Headlines

eમાણસ છું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલ : નીતિન વડગામા

બે ટ્રાયોલૅટ : નિર્મિશ ઠાકર

ગઝલ : નિર્મિશ ઠાકર

eમાણસ છું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રાજેશ વ્યાસ 'મિસ્કીન' | Comments (5)

 

હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મૂકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધાં,
જીવું છું ઝાંખુંપાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સૂકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રીસાઈ ગયેલો માણસ છું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

ઘણીવાર આપણે કોઈ અગત્યની વસ્તુ વધુ યોગ્ય જગ્યાએ મૂકવાના પ્રયત્નમાં તેને ક્યાં મૂકી તે જ ભૂલી જતાં હોઈએ છીએ. રાજેશભાઈ પણ આ ગઝલમાં ડાબા હાથે મૂકાઈ ગયેલાં ‘માણસ’ને શોધવાનો પ્રયત્ન કરતાં હોય તેવું નથી લાગતું ?!!  અને તે પણ આપણે જાતે જ ખોઈ નાંખેલો.  થોડી નિષ્ફળતા, થોડી નિરાશા, થોડી વિષમ પરિસ્થિતિથી જિંદગી પ્રત્યે નકારાત્મક અભિગમ અપનાવી લઇએ તો શું પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે ?  ના….  તો તો દુનિયા રાજેશભાઈ કહે છે એમ, પાન ચાવીને થૂંકતાં હોય તેમ તમને થૂંકી દેશે. ઝાંખુંપાંખું જીવતા માણસને દુનિયા પૂરો મરવા પણ નથી દેતી. 

ખરેખર તો આપણે મક્તાના શેરમાં કહે છે એમ, આપણા ખુદથી જ રિસાઈ ગયેલા માણસ છીએ.  આપણે ખુદથી જ હારી ગયા છીએ. ગોખી ગોખીને યાદ કરેલાં ગીતાનાં શ્લોક પણ આવી પરિસ્થિતિમાં યાદ સુદ્ધાં નથી આવતાં અને ત્યારે ‘માણસ’ ખુદ પોતાના જ ડાબા હાથે ક્યાંક મૂકાઈ જાય છે.  પણ આ સંજોગોમાં પોતાનાથી કે પરિસ્થિતિથી રિસાયા વિના – નિરાશ થયા વિના કર્મયુદ્ધ કરતાં રહીશું તો કદાચ જીતી જઈશું જિંદગીનો આ જંગ..!!

 

 

.

Pinki @ March 23, 2009

ગઝલ : નીતિન વડગામા

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, નીતિન વડગામા | Comments (4)

 

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

- નીતિન વડગામા

 

જિંદગી એટલે શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે ઘટતી એક ઘટના…..બાળક જન્મે તો આપણે કહીએ ધરતી પર પહેલો શ્વાસ લીધો અને જો કોઈનું મૃત્યુ થાય તો શ્વાસ છોડ્યો એમ કહેવાય. પણ શું જિંદગી શ્વાસોચ્છવાસની એક પ્રક્રિયા માત્ર છે, ખરી ?  તો પરપોટા જેવી જિંદગીનું સત્ય શું ?  નીતિનભાઈ કહે છે એમ, સાવ કોરા કાગળ વંચાય તો આ ‘અક્ષર’નો મર્મ પકડાય.  પણ તેને માટે મન પણ કોરા કાગળ જેવું જોઈએ. માત્ર પંખીની આંખ જોવા તેની આસપાસનું બધુંય ભૂંસવું પડે તો જિંદગીનાં સત્યને એ ‘પદારથ’ને પામવા પામર જીવને કેટલું ભૂંસવું પડે ?!!  પણ આપણે તો અધૂરા પાત્ર એટલે છલકાઈ જઈએ તો વળી અજવાળું પામીએ તો ડહાપણનાં દીવડા ત્યાં જ બૂઝાય પણ જાય…. સીધાં-સાદાં સરળ શબ્દોમાં ઊંડા અર્થગહનવાળી નીતિનભાઈની આ ગઝલ જરૂર માણવી ગમશે.

