Headlines

ગઝલ : કિરણકુમાર ચૌહાણ

લા-પરવા ! : મકરન્દ દવે

મોરપીંછ : અરવિંદ ભટ્ટ

નવી ભાષાની પ્યાસ : યોસેફ મૅકવાન

ગઝલ : કિરણકુમાર ચૌહાણ

Posted in: સાહિત્યકાર, કિરણ ચૌહાણ, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (4)

 

કહ્યું કોણે કે તારી પરવા કરું છું,
હું બસ તારા સુખની તમન્ના કરું છું.

તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.

આ સમજણ,આ વળગણ,આ દર્પણ યા કંઈ પણ,
અકારણ-સકારણ હું તડપ્યા કરું છું.

મને પામવા તું પરીક્ષા કરે છે,
તને પામવા તારી પૂજા કરું છું.

ઘણી વાર પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

હવે જીતવાની મજા પણ મરી ગઈ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.

- કિરણકુમાર ચૌહાણ

 

કિરણકુમારના નવા ગઝલસંગ્રહ ‘મિજાજ’માં તેમનો અનેરો જ મિજાજ જોવા મળે છે.  પ્રેમનાં સાગરમાં ડૂબકી લગાવતાં એક અનેરું સમર્પણનું મોતી તેમને મળી આવ્યું છે. જિંદગીમાં જીવવા માટે બે છેડા તો સૌએ ભેગા કરવાં જ પડે પણ પ્રેમ જ જેને જિંદગી તેને યાદ કરવું ને ભૂલવું એ જ બે છેડા….. !  પ્રેમની કોઈ પરીક્ષા હોય ? – એ તો બસ પૂજા છે.  વૅલેન્ટાઇન ડે પર wish કરવાનું ભૂલી ગયાં હો તો આ ગઝલ સંભળાવી દઈ વૅલેન્ટાઇનને મનાવી લેજો.

 

 

.

Pinki @ March 4, 2009

લા-પરવા ! : મકરન્દ દવે

Posted in: સાહિત્યકાર, મકરન્દ દવે | Comments (2)

 

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.

આવે ને જાય એના વેઠવાં શા બોજા !
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.

વાહ ભાખે કોઇ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઇ ભૂંડી મોઢે મેશ ઢાળી.

રામ મારો રૂદે હસે રંગ નહીં દૂજા,
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?

દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી.

ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ અને આવો તમે રોજા.

- મકરન્દ દવે

સાંઈકવિ મકરન્દ દવેની આ ભક્તિલક્ષણા રચના જિંદગી કે સંસાર પ્રત્યેની તેમની લા-પરવા કે બેફિકરાઈ દર્શાવે છે, અને જ્યારે સર્વસ્વ ઈશ્વરાધીન હોય તો ફકીરને ફિકર શેની ?? જિંદગીનાં મોજાંની આજ તો રવાની – કોક દિન ઈદ અને કોક દિન રોજા……. !!  પ્રારંભિક પંક્તિઓને ફકિરાઈ મસ્તીમાં કવિ અંતમાં ફેરબદલ કરી, ગીતામાં વર્ણવેલ સ્થિતપ્રજ્ઞ અવસ્થાનો બોધ નથી આપી જતાં ?!!

 

 

.

Pinki @ March 3, 2009

મોરપીંછ : અરવિંદ ભટ્ટ

Posted in: સાહિત્યકાર, અરવિંદ ભટ્ટ, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (7)

 

ફૂલ રાખ્યું હથેળી મહીં ભૂલમાં,
આંગળીઓ બદલતી ગઇ શૂળમાં.
 
આ પવન ખેરવે છે પીળાં પાંદડાં ?
કે છૂપાયું છે કોઇ કપટ મૂળમાં ?
 
કોઇ માણસનું પગલું મળે ના કશે,
ને પગરખાં છપાતાં રહે ધૂળમાં.
 
એ જ રંગોથી સપનાંઓ રંગ્યા હતાં,
એ જ પાડી ગયાં દાગ પટકુળમાં.
 
એક પીંછું મોરનું શોધતાં શોધતાં,
છેક પહોચીં જવાયું છે ગોકુળમાં.

