન સાહિત્યકારનાં જન્મદિનને વિશ્વપુસ્તકદિન તરીકે મનાવવામાં આવે છે. કવિ ઉશનસે પણ કિતાબોમાં ગઝલમાં પુસ્તકમહિમાનું સુંદર રીતે વર્ણન કર્યું છે. વિશ્વ પુસ્તક દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત પ્રકાશક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમની વધુ માહિતી આપને મહેફિલ-એ-ખાસમાં મળી શકશે.
.
Pinki @ April 23, 2009
અમે ઈચ્છયું એવું : માધવ રામાનુજ
Posted in: સાહિત્યકાર, માધવ રામાનુજ, સાહિત્યપ્રકાર, સોનેટ | Comments (4)
એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો ?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે -
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે.
- માધવ રામાનુજ
માધવ રામાનુજનો આજે જન્મદિન અને તેમની ગમતી રચનાઓમાં આ કાવ્યને કેમ ભૂલાય ?!! કોને આવી દુનિયાની ઝંખના ન હોય ? તેઓ કલમ સાથે પીંછીનાં રંગે પણ રંગાયેલાં. હમણાં જ સમાચાર મળ્યાં કે તેઓ થોડાં દિવસ પહેલાં હાઈવે પર ગંભીર અકસ્માતમાં ઘવાયાં. આજનાં શુભદિને ઈશ્વરને પ્રાર્થના કે જલ્દીથી તેઓ સારા થઈ જાય. જેથી રંગો અને શબ્દોની મહેફિલમાં તેમને જલ્દીથી મળી શકીએ.
.
Pinki @ April 22, 2009
નીકળવાનું કરો : સુધીર પટેલ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, સુધીર પટેલ | Comments (14)
સંભવિત સૌ ચોકઠામાંથી નીકળવાનું કરો,
ગામ, ઘર કે ઓરડામાંથી નીકળવાનું કરો.
આડી-ઊભી ચાવીથી ખાનાં ભરી જીવ્યાં ઘણું,
શબ્દવ્યૂહી કોયડામાંથી નીકળવાનું કરો.
જીવવાનો અર્થ સઘળો કૈં હવા ભીતર નથી,
રૂઢ થઈ ઊભી હવામાંથી નીકળવાનું કરો.
કોઇ બીમાંથી સહજ અંકુર ફૂટી નીકળે,
એમ સીધું આપણામાંથી નીકળવાનું કરો.
દૃશ્ય એ તો આંખનું ષડયંત્ર છે મોહક ‘સુધીર’
આંખના એ કારસામાંથી નીકળવાનું કરો.
- સુધીર પટેલ
અજાણતાં જ આપણાં અનુભવોને આધારે, આપણી સૂઝ મુજબ આપણી આસપાસ એક નાનકડી સૃષ્ટિનું સર્જન કરી લેતાં હોઈએ છીએ, જેમાંથી બહાર નીકળવાનું લગભગ અશક્ય હોય છે. અને સુધીરઅંકલ એ જ ઓરડામાંથી, ઘરમાંથી ને ગામમાંથી બહાર નીકળવાનું એક ઇજન આપે છે. હમણાં જ હર્ષદભાઈએ ‘ફૂલછાબ’માં સુધીરઅંકલ અને તેમનાં ગઝલસંગ્રહ વિશે એક લેખ લખેલો, જેમાં આડી-ઊભી ચાવીવાળા શેરનો ઉલ્લેખ પણ કરેલો. સાચે જ , આ ખૂટતો ‘અક્ષર’ શોધવાનાં કોયડામાંથી નીકળવાનું કેટલું અઘરું છે ને ?!! જો કે બીમાંથી અંકુર ફૂટે એવી સહજતા હોય તો દૃશ્યના કારસામાંથી ચોક્કસ નીકળી જ શકાય.
શબ્દાર્થ : કારસા – યુક્તિ, ચાલાકી
.
Pinki @ April 21, 2009
લખાયો છે : ડૉ. મહેશ રાવલ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ડૉ.મહેશ રાવલ | Comments (9)
લખી છે ઓટ-ભરતી, તો કિનારો પણ લખાયો છે
પ્રવાહો પર સમંદરનો ઈજારો પણ લખાયો છે !
ક્ષણોની ભીંતથી જે કંઈ ખર્યું, સઘળું સમેટીને
સમય સારો લખાયો, તો નઠારો પણ લખાયો છે !
નવેસરથી લખાણી જિંદગીનીં વાસ્તવિક્તાઓ
જવાબો અન્યના, તો પ્રશ્ન મારો પણ લખાયો છે !
વધાવ્યાં છે અમે કાયમ, સમયનાં હર તબક્કાને
લખાયો સૂર્ય, તો ખરતો સિતારો પણ લખાયો છે !
કદી ખટરાગ આપસનો, કદી અંગત ખુલાસાઓ
અમારી લાગણી, તો શક તમારો પણ લખાયો છે !
