કાયમ નથી : ગૌરાંગ ઠાકર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગૌરાંગ ઠાકર | Comments (6)
આ જગત અમને ઝૂકાવે વાતમાં કૈં દમ નથી,
પણ હૃદયના મામલે હારી જતાં નાનમ નથી.
સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.
આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,
હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.
આ બધાં પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,
માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.
બસ તમે નક્કી કરી લ્યો, ઝૂલવું કે ઝૂરવું ?
એક પણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.
- ગૌરાંગ ઠાકર
જગત સામે નહીં ઝૂકવાની વાત કરતાં ગૌરાંગભાઈ નાજુક દિલ પાસે એટલી જ નજાકતથી હારી ગયાં છે અને તેમાં વળી નાનમ શી ? સુખની વ્યાખ્યા દરેકની પોતાની જ હોય. શું ખારવાને મન માછલી મોતીથી કમ હોય છે ? એને તો માછલી જ મોતી…. !!! ખારવો, માછલી ને મોતીનાં પ્રતિક લઈ કેટલી સુંદર વાત કરી છે !! હવાને પણ મર્યાદામાં બાંધી દેતાં કવિ કહે છે તે હરઘડી શ્વાસ બનવાને સક્ષમ નથી હોતી તો આપણને પણ મર્યાદા નડે જ ને એમાં દુ:ખ શાનું ? દર્પણવાળો શેર વાંચતાં જ Delhi-6 મુવી યાદ આવી ગયું. જેમાં એક પાગલને વારેઘડીએ દર્પણ હાથમાં લઈને ફરતો બતાવ્યો છે. જોકે સૉનેટની જેમ મુવીમાં પણ બે સીનમાં મુવીસાર બતાવ્યો છે જે સારું પણ છે તો કોઇને બૉર પણ કરી શકશે. ગૌરાંગભાઈ પણ એ જ વાત કહે છે બાહ્ય પ્રતિબિંબ તો બદલાશે પણ અંદરના માહ્યલાનું શું ? ખાલી દર્પણ વેચ્યા કરીશું તો અંદરનું પ્રતિબિંબ ક્યારે દેખીશું ? ક્યારે ચકાસીશું ? પરિસ્થિતિ આપણને ક્યારેય અનુકૂળ નહીં હોય આપણે જ તેની સાથે અનુકૂલન સાધવાનું છે તેવી ઉમદા વાત ….. મોસમ ને ડાળ સાથે સાંકળીને કરી છે.
.
Pinki @ February 24, 2009
સત્ સૃષ્ટિ : અજ્ઞાત
Posted in: સાહિત્યકાર, અજ્ઞાત, સાહિત્યપ્રકાર, ભજન | Comments (2)
સત્ સૃષ્ટિ તાંડવ રચયિતા
દ્રિગ્ તામ્ તામ્, દ્રિગ ધિન્ ધિતા,
હે આદ્યગુરુ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ :
ગંભીર નાદ મૃદંગનાં,
ધબકે ઊર બ્રહ્માંડનાં,
ધ્વનિ નિત્ય નૃત્ય પ્રચંડનાં,
નટરાજ રાજ નમો નમ :
શિર જ્ઞાનગંગા ચંદ્રમા,
દૃગ ત્રીજું જ્યોતિ લલાટમાં,
વિષ નાગમાલા કંઠમાં,
નટરાજ રાજ નમો નમ :
તુજ શક્તિ વામાંગે સ્થિતા,
હ્રીં ચંડિકા અપરાજિતા,
સહુ વેદ ગાયે સંહિતા,
નટરાજ રાજ નમો નમ :
- અજ્ઞાત
મહાશિવરાત્રીનાં પુણ્યપર્વે મને ગમતી શિવસ્તુતિ…… શિવ એટલે જ કલ્યાણ. આજનાં પવિત્ર દિવસથી સૌ શિવભક્તોનું જીવન કલ્યાણકારી બની રહે તેવી મંગલ કામના સાથે ……..
.
Pinki @ February 23, 2009
પ્રેમને કારણો સાથે : વિપિન પરીખ
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, વિપિન પરીખ | Comments (8)
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સ્હેજ હસેલી
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
- વિપિન પરીખ
“जननी जन्म्भूमिश्च स्वर्गादपि गरियसी” – મા અને માતૃભાષા વેદકાળથી જ સમાન પ્રેમ અને મહત્તા ધરાવે છે. યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે જાહેર કર્યો છે. કોઈ એક ભાષા ભૂલાતી જાય તો તેની સાથે તે દેશની સંસ્કૃતિ ને પ્રકૃતિ નષ્ટ થતી જતી હોય છે. આપણી સંસ્કૃતિ, આપણી ભાષા આપણે જ તેને બચાવીએ તો ?!! ‘હાય’ ને ‘બાય’નું કલ્ચર ‘આવજો’ કહીને જતાં મહેમાનને પણ મીઠો આવકારો આપતી આપણી સંસ્કૃતિને ભૂલે તે પહેલાં જ ………. જો કે રોજ ભલે મમ્મીને મમ્મી કહીએ પણ મા કહીએ ને જે સલામતી ને હૂંફ અનુભવાય તે ‘મૉમ’માં લાગે ?!! સપનાં તો ગુજરાતીમાં જ આવે ને શ્વાસ પણ ગુજરાતીમાં જ લેવાય બાકી હંધુય …… ????!!