- અરવિંદ ભટ્ટ

 

મત્લાના શેરથી જ આખીયે ગઝલનો મિજાજ કંઈક અનેરો જ છે. સુકોમળ ફૂલ હાથમાં લેતાં જ આંગળીઓ શૂળમાં ફેરવાઈ કવિહૃદયને જ તે શૂળ ભોંકાયા હોય એમ – એક એક શેર તે વેદનાની કારમી ચીસો સમાન છે.   અને શું કવિનું મન ફૂલ જેટલું જ સુકોમળ નથી  કે જે જમાનાની દગાખોરીથી ત્રસ્ત બની તેના હૃદયમાં કાંટો બની ચૂભ્યા કરતું હોય છે. કવિ દુનિયા પરથી એટલી હદે વિશ્વાસ ગુમાવી ચૂકેલ છે કે તેમને પીળાં પાંદડાં પવનથી ખરી જાય તો પણ ‘મૂળ’માં કોઈ કપટ હોવાની સંભાવના લાગે છે.   કારણ માણસજાત તો એવી લંપટ છે કે તેનાં પગરખાંની છાપ હોવા છતાં તેનું પગલું મળવું મુશ્કેલ છે.  જે રંગોથી સપનાં રંગ્યાં તે જ રંગ પટકુળમાં ડાઘ પાડી દે છે… !! પણ અંતિમ શેરમાં માત્ર ઈશ્વર પ્રત્યે જ વિશ્વાસ, આસ્થા રાખવાનું કહે છે કારણ એનું એક પીંછું પણ શોધશો તો આખુંય ગોકુળ જડી જશે. 

 

 

.

Pinki @ March 2, 2009

નવી ભાષાની પ્યાસ : યોસેફ મૅકવાન

Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, યોસેફ મૅકવાન | Comments (9)

 

દોસ્તો, જમાનાને નવી ભાષાની પ્યાસ છે,
 આ રૂઢ વાણી તો હવે જીભનો લિબાસ છે.
 
વ્હેવારનું જે ગદ્ય છે, જડબેસલાક છે,
ક્યાં પ્રેમનાય ગીતમાં એની મીઠાશ છે ?
 
છે વ્હેણ વાક્યોનું, ‘સમજ’ એમાં તણાય છે,
શબ્દોની હત્યા થાય છે, અર્થો હતાશ છે.
 
દુ:ખો અવિકારી વિશેષણ – શાં અહીં સતત,
આ આપણે તો આધિથી એ જ ઈતિહાસ છે.
 
સૌ સર્વનામો આગિયા જેવાં રહ્યાં સદા,
વિશેષ નામોનોય તે સુક્કો ઉજાસ છે.
 
સત્તાનું છે વ્યાકરણ સૌનું અલગ અલગ,
એનાં વિચિત્ર જોડણી સન્ધિ સમાસ છે.
 
આ વ્યાકરણને કોઈ તો બદલો ભલા હવે,
હે દોસ્ત ! એની યાતના એનો જ ત્રાસ છે.

- યોસેફ મૅકવાન

 

મિત્રો , હજુ હમણાં જ આપણે આં.રા. માતૃભાષાદિનની ઉજવણી કરી વૅબમહેફિલ પર અને હા…. ‘ગુજરાતી બચાવો’ રેલી પણ કાઢેલી આપણા જાણીતા સાહિત્યકારોએ.  નવા જમાનાને નવી ભાષા કેવી જોઈએ ? બસ, ગદ્ય-પદ્ય, જોડણી, વિશેષણો, સર્વનામ, સંધિ, સમાસનું વ્યાકરણ તે જ ભાષા…. ના, એ તો આપણી જીભનો લિબાસ, શણગાર …… કે વાણીવિલાસ. ભાષા એ તો બે વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિનું એક માધ્યમ માત્ર. અને મૂંગા-બહેરાં પણ પોતાની સાંકેતિક ભાષામાં વિચારોની આપલે કરી લે છે  ભલે તે હિન્દીભાષી હોય કે ગુજરાતીભાષી !! ને ત્યારે મૂંગામંતર બની જાય છે ગુજરાતી , હિન્દી, તમિલ, મરાઠી કે અંગ્રેજી માટે થતાં વિવાદો … !!

કવિને તો બસ પ્યાસ છે એક એવી નવી ભાષાની કે જે માત્ર સાંભળવામાં સુસંસ્કૃત નહીં પણ વ્યવહારમાં , વર્તનમાં પણ એટલી જ સુસંસ્કૃત હોય. …. !! 

એક નમ્ર ખુલાસો :  કવિ વ્યંગાત્મક રીતે ગદ્ય-પદ્ય, વિશેષણ, સર્વનામ, સંધિ, સમાસ, જોડણીનો ઉલ્લેખ કરી वचनेषु किम् दरिद्रताम् ? અર્થાત્ માત્ર બોલીને જ અટકી જાય તેવાં સમૃદ્ધ વાણીવૈભવ ધરાવતા મનુષ્યોને સુવાક્યોને બદલે સત્કર્મ કરવા ઇજન આપે છે.  ‘મારું જીવન જ મારો સંદેશ’ કહી ગાંધીજીએ ‘સત્યનાં પ્રયોગો’ પુસ્તક માત્ર લખ્યું નથી પરંતુ સત્યનાં પ્રયોગો જીવ્યાં છે. 

