એટલું કાફી નથી : કિરણ ચૌહાણ
Posted in: સાહિત્યકાર, કિરણ ચૌહાણ, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (9)
ધડ ને માથું એટલું કાફી નથી,
માત્ર હોવું એટલું કાફી નથી.
મુક્તિ માટે કંઈ ખુલાસા જોઈએ,
પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.
કૈંક સોંસરવું ઊતરવું જોઈએ,
માત્ર લખવું એટલું કાફી નથી.
ફક્ત તારે માટે જીવ્યે જાઉં છું,
બોલને, શું એટલું કાફી નથી ?
પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
હું અને તું એટલું કાફી નથી !!
- કિરણ ચૌહાણ
અઢી અક્ષરનાં પ્રેમની ટૂંકીટચક વ્યાખ્યા….. શું કાફી નથી ?
.
Pinki @ April 8, 2009
જીવ્યા કરે : મહેશ દાવડકર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મહેશ દાવડકર | Comments (6)

( ખરેલાં પર્ણનું એકાંત ….. )
કોઈ ખાલી હાથનો અભિશાપ લઈ જીવ્યા કરે,
હસ્તરેખાનો પછી એ ભાર લઈ જીવ્યા કરે.
ફર્ક એને શો પડે, હો પાનખર કે વસંત,
જે ખરેલાં પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે.
એક સાંધે છે અને ત્યાં તેર તૂટી જાય છે,
રોજ માણસ કેટલાં આઘાત લઈ જીવ્યા કરે.
બંધ મુટ્ઠી ખોલે તો બસ રાખ કેવળ નીકળે,
કોઈ માથે વીજળીની ઘાત લઈ જીવ્યા કરે.
આંખમાં ભીનાશ પામ્યો બીજું કૈં ન પામ્યો એ,
સ્વપ્ન તૂટ્યા બાદ પશ્વાતાપ લઈ જીવ્યા કરે.
- મહેશ દાવડકર
મનુષ્યની પામરતાને ઉજાગર કરતાં કવિ કહે છે, પ્રારબ્ધ કે પુરુષાર્થના જંગમાં મનુષ્યે તો ખાલી હાથમાં હસ્તરેખાનો ભાર જ ઉપાડવાનો હોય છે. પાનખર હોય કે ભરવસંત તેને ભાગે તો ખરેલા પર્ણનું એકાંત જ આવે … !!
Pinki @ April 7, 2009
ઓરડો : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રાજેશ વ્યાસ 'મિસ્કીન' | Comments (7)
ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે,
બેસે છે ઘરનાં મેમ્બર એ ઓરડો જુદો છે.
એકેક શ્વાસ જાણે ચાલી રહ્યાં પરાણે,
ઘરમાં છતાંય બેઘર એ ઓરડો જુદો છે.
મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે,
લાગે કદીક પળભર એ ઓરડો જુદો છે.
ઘરમાં જૂનું જે થાતું બદલાઇ તરત જાતું,
બદલાય ના તસુભર એ ઓરડો જુદો છે.
મૃત્યુ પછી પિતાના, ખર્ચો કરી સજાવ્યો,
લાવ્યા ખરીદી ઈશ્વર એ ઓરડો જુદો છે.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
પિતાનાં મૃત્યુ પછી ઈશ્વરને ‘ખરીદી’ લાવ્યાં ….!! વૃદ્ધ ‘ફાધર’નો ઓરડો જુદો જ હોય… કારણ જ્યારે પિતા કહેવાનું જ ભૂલી ગયા હોય ત્યારે “पितृ देवो भव” ની આપણી સંસ્કૃતિ કોણ નિભાવવાનું ?!! ગુજરાતી સાહિત્યમાં ગુજલિસ કાવ્યપ્રકારને બાદ કરતાં, English word કોઇક વાર કઠતો હોય છે. પણ આ ગઝલમાં ‘ફાધર’ શબ્દ વ્યંજનાત્મક હોઇ તે ગઝલને વધુ ચોટદાર બનાવે છે.
.
Pinki @ April 6, 2009
વારતા : સુનિલ શાહ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, સુનિલ શાહ | Comments (14)
કોણે માંડી’તી સમયની વારતા..?
અંતમાં, જે થઈ પ્રલયની વારતા.
શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
તો વ્યથા થઈ જાય લયની વારતા.
એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
કે, લખાશે એક ઉદયની વારતા.
આપણામાં કૈંક ખૂટે છે હજી,
એટલે ના થઈ વિલયની વારતા.
ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,
ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.
