વેદ ચીતરવો પછી : કિશોર મોદી
Posted in: સાહિત્યકાર, કિશોર મોદી, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (3)
ગૂઢતાનો ભેદ ચીતરવો પછી,
ને સનાતન વેદ ચીતરવો પછી.
એષણાનો રોજ સરવાળો કરી,
જિંદગીનો છેદ ચીતરવો પછી.
અહીં પળેપળ મૌનની લીલાશ લઇ,
પૂર્ણતાનો વેદ ચીતરવો પછી.
યુગયુગોથી કોઇ શાપિત અહલ્યા છું,
કઇ રીતે નિર્વેદ ચીતરવો પછી?
નિત સમસ્યા છે સમસ્યા છે કિશોર,
આ જગતનો ખેદ ચીતરવો પછી.
– કિશોર મોદી
એષણાનો સરવાળો કરતાં કરતાં જિંદગીનો જ છેદ ઊડી જતો હોય છે અને પછી મૌનની આડે નિર્વેદ ચીતરાઈ જાય. નિતનવી સમસ્યા તો રહેવાની જગત પ્રત્યે ખેદ વ્યકત કરવાને બદલે જો સનાતન વેદને જ ચીતરીએ તો …… !!
.
Pinki @ April 16, 2009
લખે છે : કવિ રાવલ
Posted in: સાહિત્યકાર, કવિ રાવલ, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (13)
કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે
દાખલો ઓકાતનો અડધો લખે છે
વીજળી, વાદળ અને વગડો લખે છે
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે
શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે
કોણ મારા નામનો પડઘો લખે છે ?!!
ચામડી પર વાગતો ચટકો લખે છે
સ્થળ,સમય,ઘટના… કશે અટકો લખે છે.
છાંયડા, વરસાદ ને તડકો લખે છે
ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.
- કવિ રાવલ
કાશ ! પ્રેમની જેમ ઝિન્દગી માટે પણ એવું કહેવાતું હોત – જિન્દગીમાં શરતો નથી હોતી …. !! કિંતુ સ્થળ, સમય ને ઘટના તો આપણને ચટકો લાગે તેમ અટકો કહી દેતી હોય છે. સદીઓ વીતી કાળને સમજવામાં હજુ આપણે તો કક્કો જ ઘૂંટીએ છીએ. અને કાળ પણ ચંદ્ર નહિં ઝાંખા ઝાંખા તારાને જ ખરવાની સજા આપતો હોય છે ને !!
.
Pinki @ April 15, 2009
મારો શામળિયો : નીરવ પટેલ
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યપ્રકાર, અનુવાદ, સાહિત્યપ્રકાર, દલિત કાવ્ય, સાહિત્યકાર, નીરવ પટેલ, સાહિત્યકાર, પ્રદીપ ખાંડવાળા | Comments (3)
મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર ગગલીના ગવનનું આણું શેં નેંકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !
ગગલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,
મારો ભંગિયાનો ય બેલી ભગવાન !
- નીરવ પટેલ
My Shamaliyo honoured my hundi-
how else could we have arranged
the bridal gavan
for our Gagali’s send off ?
The vow to to goddess Chavanda bore fruit.
The garasiya’s wife departed suddenly in full bloom….
her bier was shrouded in a red gavan !
The pyre flamed crimson
and the red gavan flew off and fluttered on the akada bush !
Gagali’s mother…. oh ! That silly woman…….
how she chuckled in delight….
Soon as the back of the mourners turns
I’ll rush to the cremation ground, she reckoned.
The Lord is the saviour
of us untouchables too !
- Nirav Patel
(Translator : Pradip Khandwala)
સાંપ્રત સમય અનાયાસે જ સાહિત્યમાં પડઘાતો જ રહે છે. નરસિંહ, મીરાંથી તે અત્યાર સુધી સાહિત્યે જે તે સમયનાં સંસ્કૃતિ, મૂલ્યો, સમાજવ્યવસ્થા વિ.નો ઈતિહાસ શબ્દોમાં સાચવી રાખ્યો છે. આઝાદી પહેલાં દેશભક્તિ કે ગાંધી વિચારધારા વિષયક કૃતિઓ રચાતી તેમ સમાજમાં પ્રવર્તિત વર્ણભેદ વિશે પણ ઘણી કૃતિઓ રચાતી. કવિ શ્રી સુન્દરમ્ ‘ભંગડી’ કાવ્યમાં કહે છે – ” ઘમ્મર ઘેરો ઘાઘરો રે, એક ઘાઘરો રે,” અને એક ઘાઘરો રે – કહીને એકનાં એક જ જૂના ઘાઘરાનો ઉલ્લેખ સહજતાથી કરી દે છે. તો આગળ કહે છે, ”શેઠાણી પ્હેરે ચૂંદડી રે, રંગ ચૂંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, ભંગડી પ્હેરે ચૂંદડી રે,રંગ ચૂંદડી રે,જ્યારે નીકળે છૈયાની જાન.”