કવિ કહે છે, શબ્દોનાં વ્હેણમાં ‘સમજ’  હંમેશા તણાઈ જતી હોય છે અને આથી ‘અર્થો’ ડૂબી જતાં હોય છે હતાશાની ગર્તમાં….. આ તો વાત છે વ્યવહારની ભાષાની જે ગદ્યની જેમ જડબેસલાક છે અને હવે તો પ્રણયગીતમાં કાવ્યપ્રકારનાં વ્યવહાર પૂરતી પણ મીઠાશ નથી રહી.  સુસંસ્કૃત ભાષા એટલે કે વિશેષણ, સમાસ કે સંધિયુક્ત શબ્દો – પણ હૃદય તો સુસંસ્કૃત વ્યવહાર અને વર્તનની ભાષા જ ઉકેલી શકશે. કવિને તો પ્યાસ છે બસ પ્રીતની ભાષાની જેમાં માત્ર વાણીવિલાસ નથી પણ કશુંક કરી છૂટવાની ઈચ્છા અને તૈયારી પણ છે. 

 

 

.

Pinki @ February 27, 2009

કશું નક્કી નથી : આહમદ મકરાણી

Posted in: સાહિત્યકાર, આહમદ મકરાણી, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (3)

 

જળ હશે કે સ્થળ – કશું નક્કી નથી ;
થાય શું ઝળહળ ?- કશું નક્કી નથી.

કોણ કોનાથી વધારે શોભતું ?
આંખ કે કાજળ ?- કશું નક્કી નથી.

લ્યો, પવન ફૂંકાય છે ચારેતરફ,
ક્યાં જશે વાદળ ?- કશું નક્કી નથી.

પાથરું શું રાહમાં એ આવતાં ?
ફૂલ કે ચાદર ?- કશું નક્કી નથી.

કોણ દોરે પ્રેમપંથે હરઘડી ?
લો, કરો અટકળ – કશું નક્કી નથી.

- આહમદ મકરાણી

 

જગતમાં કશું નક્કી નથી હોતું પણ એટલું તો નક્કી જ કે આ ગઝલ આપ સૌને ગમી જ જશે. 

 

 

.

Pinki @ February 26, 2009

કયો કાંટો છું ? : આકાશ ઠક્કર

Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, આકાશ ઠક્કર | Comments (1)

 

આડું આવે છે

અડધુંપડધું એક પાંદડું

નહીં તો

વારંવાર મળું છું

હું મને સામો.

 

હું મને ઓળખીને

ભળી જાઉં મારામાં પાછો

પણ રોજરોજ મારા શ્વાસોને

ફૂટે છે નવી નવી ડાળો

ને ઈચ્છાઓની તૂટે છે પાળો.

 

પાંદડાની આરપાર કાંટો

કાંટાથી નીકળે કાંટો

કયો કાંટો છું

હું મારી ઘડિયાળમાંથી

છૂટો પડી ગયેલો ?

- આકાશ ઠક્કર

 

પુરુષાર્થની આડે પ્રારબ્ધનું બસ એક પાંદડું જ હોય છે, પણ તે પાંદડાની આરપાર રહેલ કેટકેટલાં કાંટાઓ જિંદગીભર ભોંકાતા રહે તે વેદના કવિએ સુપેરે વ્યકત કરી છે.  વારંવાર હુ મને સામે મળું છું એટલે કે જાત સાથે સંવાદ સાધું છું ફરી આશાની એક કળી ઊગે છે પણ આ રોજરોજ ફૂટતી ડાળો ને તેની પર ફૂટતાં પાંદડાં ફરી પ્રુરુષાર્થની આડે આવે છે.  તો ઘડિયાળ પણ પ્રારબ્ધનું જ પ્રતિક છે, ને કવિ વૃક્ષનાં કાંટાને આશ્ચર્યચકિત કરી મૂકે તેવી સહજતાપૂર્વક ઘડિયાળના કાંટામાં પરિવર્તિત કરે છે ને ફરી એ જ વણઉકલી સમસ્યામાં ઘેરાય જાય છે કે હું જ તો મારી ઘડિયાળમાંથી છૂટો નથી પડી ગયોને એટલે કે મારા પુરુષાર્થમાં જ તો કોઈ કચાશ નથી ને ?!!

 

 

.

Pinki @ February 25, 2009

This text will be replaced by the flash music player.
Powered By Indic IME