ગઝલ : વિવેક કાણે ‘સહજ’
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, વિવેક કાણે 'સહજ' | Comments (2)
દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું.
જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ, હું મારા સમાન છું.
ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.
તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું ય સ્હેજ ભીનેવાન છું.
તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.
- વિવેક કાણે ‘સહજ’
વિવેકભાઈને પણ જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સહ…..
.
Pinki @ March 16, 2009
આવજે : હરદ્વાર ગોસ્વામી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, હરદ્વાર ગોસ્વામી | Comments (3)
રાહ જોતા આંગણા છે, આવજે,
સાવ ખુલ્લા બારણા છે, આવજે.
શૂન્યતા, આંસુ, હૃદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા છે, આવજે.
ઘેર મારે એ તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણા છે, આવજે.
એમને ય હૂંફ તારી જોઇએ,
ધ્રૂજતા સૌ તાપણા છે, આવજે.
આંખ ઊભડ્ક, હોઠ હફ્ડક્, મૌન મન,
શ્વાસ પણ લ્યો, સો ગણા છે, આવજે.
- હરદ્વાર ગોસ્વામી
રાહ જોતાં આંગણાં ને ખુલ્લા બારણાં …… ‘આવજે’ નું ઈજન આપી જ દે. વળી મારગ પણ સહુ આપણાં જ છે તો આ પોતાપણું ધ્રૂજતા તાપણાને હૂંફ ન આપે ?!! તો અંતિમ શેરમાં આંખ ઊભડ્ક ને હોઠ હફ્ ડક જાણે ખરે જ શ્વાસ સો ગણા કરી દે કે પ્રિયજન આવશે ને ?!!
.
Pinki @ March 13, 2009
નિર્વેદ : ગુણવંત શાહ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ગુણવંત શાહ | Comments (4)
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસુ એક ખૂટી પડ્યું !
કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઊડ્યો શિશિરનો છાંટો.
સમંદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;
વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.
હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું ;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;
- ગુણવંત શાહ
ગુણવંતભાઈને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માણીશું મને ગમતી તેમની એક રચના !! જીવનપર્યંત તેમને કોઈ નિર્વેદ ન રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સહ
.
Pinki @ March 12, 2009
ધમાલ થઈ ગઈ…!– ગૌરાંગ ઠાકર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગૌરાંગ ઠાકર, સાહિત્યપ્રકાર, વસંત | Comments (3)
વસંત આવી, ધમાલ થઈ ગઈ,
બધા બગીચે બબાલ થઈ ગઈ..!
બધા જ લોકોએ મ્હેંક માંગી,
હવા પછી તો, હમાલ થઈ ગઈ.
સૂરજ ગયો છે ગુલાલ છાંટી,
આ સાંજ તેથી જ, લાલ થઈ ગઈ.
તમારી ઝળહળ સવાર માટે,
લ્યો, રાત આખી હલાલ થઈ ગઈ.
બધું જ વાંચી શકાય એવી,
પ્રણયમાં આંખો, ટપાલ થઈ ગઈ.
તમે હતાં થી, તમે ગયાં તે,
પળોની વચમાં, કમાલ થઈ ગઈ.
તમે જ મારી ગઝલ બનો ને,
કલમ હવે તો, મશાલ થઈ ગઈ.
- ગૌરાંગ ઠાકર
કોયલના ટહુકાઓનું અસ્તિત્વની આસપાસ રચાતું સરોવર એટલે વસંત… વસંત એટલે રંગ–રાગ અને પરાગની સૃષ્ટિ. વસંતોત્સવ એટલે પ્રણયોત્સવ એમ પણ કહેવાયું છે. ફૂલ અને ભમરાની બોલબાલાની આ ૠતુની માનવજીવન પર થતી અસરોના સ્પંદનો ઝીલવા કવિનો હાથ ઝાલ્યો ઝલાય ખરો..? અહીં કવિશ્રી ગૌરાંગભાઈએ પણ વસંતના અનેક રંગો રમતિયાળ શૈલીમાં રજૂ કર્યા છે. એમની આ અક્ષુણ્ણ ગઝલ માણીએ.