 

 

.

Pinki @ March 20, 2009

બે ટ્રાયોલૅટ : નિર્મિશ ઠાકર

Posted in: સાહિત્યપ્રકાર, ટ્રાયોલૅટ, સાહિત્યકાર, નિર્મિશ ઠાકર | Comments (10)

triolet

: મને ના માપ :

ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
બ્હારના આકાર રાખીને મને ના માપ તું.
જો મને, છોડીને દ્ર્ષ્ટિ રોજના વ્યવહાર શી,
ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
કૈં હદોની પારથી અંદર છતાંયે બ્હારથી,
જો રચું આશ્ચર્ય ના, તો બોલ મારું કામ શું ?
ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
બ્હારના આકાર રાખીને મને ના માપ તું. 

: હે કવિ ! :

પ્યાસ આખા વિશ્વની આપી તને
હે કવિ, તારે બીજું શું જોઈએ ?
મૃગજળોમાં શબ્દ-મૃગ દોડાવને !
પ્યાસ આખા વિશ્વની આપી તને
છોડ પૃથ્વી, ઊડતો જા કલ્પને !
પ્યાસમાં તું પી જાજે આકાશને !
પ્યાસ આખા વિશ્વની આપી તને
હે કવિ, તારે બીજું શું જોઈએ ?

- નિર્મિશ ઠાકર

ગઈકાલે જ નિર્મિશભાઈની ગઝલ આપણે માણી આજે વાત કરવી છે ટ્રાયોલેટની.  જેનો સ્પેલિંગ TRIOLET છે પણ ફ્રેંચ ઉચ્ચાર ટ્રીલટ કરવામાં આવે છે.  ટ્રાયોલેટ એ ૧૩મી સદી – મધ્યકાલીન ફ્રેંચ સાહિત્યમાં ઉદ્ ભવેલો કાવ્યપ્રકાર છે. 

સ્વરૂપ : 
આ કાવ્યપ્રકાર આઠ પંક્તિ ધરાવે છે.
“A B a A a b A B ” તે તેનું બંધારણ સ્વરૂપ છે. જેમાં-
પ્રથમ પંક્તિ – A
દ્વિતીય પંક્તિ – B
તૃતીય પંક્તિ – a ( પ્રથમ પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ)
ચતુર્થ પંક્તિ – A ( પ્રથમ પંક્તિનું પુનરાવર્તન )
પંચમ પંક્તિ – a (  પ્રથમ પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ )
ષષ્ટમી પંક્તિ – b ( દ્વિતીય પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ )
સપ્તમ પંક્તિ – A ( પ્રથમ પંક્તિનું પુનરાવર્તન )
અષ્ટમી પંક્તિ – B ( દ્વિતીય પંક્તિનું પુનરાવર્તન )

પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ અને તૃતીય પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે.  તેવી જ રીતે, દ્વિતીય પંક્તિનો અંતિમ શબ્દ અને છઠ્ઠી પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે.

