Headlines

આંબે આવ્યા મ્હોર : ડૉ. દિનેશ શાહ

બાકસ નામે ધરમ : કૃષ્ણ દવે

હેંડ્ય અલ્યા બગડી જઇએ : ભાનુપ્રસાદ ત્રિવેદી

ઝેરનો કટોરો : ભાગ્યેશ જ્હા

આંબે આવ્યા મ્હોર : ડૉ. દિનેશ શાહ

Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ડૉ. દિનેશ ઓ. શાહ | Comments (0)

                                                                           

triveni-sangam

                                                                           

કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
આજ મારે આંબે આવ્યા મ્હોર !

અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં, કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

- ડૉ. દિનેશ શાહ

નેટજગત દિનેશ અંકલના નામથી પરિચિત જ છે આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ …. હમણાં જ ઉપરોક્ત ત્રણ કવિેઓની રચનાઓનું ત્રિવેણી સંગમ ઑડિયો સીડીનું વિમોચન તેજપાલ ઑડિટોરિયમ, મુંબઈ ખાતે કર્યું.  તેની વધુ માહિતી માટે તેમનાં બ્લૉગની જરુર મુલાકાત લેશો.

 

 

.

Pinki @ March 31, 2009

બાકસ નામે ધરમ : કૃષ્ણ દવે

Posted in: સાહિત્યકાર, કૃષ્ણ દવે, સાહિત્યપ્રકાર, ગીત | Comments (6)

pigeon1


 


બાકસ નામે ધરમ, ધરમમાં દિવાસળીનાં ટોળાં જી,
એક જ પળમાં ઝડપી લીધાં કૈંક કબૂતર ભોળાં જી.
પીંછાં બાળ્યાં પાંખો બાળી બાળી એની ચાંચો જી,
પછી કહ્યું લ્યો ભડકે બળતા ચહેરાઓને વાંચો જી.


બાકસજી ઉપદેશ કરે ને આપે સૌને અગ્નિજી,
ફૂલેફાલે ધરમ આપણો એ જ અમારી લગની જી.
નાતજાતનો ભેદ નથી આ ધરમ એટલો સારો જી,
એક વાત ને એક આચરણ પકડો, કાપો મારો જી,


વાત સાંભળી ગલી ગલીથી ઉમટી આવ્યા ચેલા જી,
ત્યારે અમને ખબર પડી કે હતા કેટલા ઘેલા જી.
ઘણો કઠિન આ ધર્મ હતો ને હોંશે હોંશે પાળ્યો જી,
વ્યર્થ બધી એ વાતો છે ભૈ કોણે કોને બાળ્યો જી.


દિવાસળીનાં ટોળેટોળાં ફરી વળ્યાં ચિક્કાર જી,
બાકસ નામે ધરમ, ધરમનો થઈ ગ્યો જયજયકાર જી.


- કૃષ્ણ દવે


 


 આજે સવારે Breaking newsમાં વારેવારે પાકિસ્તાનમાં ફેલાયેલો આતંક જોઇ બીજો કોઇ વિચાર આવે ? બસ……’તેઓ” તો એક જ ધર્મવાદી = ત્રાસવાદી અને આતંકને ત્રાસ ફેલાવવો તે જ તેમનો ધર્મ. બાકસ, દિવાસળી, એ.કે.૪૭, બોમ્બ, મિસાઇલ્સ તે તો તેમનો પૂજાપો. બસ કૃષ્ણભાઈ કહે છે એમ, નાતજાતનો ભેદ નથી એટલો આ ધરમ સારો…. ?!!  આપણને આ ધરમ ના સમજાય – કારણ આપણે તો ભોળાં કબૂતરજી…. ?!!


 


 


.

Pinki @ March 30, 2009

હેંડ્ય અલ્યા બગડી જઇએ : ભાનુપ્રસાદ ત્રિવેદી

Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ભાનુપ્રસાદ ત્રિવેદી | Comments (2)

 

હારા થૈને થાક્યા જીવલા, હેંડ્ય હવે બગડી જઇએ,
ઉંચા ભાવે ખૂબ ઠગાણાં, હેંડ્ય હવે બગડી જઇએ.

ચાખડીઓ થૈ ચરણ દલાર્યા, પંચામૃત થૈ તરપ્યા,
દીપ-ફૂલ-ચંદન ઓવાર્યા, તોય સરગ ના ધરપ્યા.
ગાડી નરકની ચૂકશું ટણપા, હેંડ્ય ચડપ પકડી લઇએ.