.
Pinki @ March 11, 2009
ફાગણનો ફાગ : ઝવેરચંદ મેઘાણી
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ઝવેરચંદ મેઘાણી | Comments (2)
આજ ફાગણને ફાગ, રૂમઝૂમતી રમવા નીસરી,
રમવા નીસરી દુ:ખડાં વીસરી રે.
આજ ગલને ગુલાલ છાંટતી રમવા નીસરી,
રમવા નીસરી મુખ રાતાં કરી રે.
આજ કેસૂડા ડાળ, રંગરેલી રમવા નીસરી,
રમવા નીસરી પટકુલ કેસરી રે.
આજ પૂનમને આભ, અનહદમાં રમવા નીસરી,
રમવા નીસરી ઉર ચાંદો ધરી રે.
આજ સોળે શણગાર શોભંતી રમવા નીસરી,
રમવા નીસરી સુખભર સુંદરી રે.
આજ વનદેવી નાર, નવખંડે રમવા નીસરી,
રમવા નીસરી વિભુની ઈશ્વરી રે.
- ઝવેરચંદ મેઘાણી
હોળી-ધૂળેટીનાં શુભ પર્વે આપ સૌને ગુલાલી શુભેચ્છાઓ….
.
Pinki @ March 9, 2009
મોસમ આવી છે કમાલની : અંકિત ત્રિવેદી
Posted in: સાહિત્યકાર, અંકિત ત્રિવેદી, સાહિત્યપ્રકાર, ગીત | Comments (5)
સામે ચાલીને હવે ચર્ચા કરું છું, તારા પૂછ્યા વગરના સવાલની
મોસમ આવી છે કમાલની…..
સપનાનો સૂરજ જે આંખોમાં ઊગે,
એને દિવસે દેખાય રોજ તારા.
કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,
ત્યારે ઉકલે અવસરનાં અણસારા.
દિવસ પણ ઊગવાનું યાદ રાખી રોજ રોજ વાતો કરે છે આજકાલની.
જીવતરનો અર્થ પછી હોવું થઈ જાય,
એવે ટાણે સમજાઈ જાય તું,
ભીનપને લીલેરી લ્હેરખી ફૂટેને,
એવે ટાણે છલકાઈ જાય તું.
મુટ્ટીઓ સાચવીને રાખી મૂકી છે મારા હૈયે ઊડેલા ગુલાલની.
- અંકિત ત્રિવેદી
“કોઈ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત સૂરજ છે,
સૂરજમુખી સૂરજ સામે ધારીધારી રાહ જુએ છે.” – અંકિત ત્રિવેદી
આજે અંકિતનાં જન્મદિને ગઝલપૂર્વક-ગીતપૂર્વક આપ સહુ વાચકો અને ભાવકો તરફથી કાવ્યમય શુભેચ્છાઓ…… !! વાસંતી વાયરા પણ ફૂંકાય છે અને ફાગણ પણ બરાબર ફાલ્યો છે . તો કેસૂડાં અને ગુલ્મહોરની છાયામાં – આવી કમાલની મોસમમાં, પૂછ્યા વગરનાં સવાલની ચર્ચા સામે ચાલીને કરવી જ પડેને. વળી, હવે તો હોળી-ધૂળેટી – અવસરનાં અણસારા – ક્યાં સુધી હૈયે ઊડેલાં પ્રીતનાં ગુલાલને મુટ્ટીમાં સાચવી રાખશો ? મુટ્ઠી નહિં, હૈયું ખોલી ગીતનાં ગુલાલે રંગશોને રંગાઈ પણ જશો….. !! ઉપર ટાંકેલાં શેરમાં ભાવક સૂરજમુખી અને કોઈ ખૂબ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત- સૂરજ તેવી વિભાવના સાથે તેનાં નવાં સર્જન અને કાર્યક્રમની અમે ધારીધારીને રાહ જોઈએ છીએ, ખરુંને ?!!
.
Pinki @ March 9, 2009