નિર્મિશઅંકલ સાથે વાત થઈ તે મુજબ, ટ્રાયોલૅટ ફ્રેંચ ઉપરાંત અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, પંજાબી, સિંધી જેવી ભાષાઓમાં પણ રચાયાં છે.  ભૂતકાળમાં શ્રી જમિયત પંડ્યાએ તેને સિંધી પ્રકાર અપનાવી “તેઓને પૂછ !” ને ગઝલનાં રદ્દીફની જેમ ટ્રાયોલૅટ રચવા પ્રયત્ન કર્યો છે. પણ જો રદ્દીફ વિના માત્ર કાફિયા કે હમકાફિયાનો ઉપયોગ કરવાથી ટ્રાયોલૅટનું મૂળ સ્વરૂપ વધુ સાચવી શકાય છે. હાઈકુ અને સૉનેટની જેમ આ નવ્યપ્રકાર પણ એનાં મૂળ છંદશાસ્ત્રને સ્વીકાર્યા વિના, આપણે ત્યાં પ્રચલિત સંસ્કૃત અથવા ગઝલનાં છંદોમાં સ્વીકાર્ય અને સ્થિર બની શકે તેમ છે.  આ સાથે સર્જકો અને અભ્યાસુઓને વધુ રસ લેવા વિનંતી.  વધુ માહિતી માટે આપ પ્રતિભાવ વિભાગમાં પૂછી શકો છો અને તે અંગે નિર્મિશભાઈ જરૂર માર્ગદર્શન આપશે.  જો કે પહેલાં તો આપણે નિર્મિશભાઈને ફોઇબા બનવાનું કહી આ કાવ્યપ્રકારનું ગુજરાતી નામકરણ કરવાનું કહીશું ?!! 

આ સાથે વીકીપિડીયા પર તે વિશે જરૂર વાંચશો અને ક્લાસિક ગણી શકાય તેવું થોમસ હાર્ડીનું આ ટ્રાયોલૅટ પણ…. 

 

 

.

Pinki @ March 19, 2009

ગઝલ : નિર્મિશ ઠાકર

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, નિર્મિશ ઠાકર | Comments (5)

 

 

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે ?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે ?

ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી -
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે ?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી,
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે ?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં,
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે ?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક,
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે ?

જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ,
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે ?

એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના,
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે ?

- નિર્મિશ ઠાકર

 

નિર્મિશભાઈ એટલે ગણપત હુરટી પણ આજે તેમનાં જન્મદિને તેમની એક અલગ જ પ્રતિભા ઉપસાવતી મારી પ્રિય ગઝલ. આમ તો ભાષા એટલે કાનોને સંભળાતી વાણી કે આંખોથી વંચાતી કલમ એક સીધી સાદી વિભાવના. પણ નિર્મિશભાઈ વાત લઈને આવ્યાં છે હૃદયલિપિની…..પણ તેના માટે મત્લાના શેરમાં કહી દીધું એમ, મનની બારી ખુલ્લી રાખવી પડે તો જ દ્રશ્યોની ભાષા પામી શકાય અને ફૂલો ભરેલ ક્યારીની ભાષા ઉકેલી શકાય. તો કાળી સડક પર મજૂરનાં પ્રસ્વેદની લિપિ આપણે ઉકેલી શક્યાં છીએ ? અને હમણાં જ વીમેન્સ ડૅનાં નારીવિષયક અછાંદસમાં નિર્મિશભાઈએ સ્ત્રી પોતાનાં ઘરની શોધમાં તે જ ઘર  અશ્રુનું બની ગઈ તેવી નારીસંવેદનાની લિપિને પણ કેટલી સુંદર રીતે ઉકેલી છે.  ફૂટપાથની સાથે અટારી શબ્દ સમાજમાં પ્રવર્તિત આર્થિક પરિસ્થિતિ જેટલો જ ચોટદાર વિરોધાભાસ ઉપજાવી ભૂખ્યા સૂતેલ બાળકની નહિં આપણી ઉંઘ ઉડાડી દે છે. આ બધીય વેદનાનો અનુવાદ ચોક્કસ આપણા હૃદય મહીં થઈ શકે તેવી કલમનાં બાદશાહને જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન અને હા… Indian Expressમાં તેમના વિશેનો એક લેખ જરુર વાંચશો અને તેમની પોતાની વૅબસાઈટની પણ મુલાકાત એક નવા જ નિર્મિશભાઈની ઓળખ કરાવશે.  અને વૅબમહેફિલમાં તેમનાં અન્ય કાવ્યો …..

 

 

.