કર્યાં હોજરા ખાતર, જીવલા ! પેટ વલોયાં ઉણાં,
પાડ્યાં તનનાં તેલ બાપલા ! કરમ પડ્યાં ના કૂણાં,
પત્યું ! હવે તો ફોલ્લા થૈને હેંડ્ય અલ્યા તતડી જઇએ.

હાંલ્લાં થ્યા ને ફૂટ્યાં લલવા ! નળિયાં થ્યા ને ચૂયા,
કદી કોડિયાં થયાં કજળવા, ઇંટ્યો થૈ રુંધાયાં,
હેંડ્ય હવે તો પકવનાર પાકે એવું ભભડી જઇએ.

- ભાનુપ્રસાદ ત્રિવેદી

 

ભગવાનની પૂજા કરી કરીને થાક્યા અને તોય સરગ (સ્વર્ગ) ના સાંપડે તો નરકની ગાડી થોડી ચૂકી જવાય ?  નૈતિકતાનાં મૂલ્યોને જીવનમાં મહત્ત્વ આપ્યા બાદ જો તે પરાવૃત્ત ન થાય તો કોઇ પણ અનીતિનો સરળ માર્ગ અપનાવવા તૈયાર થઇ જાય. પણ ખરેખર નીતિવાન માટે એવું શક્ય નથી હોતું ને તેથી જ  ફોલ્લો થઈ તતડી જાય છે. વળી, કરમનાં ફૂટેલાં ય એવાં કે કોડિયું થવા મથે તો ઇંટો થઈ ભઠ્ઠામાં શેકાય અને આ રુપક પણ મજાનું ….. કોઈની ઊંચી ઇમારતના પાયામાં આપણે જ પાયાની ઇંટો બનવાનુ…….!!  હેંડ્ય હવે બહુ થયું, આ ઇંટની જેમ પકવનાર પાકી જાય એવું ભભડી તો નાંખીએ, એથી તો વધુ કંઈ નહિં થાય આપણાથી. કારણ હારા થૈને થાકીએ જ આપણે તો – હારીએ થોડાં ?!!!
 

 

.

Pinki @ March 27, 2009

ઝેરનો કટોરો : ભાગ્યેશ જ્હા

Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ભાગ્યેશ જ્હા | Comments (3)

 

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા તૂટી.

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબૂરથી તૂટેલાં તાર મારા આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સ્હેજ ખૂટી.

રાધા બનીને સ્હેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢતાં, જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝવવા, નાચું ત્યાં ઘૂંઘરુની ગાંઠ એક છૂટી.

- ભાગ્યેશ જ્હા

 

ક્લેકટરપદે સરકારી નોકરી કરતાં કરતાં કવિતા નામનું ઝરણું વહે તે જ સુખદ આશ્ચર્ય અને તેમાં પણ ભાગ્યેશભાઈની કલમે વિષયનાવીન્ય અને કલ્પન પણ અનોખાં જ …. મીરાં, રાધા અને કૃષ્ણ તે તો સાહિત્યનાં સનાતન પાત્રો. પણ ભાગ્યેશભાઈએ તો ખુદ મીરાં બની કલમ ઉપાડી છે અને તેની તંબૂરનો રણકાર હૃદયને ન સ્પર્શે તે શક્ય જ નથી.  સંસારની માયાજાળમાં મનુષ્યે રોજ જ ઝેરનો કટોરા પીવા પડે પણ તે તો શિવજીની જેમ ગળામાં જ રાખવું પડે , મીરાં બની થોડું આપણે કૃષ્ણમાં સમાઈ શકીએ ?!! અને સત્ય પણ એ જ છે ને કે, કઈક દુઃખ આવે ત્યારે જ આપણને ઈશ્વર યાદ આવે છે. અને દુઃખનો અંતિમ ઉપાય ઝેરનો કટોરો જ હોય એમ લોકો આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે.  જોકે આ તો સંસારરૂપી વિષ પીતાં અંગે અંગ મીરાં ફૂટે છે વૈરાગ્ય આવી જાય અને તો પણ કૃષ્ણને પામી નહિં શકતા મનુષ્યની વાત….!!

મીરાં તો રાણાને સંદેશો પણ મોકલી શકી પણ આપણે તો તેમ કરવાં જતાં શાહી પણ ખૂટી જાય છે. તો વળી, રાધા બનીને કાનને બોલાવવા જઈએને પારધી કૃષ્ણની પાનીએ તીર તાકે છે. શું હવે, જીવનનું ઝાડ ના થાકે ?!!  આપણું મન પણ રાધાની જેમ બ્હાવરું બની કૃષ્ણને શોધે છે … ઝેરનો કટોરો પીવા પણ તૈયાર ….. શું તું તારું વચન હજુ નહિં પાળે…. ‘संभवामि युगे युगे’ …….?!!