- સુનિલ શાહ
વૈજ્ઞાનિકો બ્રહ્માંડ, પરગ્રહવાસી અને અન્ય કેટલીય શોધખોળોમાં રચ્યાપચ્યા છે અને હજુ તેનો તાગ નથી મેળવી શક્યાં ત્યાં સુનિલભાઈ તો સમયની પેલે પાર જઈ સમયની વારતાનાં પગરણ શોધે છે. મૂળ વિજ્ઞાનનો જીવ ખરોને. …..!! નેટજગતમાં ગુજરાતી સાહિત્યને રજૂ કરવાના આપણાં સકારાત્મક અભિગમ સિવાય નેટજગત પર અને તેની બહાર પણ તેનાં સકારાત્મક અને નકારાત્મક પરિણામો અંગે ચર્ચા થતી હોય છે. વધુ વાદ-વિવાદોમાં પડ્યા સિવાય નકારાત્મકની સાથે તટસ્થતાપૂર્વક સકારાત્મક પરિણામ અંગે જોવાય તો ઊર્મિ અને સુનિલભાઈ નેટજગતનાં સબળા અને ઉજળાં પાસાં છે. જો કે તેનો શ્રેય વિવેકભાઇને જશે. નેટજગત પર સતત નજર રાખી તેમણે નેટજગતને તો સમૃદ્ધ તો રાખ્યું જ પણ અન્ય ગુનાખોરી પણ અટકી. તો છંદની સતત ટકોરને કારણે આજે ઊર્મિ અને સુનિલભાઈ સુંદર ગઝલો પણ રચતાં થઇ ગયાં છે. હમણાં જ સુનિલભાઈની એક ગઝલ ‘કવિ’ સામયિકમાં પ્રગટ પણ થઈ.
મિત્રો, મને તો મત્લાનો શેર જ ગમી ગયો .. ઈશ્વરને કેવો મીઠો ઠપકો…. અરે, પ્રલયમાં જો સૃષ્ટિનો અંત જ આણવો છે તો સમયની વારતા શું કામ માંડી ? ભૂકંપ યાદ કરી જોજો, મને ત્યારે બરાબર આવી જ લાગણી થયેલી !! પથ્થરનાં ઘા ઝીલી શાંત જળનો લય પણ વ્યથિત થઈ જતો હોય છે. પણ અસ્ત થતા સૂરજની સવાર ઉદયની વારતાથી જ થાય છે ને ! એક પ્રેરણાત્મક બળ પૂરું પાડી વળી આપણને ચેતવે છે કે કઈક ખોટ આપણામાં જ નથી ને ? જો કે સનાતન સત્ય તો એ જ છે કે, સોળે કળાએ ખીલેલા ચંદ્રની કિસ્મતમાં પણ ક્ષયની વારતા લખાયેલી જ છે.
મિત્રો , આજે સુનિલભાઈને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે નેટજગત સાથે ગુજરાતી સાહિત્યને પણ ખૂબ સમૃદ્ધ કરે…. !! અને હા, આજે તેમની કડક ધમકી હોવા છતાં તેમનો આભાર પણ માની જ લઉં કારણ હું બહારગામ હોઉં કે હમણાં જમણા હાથે ફ્રેક્ચર થયેલું છે તો વૅબમહેફિલ અપડૅટ કરવામાં કે ગમતી ગઝલ ટાઇપ કરીને પણ મોકલી આપે છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આભાર સહ….
.
Pinki @ April 3, 2009
ઝાડ તને મારા સોગંદ : હિતેન આનંદપરા
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, હિતેન આનંદપરા | Comments (10)

( સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?!! )
ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !
આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?
ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ.
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !
- હિતેન આનંદપરા
કવિની સંવેદના કેટલી નાજુક હોઇ શકે તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ. મોટામસ ખડક તોડીનેય ઘાસનું એક તણખલું ઉગી આવે એમ ઝાડમય બની આપણને પણ ઝાડને પાંખો આવી જાય એવી લાગણી ઉગી આવે. આકાશને સ્પર્શવા મથતો હોય તેમ ઊંચે ને ઊંચે ઉગતું જાય ને તોય આકાશથી છેટું ને છેટું ?!! પંખીનો ટહુકો સાંભળી રોજ સવારે કૂંપળ ફૂટેને જો એ પંખી આથમણે પાછું ના વળે તો પાંદડાંને ડૂમો ના ફૂટે ?!! તો સાવ-માણસ જેવો સંબંધ કે છાંયે બેઠેલો માણસ ગમે કે ગાય એમ પ્રશ્ન પૂછીને જ કવિ ઉત્તર આપી દે છે, સમજી ગયાંને ?!!
.
Pinki @ April 2, 2009
મા : મિરોસ્લાફ હોલુબ
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યપ્રકાર, અનુવાદ, સાહિત્યપ્રકાર, માતા-પિતા, સાહિત્યકાર, મિરોસ્લાફ હોલુબ | Comments (23)
જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.
નાની થતી, નાની થતી,
ઝાંખી થતી, ઝાંખી થતી,
સેકંડે સેકંડે
ત્યાં સુધી કે અંતે
ન કોઈ જ એને જુએ
- મિરોસ્લાફ હોલુબ
( અનુવાદક : ? )
માની એક સીધી સાદી વ્યાખ્યા………તે હંમેશાં રાહ જ જોતી હોય. દીકરાના ફોનની, દીકરાના મૅલની કે દીકરાનાં જમવાની…. !! જો પાછાં વળીને જોઇએ તો અને તો જ ? – નાની થતી, ઝાંખી થતી મા દેખાશે જ પણ તમે જ્યારે જોઇ પણ નથી શકતાં એટલાં દૂર થઈ જાઓ કે જોવાનું છોડી દો ત્યારે પણ મા રાહ જ જોતી હોય…. મને યાદ આવી ગયેલ એક રચના .
.
Pinki @ April 1, 2009