Pinki @ March 18, 2009

હું તો કોરીકટાક રહી ગઈ : ક્રિશ્ના પંડ્યા

Posted in: સાહિત્યકાર, ક્રિશ્ના પંડ્યા, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યપ્રકાર, વસંત | Comments (3)

 

એ સઈ, હું તો કોરીકટાક રહી ગઈ, રંગોની મહેફિલમાં પહોંચું ન પહોંચું
ત્યાં આખી મહેફિલ ઊઠી ગઈ, હું તો કોરીકટાક રહી ગઈ.

મનમાં તો થાતું’તું ફાગણિયો આવશે ને, છંટાશે આયખાના આભમાં ગુલાલ,
રૂંવેરૂંવામાં પછી કેસૂડો મોરશે ને,સપનાને ફળશે કાંઇ પીળચટ્ટું વ્હાલ.
કોકે બતાવ્યું તો પૂજીને આવી હું, આખું પલાશવન જઈ.
                                  – તોય કોરીકટાક રહી ગઈ.

શેરી ને ફળિયું ને ગામના સીમાડા એ રંગોમાં કેવાં થયાં છે ચકચૂર,
દોડીદોડીને હું તો રંગાવા જાઉં ત્યાં રંગો પણ ભાગે છે મારાથી દૂર.
ફાગણમાં જન્મી ને તોય મારી કુંડળી રંગવિહોણી રહી ગઈ.
                                  – સાવ કોરીકટાક રહી ગઈ.

- ક્રિશ્ના પંડ્યા

 

આંબાનો મ્હોર, કોયલના ટહુકાઓ અને કેસૂડાના રંગમાં આખુંય ગામ, શેરી ને ફળિયું ફાગણમાં રંગાઈ ગયું ને તમે – કોરાકટાક નથી રહી ગયાંને ?!!   જોજો તમારી જન્મકુંડળી રંગવિહોણી ના રહી જાય આપણે વળી પલાશવન પૂજવા ક્યાં જશું ?!!    નિરાશાનો એક ઘેરો રંગ જિંદગીને રંગવિહોણી કરી દેતો  હોય છે.  શેના માટે આ રંગોની મોસમમાં કોરાકટાક રહી જઈએ, બસ ફાગણ ચાલ્યો જાય એ પહેલાં – રંગોની મહેફિલ ઊઠી જાય એ પહેલાં – પીળચટ્ટાં વ્હાલમાં થઈ જઈએ  ચકચૂર ………..!!

 

 

.

Pinki @ March 17, 2009

ઝાકળ : વિવેક મનહર ટેલર

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, વિવેક ટેલર | Comments (6)

 

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી વહે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે,
એ હવા ! તો જ એ બને ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પના પાંદમાં રહે ઝાકળ.

હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.

- વિવેક મનહર ટેલર

 

ગુજરાતી નેટજગત આ નામથી જરા પણ અજાણ નથી. સર્વનાં મિત્ર અને ગુરુ જોકે ગુરુ મિત્ર જેવા મળવાં મુશ્કેલ પણ સરળતા અને સુરતીપણું  હોય તો આવું બનેય….. તો આજે આપણા સૌનાં ગુરુમિત્ર વિવેકભાઇને જન્મદિને હાર્દિક શુભકામનાઓ અને માણીશું તેમની કલમે ઝાકળની કહાની. ઝાકળ વિશે ઘણું કહેવાયું પણ આ જુબાની કઈક ઓર જ …….. ગઝલ પોતે જ ખૂલીને ઝાકળરુપી શબ્દોથી આપણને ભીંજવી  દેશે. જોકે આજે બે વિવેકભાઈને  યાદ કરવાનાં છે.  આજે અન્ય કવિમિત્ર વિવેકભાઈ કાણેનો પણ જન્મદિવસ તો તેમને પણ હાર્દિક શુભકામનાઓ અને માણીશું તેમની પણ એક ગઝલ….. !!

 

 

.

Pinki @ March 16, 2009

This text will be replaced by the flash music player.
Powered By Indic IME