આજે આંબેડકર જયંતિ નિમિત્તે ગુજરાતી સાહિત્યનાં દલિત કાવ્યો પર પણ એક નજર નાંખીએ. નીરવ પટેલ ‘ બહિષ્કૃત ફૂલો’ શીર્ષક હેઠળ દલિતોની વાત લઈને આવ્યાં છે. તો હમણાં મોરારિબાપુના સાંનિધ્યમાં દલિતસાહિત્ય વિશે એક કાર્યક્રમ સૌમ્ય જોષીનાં સંચાલન હેઠળ યોજાયેલો.
.
Pinki @ April 14, 2009
સંબોધન કરું : ગૌરાંગ ઠાકર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગૌરાંગ ઠાકર | Comments (18)
મારું હું તો માત્ર અવલોકન કરું,
તું જુએ તો કૈંક સંવર્ધન કરું.
વેદનાને ધાવતા આ શબ્દ જોઈ,
આજે પાછું થાય છે સર્જન કરું.
મ્હેંક નામે બાગ જ્યાં પુસ્તક લખે,
ત્યાં હવાને થાય વિમોચન કરું.
તું કશું તો કર કે હું ઈશ્વર કહું,
હું નહીં તો અન્યનું સ્થાપન કરું.
હું વિચારોના કિનારે જઈ વસું,
ને વમળ પર કોઈ સંશોધન કરું.
મારા મનમાં એક એવી ઝંખના,
મારા નામે સૌને સંબોધન કરું.
કૈંક જન્મોથી કરું છું મહાવરો,
મારા હોવાનું હવે મંચન કરું.
- ગૌરાંગ ઠાકર
” આ ભીતરનાં રસ્તે જવાનાં પ્રયત્ને , મને જાત મારી સફરમાં મળી છે.” – ગૌરાંગ ઠાકર
ભીતરનાં રસ્તે, માણસ લગ પહોંચવાની સફરમાં જ કૈંક જન્મનો મહાવરો આ જન્મે ‘હોવાપણાં’નું મંથન કરવા આપણને સક્ષમ બનાવે છે. અને ગૌરાંગભાઈ આવા જ કંઈક મહાવરા સાથે ‘મંચન’ કરવા કટિબદ્ધ બની, ‘સંશોધન’ પણ કરે છે, ‘સર્જન’ કરે છે તો આ જ સફરમાં તેઓ હજુ એક નવા ગઝલ સંગ્રહનું ‘વિમોચન’ પણ કરવાનાં છે. જોકે હજુ એની નામકરણ સેરેમની બાકી છે, પણ આજે તે નવા જ ગઝલસંગ્રહમાંથી એક ગઝલ તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે…….!!
નોખાં કલ્પનો અને રદ્દીફ, કાફિયા સાથે આ ગઝલમાં ગૌરાંગભાઈ વિચારોનાં કિનારે બેસી, સરસ મઝાનાં શબ્દવમળો સર્જે છે. તો કવિ એટલે દુઃખ દર્દનો મારો બિચારો બની વેદનાને ધાવી, શબ્દવ્યૂહમાં ગૂંચવાઈ એક અનોખું સર્જન કરી લેતો હોય છે. પોતાનાં હોવાપણાં સાથે ઈશ્વરનાં હોવાપણાં સામે તેઓ કોઈ અન્યનું સ્થાપન પણ કરવા તૈયાર થઈ ગયાં છે. તેમનો ગઝલબાગ ગુજરાતી સાહિત્યને મહેંકતું રાખે તેવી દિલી શુભેચ્છાઓ તેમનાં જન્મદિન અને નવા ગઝલસંગ્રહ માટે પણ……..
.
Pinki @ April 13, 2009
ગઝલ : અનિલ ચાવડા
Posted in: સાહિત્યકાર, અનિલ ચાવડા, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (8)
શ્વેત ચાદર ને ફુલોના હારનો ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો !
સૌ પ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.
આપતા તો આપી દીધાં હાથ બે દમંયતીના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો.
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
આ તો એનું એ જ ને ? આમાં અમારી મુક્તિનું શું ?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.
- અનિલ ચાવડા
સંસારમાં વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે અને સમય તેનો અણસાર સુદ્ધા આપતો નથી. જિંદગીની નરી આ વાસ્તવિકતાને અનિલે પોતાનાં અનોખા અંદાજમાં બયાં કરી છે. તો મત્લાના શેરમાં મોતનાં ‘સૌંદર્ય’ને કેવો નિખાર આપ્યો છે ?!!
.
Pinki @ April 10, 2009
શું ખબર : મનોજ ખંડેરિયા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મનોજ ખંડેરિયા | Comments (2)
ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.
આયનો ફૂટ્યાથી શું વળ્યું,
પથ્થરો ભોંઠા પડી ગયાં.
કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.
દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.
શું ખબર એ શ્હેર ક્યાં હતું,
મીણના નકશા ગળી ગયાં.
લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.
- મનોજ ખંડેરિયા
પ્રતિબિંબ જોઈ અરીસો તોડવાથી, તેના એક એક ટુકડામાં આપણું પ્રતિબિંબ પડશે અને ત્યારે પથ્થરો શું ભોંઠા નહિં પડે ? ટૂંકી બહેરની આ ગઝલમાં ઉત્તમોત્તમ કલ્પનો મનોજભાઈએ પ્રયોજ્યાં છે.
.
Pinki @ April 9, 2009