.
Pinki @ February 21, 2009
પ્રણયોત્સવ : એટલે શું ? : જયા મહેતા
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, જયા મહેતા, સાહિત્યપ્રકાર, પ્રેમ | Comments (4)
આકાશને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને આકાશ છવાઈ ગયું.
જળને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને જળ વહેવા લાગ્યું.
વૃક્ષને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને વૃક્ષ છાયા થઈને પથરાઈ ગયું.
માણસને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
માણસે આકાશ તરફ જોયું ન જોયું
જળ તરફ જોયું ન જોયું
વૃક્ષ તરફ જોયું ન જોયું
ને પીઠ ફેરવી ચાલવા માંડ્યું.
- જયા મહેતા
.
મિત્રો, આજે પ્રણયોત્સવનાં છેલ્લા દિને જયા મહેતાનું એક બેનમૂન શબ્દશિલ્પ….. !! પ્રેમ એટલે શું ? શું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય ? ના…… એ તો બસ એક અહેસાસ છે તેને માત્ર અનુભવી શકાય. બસ ‘નૅચર’ની જેમ ‘નૅચરલ’ રહેવાની વાત છે. જો આકાશ છવાયેલું ના હોત તો ? જો જળ વહેતું ના હોત તો ? અને જો વૃક્ષ છાંયો આપવાનું છોડી દે તો ? પણ ના પ્રકૃતિ પોતાનો ગુણ નથી મૂકતી. હૃદયમાં અવિરત વહેતાં પ્રેમઝરણને સૂકાવા નહીં દેતા કારણ તે જ તો મનુષ્યનો ગુણ છે. મનુષ્યનું હોવાપણું છે. મનુષ્ય હોવાનું સાર્થકપણું છે.
.
Pinki @ February 20, 2009
પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, જવાહર બક્ષી, સાહિત્યપ્રકાર, પ્રેમ | Comments (4)
ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં
આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં
નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !
એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.
- જવાહર બક્ષી
મિત્રો, પ્રણયોત્સવ તો આપણે સૌ ઉજવી રહ્યાં જ છીએ પણ આજે એક નવો રંગ …… લાલ ગુલાબ આપી તો દીધું પણ જો સામેથી રીજેક્ટ થાય તો ? જવાહર અંકલે કહ્યું એમ, ધાર્યા મુજબનાં સંબંધ ના પણ ઊગે ?!! આજે તેમનાં જન્મદિને ધાર્યા મુજબનું બધું જ ઈશ્વર તેમને આપે તેવી શુભેચ્છાઓ સાથે ……
સંબંધનો સૂરજ, ભીના સ્મરણનાં શુકન કે તસતસતા મૌનને શબ્દો મળે અને જીવનમાં સતત નિષ્ક્રિયતા વચ્ચે પણ બે ઘડીની નિરાંત નહીં ?!! અદ્…ભૂત કલ્પનો સાથે મનભાવન ગઝલ …….!!
.
Pinki @ February 19, 2009
પ્રણયોત્સવ : તો આવ્યાં કને : ચંદ્રકાંત શેઠ
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ચંદ્રકાંત શેઠ, સાહિત્યપ્રકાર, પ્રેમ | Comments (2)
શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત ;
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.
- ચંદ્રકાંત શેઠ
પ્રેમીપંખીડા એકબીજાંને શોધતાં શોધતાં દૂર ચાલ્યાં જાય છે એટલે કે એકબીજાને પામવા જતાં દૂર થઈ જાય છે પણ જેવાં એકબીજાંથી દૂર થાય છે …..મનથી તો ખૂબ નિકટ આવી જાય છે. પ્રકૃતિનાં અલગ અલગ રૂપને પ્રેમનાં પ્રતિક રૂપે લઈ જાણે કે પ્રણયનાં રંગે પ્રકૃતિ રંગી દીધી છે. આ ગીત પણ ઑડિયો સાથે …. ખાસ કરીને જ્યારે ક્ષેમુદાદાને મોરારિબાપુનાં હસ્તે ગઈ મધરાતે જ ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિત કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો.
.
Pinki @ February 18, 2009