 

 

.

Pinki @ March 26, 2009

પ્રતીક્ષા : જયદેવ શુક્લ

Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, જયદેવ શુક્લ | Comments (2)

 

ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.

ઊંઘ લૂછી લૂછીને સાફ કરી.

પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.

પંખા પર જામેલી ધૂળ ઉડાડી.

બહાર ‘ચરતી’ પેનોને પેનસ્ટેન્ડમાં સજાવી.

ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.

દાઢી માંજી.

સ્ટવની દીવેટ ખેંચી.

ઘડિયાળમાં જોયું.

સામેની બારીના સળિયા ગણ્યાં :

એક…. બે….. ત્રણ….

ફરી જોયું.

શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.

ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.

ચાવી આપી.

ટક્…… ટક્…… ટક્……

ટક્……

- જયદેવ શુક્લ

 

પ્રતીક્ષાની ક્ષણે ક્ષણને વાચા આપતું શબ્દચિત્ર… !! એક સુંદર લક્ષણામૂલક અછાંદસ. કોણ કહે છે, વિરહમાં સમય જતો નથી ? યુગોનાં યુગો વીતી જાય છે એક ક્ષણમાં …….?!!!

 

 

.

Pinki @ March 25, 2009

ગઝલ : એસ.એસ.રાહી

Posted in: સાહિત્યકાર, એસ.એસ.રાહી, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (2)

 

મેલું ઘેલું ફળિયું દે,
સાવ તૂટેલું નળિયું દે.
 
દૂર રહું ભારે નજરોથી,
એવું બસ માદળિયું દે.
 
પરવા કયાં છે ઉંચાઇની,
પોચું પોચું તળિયું દે.
 
ધોધમાર તો માત્ર કલ્પના,
હવામાન વાદળિયું દે.
 
છીનવી લે તમરાનું દળ,
અંધારું ઝળહળિયું દે.
 
છો ને તરસ્યો છું જીવનમાં,
મૃત્યુ ગંગાજળિયું દે.

- એસ.એસ.રાહી

કોઇ પણ આમ આદમીનું સપનું બસ એક નાનકડું ઘર ને ઘર આગળ એક નાનકડો બગીચો.  પણ કવિનું સપનું એટલું આમ નથી. તેના ઘરનું આંગણું બહુ સજાવેલું નહિં હોય ને મેલુંઘેલું ફળિયું હશે તો પણ ચાલશે અને છત પર તૂટેલું નળિયું પણ. હા, બહુ ભારે નજરોથી બચાવવા એક માદળિયું જરુર ઈશ્વર પાસે માંગે છે. તો એને ટોચ પર પહોંચવાની પણ તાલાવેલી નથી. પણ જે ‘ધરતી પર પગ મૂકી’ તે ચાલે છે તેને થોડી સુંવાળી રાખવાની એક નાનકડી અરજ છે.  ધોધમાર સુખનો વરસાદ નહિં વરસે તો કઈ નહિં પણ આ છાંયડા વિનાના તડકા વેઠાય એમ નથી તો હવામાન વાદળિયું આપજે.  ભલે સુખનો સૂરજ ના ઊગે પણ આ ઘોર અંધારું તો ઝળહળિયું દેજે. કવિ દરેક દુઃખમાં અનુકૂલન સાધી દરેક વિષમ પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર છે. પણ અંતે ઈચ્છે છે કે, ભલે ઈશ્વર આખી જિંદગી મને દરેક વસ્તુથી તરસ્યો રાખે પણ મોત તો ગંગાજળિયું જ આપજે.  કારણ આપણી સંસ્કૃતિ મુજબ ગંગાજળિયું મોત સર્વોત્તમ ગણાય છે.  ઈશ્વર તો મનુષ્યની કસોટી કરતો જ હોય છે મેલાંઘેલાં ફળિયાં આપીને પણ મનુષ્ય મને તો બસ ગંગાજળિયું મોતની જ ખ્વાહિશ એમ કહે, ત્યારે શું ઈશ્વરની કસોટી નહિં થતી હોય ?!!

 

 

.

Pinki @ March 24, 2009

This text will be replaced by the flash music player.
Powered By Indic IME