અલગ છે કે નથી બાકી હવે, સંબંધ ખાતે કંઈ
અભાવો પણ લખાયા, તો વધારો પણ લખાયો છે !
કલમની ધાર, સહુને એકસરખી રીતથી સ્પર્શે
લખાયા છે તવંગર, તો બિચારો પણ લખાયો છે !
- ડૉ. મહેશ રાવલ
” ઉઘડતા અર્થનો વિસ્તાર, નોખો નીકળ્યો છેલ્લે ” - પોતાની જ આ પંક્તિને સાર્થક કરનાર બળૂકી કલમનાં શાયર ‘નવેસર’ થી જિંદગીની વાસ્તવિકતાઓને વ્યંજનાત્મક, સરળ ભાષામાં પોતાની કૃતિઓમાં ચીતરે છે. તેમની કલમની ધાર મારી કે તમારી વાતને નહિં ‘આપણી’ વાતને સ્પર્શતી અનુભવી શકાય છે. ‘ બિચારી’ જિંદગીને શબ્દોમાં મૂકી છે તો સાથે સાથે તેને સમયનાં હર તબક્કામાં ખુમારીપૂર્વક વધાવવાનું પણ આપણને શીખવી જાય છે .
.
Pinki @ April 20, 2009
થાય છે : ફિલિપ ક્લાર્ક
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ફિલિપ કલાર્ક | Comments (7)
થાય છે એ ક્યાં બરોબર થાય છે ;
ગોઠવો ઈંટો કદી ઘર થાય છે ?
રાહ જોતું જાય મોકાનું જગત,
કામ જ્યારે હોય આદર થાય છે.
કેટલાંયે આંસુઓ પીધા પછી,
આજ ભીનું ગામ પાદર થાય છે.
થાક જેવું લાગતું એને હશે,
રેતનાયે ક્યાંક તો થર થાય છે.
હળવું મળવું ને વિખૂટા થૈ જવું,
આપણા હિસાબ સરભર થાય છે.
બારી વિના કોઈને ક્યાં ચાલતું ?
આમ ભીંતોનું જ ચણતર થાય છે.
ખોરડું તો ભોંય ભેગું થૈ ગયું,
રોજ રાતે કોની હરફર થાય છે.
આપણે મોડા પડીને પૂછીએ,
થાય છે એ ક્યાં સમયસર થાય છે ?
- ફિલિપ ક્લાર્ક
આ તો મારી અને તમારી જ વાત !! આપણી રોજબરોજની અકળામણ કવિએ ગઝલમાં બખૂબી પેશ કરી છે. થાય છે એ ક્યાં બધું બરાબર થાય છે ? સાલું કો’ક તો છે, આવ ભાઈ હરખા, આપણે બે સરખાને નાતે -પહેલી પંક્તિથી જ એવો ઘરોબો કેળવાઇ જાય, અને suspense movieની જેમ અંતમાં પહેલી પંક્તિનો જવાબ ખૂલે -
” આપણે મોડા પડીને પૂછીએ,
થાય છે એ ક્યાં સમયસર થાય છે ?….!!!
.
Pinki @ April 17, 2009
હાઈકુ : સ્નેહરશ્મિ
Posted in: સાહિત્યકાર, સ્નેહરશ્મિ, સાહિત્યપ્રકાર, હાઈકુ | Comments (4)
હિમશિખરે
ફૂટે પરોઢ: અહો !
સૂર્ય હાઈકુ઼
* * *
ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે
* * *
ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.
* * *
વ્હેરાય થડ :
ડાળે માળા બાંધતાં
પંખી કૂજતાં.
* * *
ફરતી પીંછી
અંધકારની : દીપ
નહીં રંગાય.
* * *
પતંગિયું ત્યાં
થયું અલોપ : શૂન્ય
ગયું રંગાઈ.
* * *
ગીત આકાશે :
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ.
- સ્નેહરશ્મિ
ગુજરાતી સાહિત્યમાં જાપાનીસ કાવ્યપ્રકાર હાઈકુનો પરિચય કવિશ્રી સ્નેહરશ્મિએ કરાવ્યો. આજે તેમનાં જન્મદિને ઝીણાદાદાને યાદ ન કરીએ તો કેમ ચાલે ? ખાદીનાં સફેદ ધોતી, ઝભ્ભામાં તેમનાં ઘર પાસે વૉક કરતાં હોય અને અમે તેમની સાથે વાતો કરતાં અને સી.એન.માં જ અભ્યાસ કર્યો હોવાથી પરીક્ષા હોય તો ઘરમાં જઈ પગે પણ લાગી આવતાં. તેમના પુત્ર સિદ્ધાર્થભાઈ સાથે વાત થઈ અને તે મુજબ તેમનો સંગ્રહ બહુ જલ્દીથી આપણને ડિજિટલ સ્વરુપે મળશે.
.
Pinki @ April 16, 2009
